Home / : Ravi Purti : If Pakistan, a war-weary traitor, were to unleash nuclear weapons against India

Ravi Purti : યુધ્ધમાં ખુવાર થઈ ગયેલું દગાબાજ પાકિસ્તાન ભારત સામે અણુશસ્ત્રો ઉગામે તો

Ravi Purti : યુધ્ધમાં ખુવાર થઈ ગયેલું દગાબાજ પાકિસ્તાન ભારત સામે અણુશસ્ત્રો ઉગામે તો

- હોટલાઈન

- મલ્ટિ-મોડ રડાર સિસ્ટમ ધરાવતા હોવાને કારણે પાકિસ્તાનનાં મિરાજ-2000 પ્લેન ભારતમાંનાં દૂરનાં લક્ષ્યાંકો પર અણુશસ્ત્ર ફેંકવાની ક્ષમતા ધરાવે છે.

લુચ્ચું,લબાડ,દગાબાજ પાકિસ્તાન કોઈ કાળે સુધરે એમ નથી. ગયા શનિવારે (૧૦ મે) બપોરે ૩.૩૦ વાગે બેઉ દેશ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થઈ. તે પછીના ગણતરીના કલાકોમાં પાક. સેનાએ જાત દેખાડી. ભારતની પશ્ચિમી સરહદ પરનાં અનેક રાજ્યો પર ડ્રોન હુમલા કર્યા અને મિસાઈલો પણ દાગી. આ પરિસ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શાંતિ સ્થાપવાની સુફિયાણી વાતો કરનાર પાકિસ્તાન ચૂપ બેસી રહેશે ખરું.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતીય સેનાએ કરેલા પ્રચંડ હવાઈ હુમલા, ડ્રોન્સ અને મિસાઈલ એટેકથી પાક. જનરલ મુનીરનું ઘમંડ ચકનાચૂર થઈ ગયું છે. પોતાના સંખ્યાબંધ એરફોર્સ બેઝનો ભારતે ભુક્કો બોલાવી દીધા બાદ હમણાં તો મુલ્લા મુનીર શાંત દેખાય છે, પરંતુ ના કરે નારાયણને તેનો જેહાદી સ્વભાવ પાછો ઉથલો મારે તો એ કદાચ ન કરવાનું કરી બેસે. કેટલાક જાણકારો કહે છે કે પાક. જનરલ કદાચ ભારત પર અણુ હુમલો પણ કરે. એક વાત તો ખરી જ કે પાકિસ્તાનના અણુ હુમલાની દહેશત સદાય આપણને સતાવતી રહેશે.

અહીં પ્રશ્ન એ છે કે વારંવાર અણુબોમ્બની ધમકી આપતા પાકિસ્તાન સામે ભારત કેટલું સજ્જ છે? વાત માંડીને કરવી પડશે.

અમેરિકાની એક યુનિવર્સિટીએ પોતાના સંશોધનમાં દાવો કર્યો છે કે બન્ને દેશો વચ્ચે જો પરમાણુ યુદ્ધ થશે તો ૧૦ કરોડ લોકો મોતને ભેટશે.

અમેરિકાની સ્ટુગર્સ યુનિવર્સિટીએ પોતાના એક સંશોધનમાં અણુયુદ્ધની આગાહી કરી હતી. રિપોર્ટ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં કાશ્મીર મુદ્દે બન્ને દેશો વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ હશે.જાણકારો એવું  માને છે કે આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરશે. આ કાર્યવાહી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પણ થઈ શકે છે. એ પછી બન્ને દેશો વચ્ચે પ્રચંડ યુદ્ધ ફાટી નીકળી શકે છે. ખેર, આ માત્ર ધમકી  કે આગાહી નથી,  પરંતુ  પડોશી પાકિસ્તાન જે પેંતરાબાજી ખેલી રહ્યું છે તે કારણે ચિંતા ઉપજે એ સ્વાભાવિક  છે.

