
ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ઈરાન-ઈઝરાયલ અંગે સ્પષ્ટ શબ્દોમાં વાત કરી છે. યુએનએસસીની ઈમરજન્સી બેઠકમાં ઈઝરાયલ પર સ્પષ્ટ આરોપ લગાવતાં ચીનના કાયમી પ્રતિનિધિ ફુ કોંગે કહ્યું કે ઈઝરાયલની ઈરાન વિરુદ્ધની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદા અને આંતરરાષ્ટ્રીય સંબંધોના ધોરણોનું ઉલ્લંઘન કરે છે. તેના હુમલા ઈરાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાને પણ જોખમમાં મૂકે છે અને પ્રાદેશિક શાંતિ તથા સ્થિરતાને ડહોળે છે. ફુ કોંગે કહ્યું કે ચીન સ્પષ્ટપણે આ પ્રકારના હુમલાઓની ટીકા કરે છે અને ઈઝરાયલને ચેતવણી આપે છે કે તે રેડ લાઈન ક્રોસ કરતાં બચે.
ચીને ઉચ્ચારી ચેતવણી
ઈઝરાયલ-ઈરાન યુદ્ધના ભયને રેખાંકિત કરતા ફુ કોંગે ચેતવણી આપી હતી કે જો સંઘર્ષ વધુ લંબાશે તો બંને પક્ષોને તો વધારે નુકસાન થશે જ પણ સાથે આ ક્ષેત્રમાં આવેલા અન્ય દેશો ઉપર પણ તેની ગંભીર અસર દેખાશે. જોકે ચીને એ નહોતું જણાવ્યું કે આ યુદ્ધથી પશ્ચિમ એશિયાની કયા કયા દેશોને અસર થશે.
ઈઝરાયલ-ઈરાન યુદ્ધે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું
સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના કાયમી પ્રતિનિધિ ફુ કોંગે કહ્યું કે ઈઝરાયલ-ઈરાન યુદ્ધ દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે અને તે જોઈને દુઃખ થાય છે કે આ સંઘર્ષના પરિણામે મોટી સંખ્યામાં નાગરિક જાનહાનિ અને બંને પક્ષોની સંપત્તિઓને નુકસાન થયું છે. અત્યાર સુધીની માહિતી મુજબ આ હુમલામાં ઈરાનના 640 લોકો માર્યા ગયા હતા, જ્યારે ઈઝરાયલનો મૃત્યુઆંક 40 પહોંચી ગયો છે.
ચીને કરી યુદ્ધવિરામની માગ
ચીન આ યુદ્ધની શરૂઆતથી જ યુદ્ધવિરામની માંગ કરી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને 13 જૂને કહ્યું હતું કે ચીન ઈઝરાયલના હુમલાઓથી "અત્યંત ચિંતિત" છે અને ઈરાનની સાર્વભૌમત્વના ઉલ્લંઘનનો વિરોધ કરે છે. વિદેશમંત્રી વાંગ યીએ ઈઝરાયલના હુમલાઓને "અસ્વીકાર્ય" અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું અને શાંતિ માટે રચનાત્મક ભૂમિકા ભજવવાની ઓફર કરી હતી.