
- કેમ છે, દોસ્ત
- ''બેટા, શ્રદ્ધાંજલિ મૃત વ્યક્તિના ગુણાનુવાદ માટે રખાય છે. એમાં બોલાતા શબ્દો મોટે ભાગે હોઠેથી જ વ્યક્ત થતાં હોય છે હૈયાની ભીનાશ જવલ્લે જ હોય છે.''
પુષ્કરરાયને બે સંતાનો: મોટી પુત્રી પુણ્યદા અને નાનો પુત્ર વિસ્મય. પુષ્કરરાયના પત્ની સીમાદેવી વિસ્મય માત્ર બે વર્ષનો હતો ત્યારે દેવલોક સિધાવ્યા હતા. પુષ્કરરાયે પોતે એકલા હાથે બંને સંતાનોને ઉછેર્યાં હતા. પુષ્કરરાયને પહેલેથી જ વિસ્મય બહુ વહાલો હતો. તેમના અતિશય લાડને કારણે વિસ્મય જિદ્દી અને સ્વચ્છંદી બની ગયો હતો.
અને પુણ્યદા.... લીલુંછમ એનું મન અને કંચનવર્ણી કાયા! પુણ્યદાના મમ્મી એને કાયમ કહેતા: 'પુણ્યદા, કાન પાસે કાજળનું ટપકું કરજે, નજર ન લાગી જાય કોઈની. ઘેલી રે મારી દીકરી, ઘોર કળિયુગની બોલબાલાના આ યુગમાં ધર્મનો પાલવ પકડી જીવવાનું તને કોણે શીખવ્યું? પુણ્યદા મને તારી બહુ ચિંતા થાય છે."
ત્યારે પુણ્યદા કહેતી : ''મમ્મી, તમે મારી ચિંતા છોડી દો. તમે તો ભગવાન શ્રીરામના ભક્ત છો, બધી ચિંતા એમને સોંપી દો.''
''અરે બેટા,હજુ તો તું આઠ વર્ષની છે, અને આવી ધીરગંભીર...! મસ્તી અને રમવાના દિવસોમાં તું મારી સાથે ઘરમાં રહીને મને કામમાં મદદ કરાવે છે. રોજ તુલસીક્યારે દીવો કરે છે અને કનૈયાની પૂજા કરે છે. આ બધું મારા માટે આશ્ચર્યજનક છે. બેટા, તું મારી પુત્રી નથી ઘર ભૂલીને મારી કૂખે જન્મેલી એક પરી છે. બેટા, મારી તબિયત સારી રહેતી નથી એટલે તારી ચિંતા મને બહુ થાય છે. તારો ભાઈ વિસ્મય હજુ બહુ નાનો છે પણ મને તેની ચિંતા નથી... તું એને સંભાળી લઈશ પણ તને કોણ સંભાળશે... બેટા?''
અને હંમેશા બીમાર રહેતાં સીમાદેવીએ જ્યારે દેહ છોડયો ત્યારે તેમના મુખમાં પુણ્યદાનું જ નામ હતું.
એ વાતને પંદર વર્ષના વહાણાં વહી ગયા. પુષ્કરરાયે પુણ્યદા અને વિસ્મય બંનેને એકલા હાથે ઉછેર્યા. પુણ્યદા તો એકદમ સીધી સાદી હતી અભ્યાસ સાથે એ ઘરનું પણ ધ્યાન રાખતી હતી. એટલે પુષ્કરરાયને પુણ્યદાની જરાપણ ચિંતા નહતી. પણ તેમણે વિસ્મયને બહુ લાડ લડાવ્યા. વિસ્મય શું ખાશે, શું પહેરશે, બધું એ નક્કી કરતા અને પુણ્યદા એનો અમલ કરતી. વિસ્મય સ્કૂલે જાય ત્યારે ટાઈમટેબલ પ્રમાણે તેની સ્કૂલ બેગ પુણ્યદાએ જ તૈયાર કરવાની વિસ્મયને બૂટ, મોજા, યુનિફોર્મ પણ પુણ્યદાએ પહેરાવીને રેડી કરી દેવાનો એની ફરમાઈશ પ્રમાણે લંચબોક્સ તૈયાર કરવાનો. એટલે વિસ્મય આળસું અને અભિમાની બની ગયો હતો.
એક દિવસ પુષ્કરરાય સવારે વહેલા ઊઠયા અને પુણ્યદાને ઊઠાડવા માટે તેના રૂમમાં ગયા ત્યારે અચાનક તેમની છાતીમાં જાણે શૂળો ભોંકાઈ રહી હોય તેવી વેદના શરૂ થઈ. એમણે ઢંઢોળીને પુણ્યદાને જગાડી. પુષ્કરરાયની સ્થિતિ જોઈને પુણ્યદાએ કહ્યું: ''પપ્પાજી, આપ ખૂબ જ અસ્વસ્થ છો, એમ્બ્યુલન્સ બોલાવી આપને હોસ્પિટલ લઈ જાઉ?''
''બેટા, તારી ભાવનાની હું કદર કરું છું. પણ મને લાગે છે કે તારી મમ્મી પાસે જવાનો મારો સમય આવી ગયો છો. તને અને વિસ્મયને મેં એક માતા ઉછેરે તેમ ઉછેર્યા છે. મને મૃત્યુની ચિંતા નથી, મને વિસ્મયની ચિંતા છે. બેટા...''
''પપ્પા,તમે આવા નેગેટિવ વિચારો ના કરો,તમને કશું નહીં થાય, ડોક્ટરની દવા લેવાથી સારું થઈ જશે.''
''બેટા પુણ્યદા, ભલે મને સારું થાય કે ના થાય. પણ મારા મનની વાત તને આજે કહી દેવી છે. બેટા, તું જેટલી કર્તવ્યનિષ્ઠ અને સમજુ છે, વિસ્મય એટલો જ બેફિકર અને બહાનાખોર. મારા ગયા પછી તું એકલે હાથે એને કેવી રીતે સાચવીશ? હકીકતમાં અતિશય લાડ કરીને મેં જ એને બગાડયો છે. માટે તારે ઉદાર દૃષ્ટિકોણ રાખવો પડશે. હું આશા રાખું છું કે વિસ્મયને તું સાચવીશ. એની અક્ષમ્ય ભૂલો હોવા છતાં એની પર વાત્સલ્યવર્ષા કરતી જ રહીશ. મને ખબર છે કે તું ગમે તેટલો પ્રેમ આપીશ તો પણ વિસ્મય પોતાનો મૂળ સ્વભાવ છોડવાનો નથી. ગુણને બદલે દોષ જોવાની પોતાની આદત એ બદલવાનો નથી, બેટા, તારામાં દેવી જેવા અનેક પવિત્ર ગુણો છે એટલે વચન માગું છું કે વિસ્મયને તું સદાય સાચવીશ. અને મારી સઘળી સંપત્તિ હું તારે નામે કરીને જાઉં છું. વિસ્મય જવાબદાર વ્યક્તિ બને ત્યારે તને ઠીક લાગે ત્યારે તેને સંપત્તિમાંથી ભાગ આપજે... અને...''
બોલતાં-બોલતાં પુષ્કરરાયની જીભ થોથવાવા લાગી...
ત્યારે પિતાને હાથ પોતાના હાથમાં લઈને પુણ્યદાએ કહ્યું હતું: ''પપ્પાજી, તમે વિસ્મયની ચિંતા જરાપણ ના કરશો. તમારો સાચો વારસદાર તો વિસ્મય છે, વિસ્મય સમજણો થાય ત્યાં સુધી હું આપની સંપત્તિની રખેવાળ બનીશ. હું વિસ્મયને મારા જીવથી પણ વધારે જાળવીશ તમને વચન આપું છું.''
પુણ્યદાના આ શબ્દો સાંભળી પુષ્કરરાયના શ્વાસ સદા માટે અઠકી ગયા હતા. અને પુણ્યદાની આંખમાંથી અશ્રુનો ધોધ વહેવા માંડયો. પણ એણે સંયમ જાળવ્યો. પોતાના કાકા-કાકીને ફોન કરીને પુણ્યદાએ જાણ કરી. પપ્પાજીને સફેદ ચાદર ઓઢાડી ઘીનો દીવો કરી ગીતાપાઠ કરવામાં મન પરોવવાની કોશિશ કરી.
અડધા કલાકમાં જ કાકા-કાકી આવી પહોંચ્યા,અડોશ-પડોશના લોકો પણ દોડી આવ્યા. પણ વિસ્મય હજી ઘસઘસાટ ઊંઘતો હતો. કાકાએ તેના રૂમમાં જઈને તેને જગાડયો અને તેનો ઉઘડો લેવાનું શરૂ કર્યું,ત્યારે પુણ્યદાએ તેમને રોક્યા ''કાકાજી, મેં પપ્પાને વચન આપ્યું છે, કે હું વિસ્મયનો કોઈ દોષ નહીં જોઉં. એટલે એને માફ કરી દો.''
પણ વિસ્મય પોતાની દીદીની મહાનતાની કદર કરવાને બદલે ઊંધો ચોંટયો. ''કાકાજી, દીદીને તમે ભોળી ન માનશો. પપ્પાજીની મિલકતના તમામ કાગળોમાં એણે તેમની સહી કરાવી લીધી હશે એટલે તો મને જગાડયો નહીં. અવસાન જેવી ગંભીર બાબતથી મને અજાણ રાખવાની એને શી જરૂર હતી? દીદી, તમારી ચાલાકીને હું ક્યારેય માફ નહીં કરું.'' વિસ્મય બોલ્યે જતો હતો પણ તેની આંખમાં એકપણ આંસુ નહોતું.
કાકાજીના ગુસ્સાનો પાર નહતો. વિસ્મયની નીચતા હદ બહારની હતી. પણ કજિયો-કંકાસ કરવાનો સમય ન હતો. પુણ્યદાની સૂચના મુજબ તેમણે સગા-વહાલા તથા નિકટના સ્નેહીઓને જાણ કરવાનું શરૂ કરી દીધું હતું.
પુષ્કરરાયની સ્મશાનયાત્રામાં જોડાયેલા લોકો તેમની ઉદારતા અને મહાનતાના વખાણ કરતાં થાકતાં નહતા. સ્મશાનમાં જ એમને શ્રદ્ધાંજલિ આપતા પ્રવચન ગોઠવવાનું કેટલાકે પુણ્યદાને સૂચન કર્યું. પણ પુણ્યદાએ પપ્પાજીના શબ્દો ટાંકીને કહ્યું : ''બેટા, શ્રદ્ધાંજલિ મૃત વ્યક્તિના ગુણાનુવાદ માટે રખાય છે. એમાં બોલાતા શબ્દો મોટેભાગે હોઠેથી જ વ્યક્ત થતાં હોય છે હૈયાની ભીનાશ જવલ્લે જ હોય છે. એટલે મારી પાછળ શ્રધ્ધાંજલિનો કાર્યક્રમ રાખીશ નહીં.'' અને પુણ્યદાની વાત સૌએ સ્વીકારી લીધી હતી. પુષ્કરરાયની ઈચ્છા અનુસાર બેસણું, પ્રાર્થના સભા કે અન્ય મરણોત્તર કોઈપણ વિધિ રાખેલ નથી, એવી સહુને જાણ કરી હતી.
પણ વિસ્મયને દેખાડામાં રસ હતો. મોટા-મોટા માણસો બેસણા નિમિત્તે આવે અને તેમની સહાનુભૂતિનો લાભ પોતે ઉઠાવે એવી તેની ઈચ્છા હતી. એટલે એણે પુણ્યદા પર આક્ષેપ મૂક્યો કે દીદીએ પૈસા બચાવવા ખાતર પપ્પાજીના પાછળના બધા જ કાર્યક્રમો રદ કર્યા છે. પણ પુણ્યદાએ પપ્પાજીની સ્મૃતિમાં અનાથાલય, મૂક-બધિરશાળા અને પાંજરાપોળમાં દાન આપી પુત્રી ધર્મ અદા કર્યો હતો.
પુણ્યદાની ઉંમર એકવીસ વર્ષની અને વિસ્મયની ઉંમર સત્તર વર્ષની. કાકા-કાકી નિઃસંતાન હતા એટલે પુણ્યદાએ તેમને પોતાની સાથે રહેવા વિનંતી કરી. પુણ્યદાની ખાનદાની અને નમ્રતા જોઈને કાકાએ એનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. પણ વિસ્મયને લાગ્યું કે દીદી કાકા સ્વરૂપે ઘરમાં એક ચોકિયાતની વ્યવસ્થા કરી રહી છે. એણે કહ્યું : ''કાકા, આપને અને કાકીને કષ્ટ આપવું એનાં કરતા ચોવીસ કલાક માટે એક ભાઈ રાખી લઈએ તો? દીદી તો સ્વાવલંબી છે અને હું મારો એક પર્સનલ નોકર રાખી લઈશ એ મારી ફરમાઈશ મુજબ કામ કરશે. જિંદગી,મોજ-મજા માટે છે, જાતજાતના નિયમો પોતાના પર લાદી આદર્શોના ગુલામ બનવા માટે નથી.''
કાકાને માઠું લાગ્યું પણ પુણ્યદાએ ક્ષમા માંગી કાકાને મનાવી લીધા. એટલે વિસ્મયે કહ્યું, ''કાકા, એક રસ્તો એ પણ છે. દીદીને તમારે ઘેર લઈ જાઓ. મારું હું ફોડી લઈશ. અનુકૂળતાએ પંચને બોલાવી મારી મિલકત મને સોંપી દેજો. દીદી તો દીકરી છે એનો પપ્પાની સંપત્તિમાં ભાગ ના હોય હું નોકરી કરવામાં માનતો નથી. મારી પર કોઈ સાહેબ ના જોઈએ. બે-ત્રણ વર્ષ પછી દીદીને પરણાવી દેજો એટલે તમે પણ છુટા અને હું પણ છૂટ્ટો.''
પુણ્યદાએ વિસ્મયને આગળ બોલતા અટકાવીને કહ્યું: ''વિસ્મય, જે પપ્પાજીએ આપણને માતાની જેમ સાચવ્યા, એમના મૃત્યુની અદબ આપણે જાળવવી જોઈએ. કાકાજી આપણા વડીલ છે. એ આપણી સાથે જ રહેશે.''
અને કાકા-કાકીએ પુષ્કરરાયના ઘરની બધી જવાબદારી સંભાળી લીધી.
વિસ્મય સ્વચ્છંદી હતો. વારંવાર મોટી રકમની માગણી એ પુણ્યદા પાસે મૂકતો. પપ્પાજીને આપેલા વચન મુજબ પુણ્યદા ક્યારેય પણ વિસ્મયની માંગણીને ઠુકરાવતી નહોતી. વિસ્મય સગીર હતો એટલે પુણ્યદાએ કાકાનું નામ બેંક એકાઉન્ટમાં ઉમેરાવી દીધું હતું પણ વિસ્મયને એ વાત ખટકતી હતી.
એમ ચાર-પાંચ વર્ષ વહી ગયાં. વિસ્મય પૈસા ઉપાડતો જ રહ્યો અને પુણ્યદા મૂંગા મોંઢે પૈસા આપતી જ રહી. પુણ્યદાએ કાકાની મદદથી એક પ્રતિષ્ઠિત કંપનીમાં નોકરી મેળવી લીધી હતી.
વિસ્મયના ઉડાઉ સ્વભાવને કારણે એનું ભવિષ્ય જોખમમાં ન મુકાય એ માટે પુણ્યદાએ અલગ એકાઉન્ટ ખોલાવી પોતાનો પગાર વિસ્મયના હિત માટે જમા કરાવતી ગઈ.
કાકાજી પણ વૃધ્ધ થઈ ગયા હતા. દીદી અને કાકાજી મિલકતનો વહીવટ કરે તે વિસ્મયને મંજૂર નહોતું એટલે એણે એક જુદો ફલેટ રાખી લીધો અને એકલો રહેવા લાગ્યો. દીદી પાસેથી જેટલા પૈસા ખંખેરાય તેટલા ખંખેરી લેવા તેવું તેણે નક્કી કર્યું હતું. થાકીને એણે વકીલ રોકી કાકાજી અને પુણ્યદાના નામની નોટીસ મોકલી તેમાં એવો આક્ષેપ મૂક્યો કે પોતાના મૃત પપ્પા પુષ્કરરાયની સઘળી મિલકત પચાવી પાડવાનું બંને જણે કાવતરું કર્યું છે.
બીજે દિવસે વિસ્મય તેના વકીલને લઈને પુણ્યદાના નિવાસ સ્થાને હાજર થયો. પુણ્યદાએ વિસ્મયના પિતાજીની એકલા વારસદાર તરીકે દર્શાવતા વિલના કાગળોની નકલ વકીલના હાથમાં મૂકી.
વિસ્મય દીદીની ઉદારતા અને મહાનતા જોઈને ભોંઠો પડી ગયો. એ દીદીની પગમાં પડી ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યો.
પવિત્ર વર્તન કોઈનો ઈજારો નથી. દેવ બનવું સહેલું છે,પણ મનુષ્ય બનવું અઘરું છે.
- ડો.ચન્દ્રકાન્ત મહેતા