
ટાટા ગ્રુપની માલિકીની એર ઇન્ડિયાએ બુધવારે (18મી જૂન) જાહેરાત કરી હતી કે તે આગામી થોડા અઠવાડિયા માટે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા વિમાનોના સંચાલનમાં 15 ટકાનો ઘટાડો કરશે. આ ઘટાડો તાત્કાલિક અસરથી શરૂ થયો છે અને જુલાઈ મહિનામાં લાગુ થઈ જશે. નોંધનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટના અને બોઈંગ 787 ડ્રીમલાઇનરમાં સુરક્ષા તપાસને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
એર ઈન્ડિયાની 83 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી
અહેવાલો અનુસાર, એર ઇન્ડિયા તેના વાઇડ-બોડી એરક્રાફ્ટ એટલે કે બોઈંગ 787 ડ્રીમલાઇનર, બોઈંગ 777 અને એરબસ A350થી દરરોજ લગભગ 70 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. જોકે, પશ્ચિમી દેશોના રૂટ પર તાજેતરમાં એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઇટનો સમય વધ્યો છે, જેના કારણે વિમાનોની ઉપલબ્ધતા પર અસર પડી છે. ઉપરાંત 12મી જૂને અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI171ના અકસ્માત પછી બોઈંગ 787 વિમાનોની સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે, જેના કારણે આ વિમાનોની ઉડાન ક્ષમતા મર્યાદિત થઈ ગઈ છે.
83 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી
બીજી જૂનથી 17મી જૂન દરમિયાન વાઈડ-બોડી એરક્રાફ્ટ સાથે કુલ 545 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનું સંચાલન કરવાની હતી. તેમાંથી ફક્ત 462 ફ્લાઇટ્સ પૂર્ણ થઈ શકી હતી, જ્યારે 83 ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. આ આંકડો 15.2% રદ કરવાનો દર દર્શાવે છે. આ આંકડાઓના આધારે, એર ઇન્ડિયાએ તેના શેડ્યૂલમાં ફેરફાર કર્યો છે અને નક્કી કર્યું છે કે વર્તમાન ક્ષમતા અનુસાર 15 ટકા ફ્લાઇટ્સ ઘટાડવામાં આવશે.
અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી
ઉલ્લેખનીય છે કે જઈએ કે, ગુરૂવારે અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી 241 લોકોના મૃત્યુ નિપજ્યા હતા. જોકે, એક વ્યક્તિ જીવિત રહી હતી. આ અકસ્માતમાં ન ફક્ત વિમાનમાં સવાર વ્યક્તિઓના મૃત્યુ થયા, પરંતુ જે બિલ્ડિંગ પર વિમાન પડ્યું તેની આસપાસ હાજર લોકોના પણ મોત નીપજ્યા હતા.