થોડા મહિના પૂર્વે  એવા સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાન ટૂંક સમયમાં વિશ્વની પાંચમી સૌથી મોટી પરમાણુ સત્તા બની જશે. આ અહેવાલ અમેરિકાની ટોચની એક થિન્ક-ટેન્કે આપ્યો છે. તેનો અંદાજ છે કે આગામી ૧૦ વર્ષમાં પાકિસ્તાનનો પરમાણુ શસ્ત્ર જથ્થો ૨૫૦નો થઇ જશે. પાકિસ્તાન પાસે ૨૦૧૧માં અંદાજે ૯૦થી ૧૧૦ પરમાણુ શસ્ત્રો હતા, જ્યારે હાલમાં તેની પાસે ૨૦૦થી વધુ  પરમાણુ શસ્ત્રો  છે.

હેન્સ એમ. ક્રિસ્ટેનસેન અને રોબર્ટ એસ. નોરિસે આ અહેવાલ પાકિસ્તાનનાં છેલ્લાં ૨૦ વર્ષના ન્યુક્લિઅર પ્રોગ્રામને તેમ જ હાલના અને ભાવિ વેપન ડેપ્લોયમેન્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. 

બીજી તરફ, ભારત  પાસે ૨,૦૦૦થી પણ વધુ પરમાણુ શસ્ત્રો તૈયાર થઇ શકે તેટલું ફિસાઇલ મટિરિયલ છે, તેવો અંદાજ પાકિસ્તાને  કાઢ્યો હોવાનું ત્યાંના 'ડૉન' અખબારના એક અહેવાલમાં જણાવાયું છે. પાકિસ્તાનની નેશનલ કમાન્ડ ઓથોરિટી (એનસીએ)એ ચિંતા વ્યક્ત કરી હતી કે ભારતના વિસ્તરતા ન્યુક્લિઅર પ્રોગ્રામથી પ્રદેશમાં વ્યૂહાત્મક સ્થિરતા ખોરવાઇ રહી છે. 

આર્થિક હાલાકી ભોગવી રહેલા પાકિસ્તાનને અણુશસ્ત્રો પાછળની દોડ પાલવે તેમ નથી, પરંતુ યુદ્ધખોર મિજાજને કારણે ઉપખંડમાં ભયનો માહોલ બનાવી રાખવા પાકિસ્તાન આવાં ઊંબાડિયાં કરે છે.

પાકિસ્તાન ઈસ્લામાબાદ તથા રાવલપિંડી વચ્ચેના ગોલરા નામના સ્થળે અણુબોમ્બ બનાવવાની કામગીરી ગુપ્ત રીતે ચલાવે છે, એટલું જ નહીં, ગોલેરાના ન્યુક્લિયર રિએક્ટરમાં ઉત્પન્ન થતું પ્લુટેનિયમ વાપરીને સેકન્ડ જનરેશન (વધુ અદ્યતન) અણુશસ્ત્રો બનાવવાનું ય પાકિસ્તાને ક્યારનું શરૂ કરી દીધું છે.

પાકિસ્તાનની ખુશ્બુ ન્યુક્લિયર સાઇટ તેના એક માત્ર પ્લુટોનિયમ પ્રોડક્શન રિએક્ટરની નજીકમાં છે. ૧૯૯૮માં શરૂ થયેલું આ યુનિટ ૫૦ મેગાવોટનું છે. નવા હેવી વૉટર પ્લાન્ટથી પરમાણુશસ્ત્રો બનાવવાની પાકિસ્તાનની ક્ષમતામાં વીસ ગણો વધારો થયો છે. અમેરિકન સ્પાય સેટેલાઈટે ઝડપેલી તસવીરો એવું સૂચવે છે કે ખુશ્બુ અણુમથકના ઝડપી વિસ્તરણ સાથે પાકિસ્તાનનો નાપાક ઈરાદો જાહેર થયો છે. 

પાકિસ્તાની જનરલો લશ્કરી બળ વાપરીને કાશ્મીર આંચકી લેવા માટેનો વ્યુહ લાંબા ગાળાથી વિચારી રહ્યા છે. નિવૃત્ત સેનાપતિ મિરઝા અસલમ બેગે તો આ હેતુ સિદ્ધ કરવા અણુબોમ્બ વાપરવાની યોજના પણ માસ્ટર પ્લાનમાં સામેલ કરી હતી. અત્યાર સુધી એની હાલત એવી હતી કે પાસે કારતૂસ હતા, પણ બંદૂક નહોતી. અણુશસ્ત્રાગારમાં એટમબોમ્બ કે અણુમિસાઈલ વસાવી લેવાથી જ વાત પતી જતી નથી. દુશ્મન દેશ પર અણુબોમ્બ ઝીંકવા માટે વિશિષ્ટ જાણકારી અને તાલીમ જોઈએ. અણુબોમ્બ ફેંકવા માટે ચોક્કસ ડિલીવરી સિસ્ટમ હોવી જોઈએ.

અમેરિકા પાસેથી પાકિસ્તાને મેળવેલાં એફ-૧૬ વિમાનો ભારત માટે ખતરારૂપ છે, કારણ કે મુંબઈ શહેર તેમજ ટ્રોમ્બે ખાતેના ભાભા-અણુમથક આ બોમ્બર વિમાનની ઉડ્ડયન મર્યાદાની અંદર આવી જાય છે. પાકિસ્તાની એફ-૧૬ તેમ જ નવા વસાવેલાં ચાઈનીઝ જે-૧૦ યા જે-૧૭ ફાઇટર પ્લેનના હુમલાને સમયસર ખાળવા માટે ભારતીય હવાઈ દળ પાસે અત્યાધુનિક મિરાજ-૨૦૦૦, સુખોય-૩૦ જેગુઆર  તથા મિગ-૨૯ વિમાનો   છે અને  હવે  તો ખૂંખાર  લડાયક  વિમાન રફાલ  પણ વાયુસેનાના બેડામાં સામેલ છે.

થોડાં વર્ષ પૂર્વે અમેરિકન નિષ્ણાતોએ એવા અહેવાલ વહેતા મૂક્યા હતા કે પાકિસ્તાને મિરાજની એક એવી સ્ક્વોડ્રન વસાવી છે, જે કરાચીથી ઊડીને સમુદ્રની સપાટીથી સહેજ ઊંચે રહી રડારમાં પકડાયા વિના માત્ર આઠ મિનિટમાં મુંબઈને હિટ કરી શકે. મલ્ટિ-મોડ રડાર સિસ્ટમ ધરાવતા હોવાને કારણે મિરાજ-૨૦૦૦ પ્લેન પણ ભારતમાંનાં દૂરનાં લક્ષ્યાંકો પર અણુશસ્ત્ર ફેંકવાની ક્ષમતા ધરાવે છે.

પ્રતિષ્ઠિત 'બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ'ના બે મહિના પૂર્વેના અંકમાં એવું જણાવ્યું છે કે પાકિસ્તાને તેનાં ૩૭ એફ-૧૬ વિમાનોની ટુકડીને તથા ફ્રાંસ બનાવટનાં ૫૦ મિરાજ-૫ વિમાનોને ભારત પર અણુહુમલો લઈ જવા માટે તૈયાર કર્યો છે. તેમાં ય એફ-૧૬ વિમાનો દ્વારા ભારતના જુદાં જુદાં સ્થળો પર અણુબોમ્બ ફેંકવાની પૂરેપૂરી ક્ષમતા પાકિસ્તાને હાથ કરી લીધી છે. અલબત્ત,અમેરિકાએ પાકિસ્તાનના હાથ બાંધી લીધા છે. બેઉ વચ્ચે એક એવી શરત થઈ હતી કે પાકિસ્તાન યુધ્ધમાં એફ-૧૬ પ્લેનનો ઉપયોગ કદી હુમલો કરવા માટે નહીં કરે, ફક્ત-સંરક્ષણ માટે જ કરશે.

પાકિસ્તાનની મેલી રમતની જાણ થઈ ત્યારથી ભારતીય લશ્કરી અમલદારો ટાંપીને બેઠા છે કે ચાન્સ મળે તે તરત પાકિસ્તાનનો ઘડોલાડવો કરી નાખવો. આ માટે ઑપરેશન ટ્રાઈડેન્ટ નામનો લશ્કરી વ્યૂહ જનરલ સુંદરજી સરસેનાપતિ હતા ત્યારે રાજ્યકક્ષાના સંરક્ષણપ્રધાન અરુણ સિંહ સાથે મળીને ઘડી કાઢવામાં આવ્યો હતો. ગુપ્ત યોજના એવી હતી કે ઈઝરાયલી એરફોર્સની સહાય લઈને કાહુટા અણુમથક તેમ જ કાનુપ ખાતેનું ન્યુક્લિયર એન્જિનીયરીંગ મથક ઉડાવી દઈ તેમની અણુબૉમ્બ નિર્માણ યોજના પર પાણી ફેરવી દેવું, પરંતુ કોંગ્રેસી નેતાઓ આવું સાહસ ખેડવા તૈયાર નહોતા. આવા અણધાર્યા હુમલા માટે મહાસત્તાઓ ભારતને પજવશે એવો ડર શાસકોને લાગતો હતો.

હવે પરિસ્થિતિ એવો વિચિત્ર વળાંક લઈ રહી છે કે અણુયુદ્ધ  છેડવાની પાકિસ્તાનની  ગુસ્તાખી તેને ખૂબ ભારે પડવાની છે. સદ્નસીબે ભારતીય અણુ વિજ્ઞાાનીઓએ અણુબોમ્બ બનાવવાની દિશામાં બહુ વર્ષો પૂર્વે જ નક્કર પગલાં લેવાનો પ્રારંભ કર્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરંપરાગત યુદ્ધ થાય તો તેવા સંજોગોમાં અગાઉ નવી દિલ્હી સામે આ લડાઈ હારી ચૂકેલું નાનકડું પાકિસ્તાન પરંપરાગત યુદ્ધ બાજી હાથમાંથી સરી જતી લાગે ત્યારે અણુશસ્ત્રો વડે પહેલા ઘા કરે. પશ્ચિમી રાષ્ટ્રો પણ આ પ્રકારની ચિંતા કરે છે અને આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સીએ પણ આ ચિંતામાં સાદ પુરાવ્યો છે.

વધુ ગંભીર વાત તો એ છે કે ભારત સાથે મૈત્રી રાખવાની ડાહી ડાહી વાતો કરતું ચીન પાકિસ્તાને તેના અણુશસ્ત્ર ઉત્પાદનમાં સંપૂર્ણ સહાય કરી રહ્યું છે. ચીન પાસે અણુઆયુધો અને મિસાઈલોનો ભંડાર છે. ચીનના એમ-૯ પ્રકારના મિસાઈલને આધારે પાકિસ્તાને તૈયાર કરેલા હત્ફ-૩ તથા ગઝનવી મિસાઇલનું સફળતાપૂર્વક પરિક્ષણ થઈ ગયું છે.  છેક ૧૯૯૫માં એ વાત લીક થઈ ગઈ હતી કે ખુશાબ ખાતે મિસાઈલની મદદથી અણુશસ્ત્રનો પ્રહાર કરવા માટે જરૂરી ગણાતું પ્લુટોનિયમ વિકસાવવા માટે અણુભઠ્ઠી બનાવવામાં ચીને પાકિસ્તાનને મદદ કરી હતી. વહેલું મોડું પાકિસ્તાન ભારત પર અણુહુમલો કરવાનો પ્રયાસ કરશે ત્યારે હત્ફ-૩ પ્રકારનાં મિસાઈલની ટોચે અણુબોમ્બ ગોઠવેલા હશે.

ભારતીય હવાઈ દળના ભૂતપૂર્વ ઍર ચીફ માર્શલ એન.સી. સૂરીએ એકવાર કહ્યું હતું કે, પરંપરાગત દળો ગમે તેટલાં સુસજ્જ કે મોટાં  હોય તો પણ તેઓ અણુશસ્ત્રોના હુમલા  સામે ટકી શકે નહીં. એક તરફ પાકિસ્તાન દ્વારા અણુહુમલાની દહેશત વધતી જાય છે તેમ આપણા સંરક્ષણ દળનું માનસિક દબાણ બેવડાતું જાય છે.

પાકિસ્તાનના સંભવિત અણુલક્ષ્યાંકના વર્ગીકરણ હેઠળ પંજાબ અને ગુજરાતનાં શહેરો ઉપરાંત દિલ્હી અને મુંબઈનો સમાવેશ થાય છે. આ વર્ગીકરણ થયા પછી નાગરિક સંરક્ષણ સત્તાવાળાઓ સંભવિત અણુહુમલાના સંજોગોમાં કઈ રીતે કામગીરી બજાવવી અથવા લોકોને જરૂરી સહાય માર્ગદર્શન આપવાની તજવીજ કરી છે. અણુબોમ્બનો વિસ્ફોટ થયા પછી લોકોને ઉગારવા માટે સેવા આપનારા સિવિલ ડિફેન્સના સ્ટાફ પાસે પુરતી માત્રામાં એન.બી.સી. (ન્યુક્લિયર બાયોલોજિકલ કેમિકલ) સંરક્ષણ સ્યૂટ કે રેડિએશન ખાળવા અને સલામતીનાં પગલાં લેવાં પૂરતા ડોમીમીટર્સ જેવા બીજાં સાધનો ઉપલબ્ધ કરાવવા પડશે.

અણુહુમલા સામે નાગરિકોનું રક્ષણ કરવાની જવાબદારી સિવિલ ડિફેન્સ તથા તમામ રાજ્ય સરકારોની છે. લશ્કરી અમલદારોની ચિંતા જુદી છે. દિલ્હીના સાઉથ બ્લોકમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંભવિત અણુયુદ્ધનો સિનારિયો કેવો હશે એની કલ્પના કરતાં સંરક્ષણ નિષ્ણાતો હવે દરેક પાસુ અત્યંત ગંભીરપણે વિચારે છે.  ૧૯૯૯માં (કારગિલ)  છેલ્લે જંગ લડયા પછી ભારત સામે યુદ્ધની તૈયારી કરવા માટે પાકિસ્તાન મિલિટરીને અઢી દાયકાનો પૂરતો સમય મળ્યો છે.

ચીની એમ-૧૧ મિસાઈલનું પાકિસ્તાની નામ હલ્પ-૩ છે. આ ઉપરાંત વધુ મારકણી ગઝનવી અને અબ્દાલી મિસાઈલ પણ તેના ભાથામાં છે. આ પૂર્વે ચીનની મદદ લઈને ૭૦ કિલોમીટર તથા ૩૦૦ કિલોમીટર રેન્જ ધરાવતા હલ્પ-૧ અને હલ્પ-૨ મિસાઈલ પાકિસ્તાને સ્વદેશમાં જ વિકસાવ્યાં હતાં.

જો કે કેટલાક શસ્ત્ર વિશેષજ્ઞા જણાવે છે કે એમ-૧૧ મિસાઈલ ઈરાકના સ્કડ મિસાઈલ જેવું છે. તેની નિશાન અચૂક નથી છતાં એના માથા પર કદમાં નાના પરંતુ ખૂબ જ સંહારક ભસ્માસૂર જેવા સેંકડો બોમ્બ કે અણુબોમ્બ ગોઠવી શક્યા છે, જેથી ૧૫-૨૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલાં લશ્કરી થાણાં કે બીજા કેન્દ્રોનો એ સંપૂર્ણ નાશ કરી શકે.

૪૦ મિરાજ-૨૦૦૦ વિમાનો વસાવ્યાં પછી તો પાકિસ્તાનની નાપાક યોજના વધુ સુદ્ઢ બની છે અને એ ભારત પર પ્રાણઘાતક અણુધડાકો કરે એવી શક્યતા બળવત્તર બની છે.

જોકે પાકિસ્તાનની આ તૈયારીઓથી ડરી જવાની જરૂર નથી. પાકિસ્તાની મિસાઈલોનો સામનો કરવા ભારતે પોતાની વિશિષ્ટ એર ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી છે. એન્ટી બેલાસ્ટીક મિસાઈલની યંત્રણાને વધુ સક્ષમ બનાવાઈ છે. રશિયાની એસ-૪૦૦ મિસાઈલ આ યુધ્ધમાં કેટલી કારગત નીવડી છે એ આપણે જોઈ રહ્યા છીએ. આના પરથી કહી શકાય કે પાકિસ્તાનની અણુ મિસાઈલ આક્રમણને ખાળવાનું સહેલું થઈ પડશે.

તેનો તાજો પૂરાવો ગયા પખવાડિયે જ આપણે જોયો. જ્યારે પાકિસ્તાને જમ્મુથી કચ્છના ભુજ સુધી ૧૫ સ્થળો પર મિસાઈલ એટેક કર્યો ત્યારે આપણી એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ મિસાઈલોને આકાશમાં જ તોડી પાડી હતી. અલબત્ત, અણુ મિસાઈલને તોડી પાડયા પછી પણ કિરણોત્સર્ગી વાદળ કેટલાંને ભરખી જશે એ કહેવું મુશ્કેલ છે.

લશ્કરના ભૂતપૂર્વ વડા કે. સુંદરજીએ સાચે જ કહ્યું છે કે, 'અણુવિકલ્પ ખુલ્લો રાખવો એ કંઈ સમસ્યાનો જવાબ નથી. આપણા શત્રુઓને ખબર પડવી જોઈએ કે ભારત પરના કોઈપણ હુમલાનો જવાબ ત્રણ મહિના પછી નહીં, માત્ર છ થી બાર કલાકમાં બમણા જોરથી આપવામાં આવશે.'  જોકે સંરક્ષણ વિજ્ઞાાનીઓ એવો આગ્રહ રાખે છે કે જરૂર પડે તો ભારત કલાકોમાં નહીં, મિનિટોમાં વળતો પ્રહાર કરી શકે તેવી સ્થિતિમાં હોવું જોઈએ.

તત્કાલીન એર ચીફ માર્શલ ધનોઆએ જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના બધી જ રીતે સક્ષમ છે. પાકિસ્તાન અચાનક અણુયુદ્ધ છેડે તો તેને તુરંત રિસ્પોન્સ આપવામાં અમને ગણતરીની મિનિટોની જ જરૂર પડશે. અમે ગમે તેવા આતંકી હુમલાનો સામનો કરવા ૬૦૦ એર વૉરિયર તૈયાર કર્યા છે. એટલું જ નહીં ભારતીય વાયુસેના પાકિસ્તાનના પરમાણુ ઠેકાણાઓનો નાશ કરવા પણ પૂરેપૂરી સક્ષમ છે.

પાકિસ્તાન અથવા ચીન દ્વારા અણુશસ્ત્રો વડે હુમલો થાય એવી પરિસ્થિતિમાં ભારતીય લશ્કરે શું કરવું એ સંદર્ભની અણુયુ્દ્ધ કવાયતો મોટાપાયે સરહદી વિસ્તારમાં યોજાતી હોય છે. આશરે એક લાખ સૈનિકોને સમાવી લેતી ડેઝર્ટ સ્ટ્રાઇક કોર્પ્સ સહિતની ઘણી બધી ટુકડીઓ આ યુધ્ધ રમતોમાં ભાગ લે  છે.  તેમ જ 'ન્યુક્લિયર ડ્રીલ' કરે  છે. અગાઉ આવી કવાયતને 'ટ્રાય એમ્ફ-૯૮' એવું સાંકેતિક નામ આપવામાં આવ્યું  હતું. 

અણુશસ્ત્રોને વ્યૂહાત્મક સ્થળે ગોઠવવા માટેના આયોજનમાં સેનાની ત્રણેય પાંખને સાથે રાખવામાં આવી છે. હવે જ્યારે પાકિસ્તાન દ્વારા અણુહુમલાની પહેલ કરવામાં આવશે તેવી દહેશત વધી ગઇ છે ત્યારે સરકાર લશ્કરની ત્રણેય પાંખોને અણુયુદ્ધ તૈયારીમાં પલોટવા ઇચ્છે છે. આ હેતુસર જ જંગી લશ્કરી કવાયતનું આયોજન કરવામાં આવે  છે.

ટૂંકમાં, બેઉ દેશે અણુશસ્ત્રો વિકસાવવાની ક્ષમતા કેળવી લીધી છે એ વાત તો સો ટકા સાચી. બેઉ દેશ પાસે ૫૦, ૧૦૦ કે ૨૦૦ અણુબોમ્બ કે અણુશસ્ત્રો છે કે નહીં અને છે તો તે વાપરતા આવડે છે કે નહીં એની પરખ તો સાચોસાચ યુદ્ધ ફાટી નીકળે ત્યારે જ મળે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અણુયુદ્ધને કારણે કયામતનો દિવસ જોવાનો વારો કદી ન આવે.

- ભાલચંદ્ર જાની

Related News

Icon