
વડોદરાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડતાં કુલ 7 વાહનો નદીમાં ખાબકી ગયા છે. જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 લોકોના મોતની સત્તાવાર માહિતી મળી છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી કલેક્ટરે આપી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારા તેમજ ઈજાગ્રસ્તો માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગંભીરા પુલ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને આણંદ-વડોદરાને જોડતા ગંભીરા બ્રિજની થયેલી દુર્ઘટના અંગે સંપૂર્ણ વિગતો મેળવીને આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, તેમણે આ દુર્ઘટનામાં જે લોકો ઈજા પામ્યા છે તેમની સારવાર માટેની ચિંતા કરીને સારવાર પ્રબંધ અંગેની જાણકારી પણ મેળવી હતી. વડાપ્રધાનશ્રીએ બચાવ અને રાહત કામગીરી અંગે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો પણ મેળવી હતી.
https://x.com/ANI/status/1854773575926136893
આણંદ વડોદરાને જોડતા ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી જવાથી સર્જાયેલી દુઘર્ટના મનને અત્યંત વ્યથિત કરનારી છે. રાજ્ય સરકાર આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત પ્રત્યેક પરિવારની સાથે પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. તેમજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ પ્રત્યેકને 50,000 રૂપિયાની સહાય, ઉપરાંત તમામ સારવાર વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા પણ PMNRF ફંડમાંથી મૃત્યુ પામનારના પરિવારને રૂપિયા 2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે.