અમરેલીના રાજુલા પંથકમાં ભારે વરસાદ બાદ નદીઓમાં નવા નીરનો નોંધપાત્ર આવક થઈ છે. ત્યારે રાજુલાના ઉટિયાથી રાજપરડા ગામે જતા રસ્તા પર નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. તણાયેલી કાર બ્રિજ નીચે ફસાઈ હતી. કારમાં ફસાયેલી અન્ય વ્યક્તિને બહાર કાઢવા સ્થાનિકો તેમજ તંત્ર દ્વારા જેસીબી મશીનથી બ્રીજ તોડવા સહિતની કામગીરી કરવામાં આવી હતી.
અમરેલીના બાબરા પંથકમાં અનરાધાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. બાબરાના નાની કુંડળ ગામે કોઝ-વે પર પાણીના ધસમસતા પ્રવાહમાં કાર અટવાઈ હતી બાબરાથી રાજકોટ જતા કલ્પેશ ચૌહાણ તેમનો દીકરો અને મિત્ર કારમાં અટવાઈ ગયા હતા. મધ્યરાત્રીએ 108 એમ્બ્યુલન્સ સેવા, ફાયર બ્રિગેડ અને પોલીસે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. 108ની મહિલા ડૉક્ટરની સજાગતાથી કારના કાચ તોડી, બોનેટ પર બેઠેલા બે પુરૂષ અને એક બાળકને સુરક્ષિત બચાવાયા હતા.