Home / : Fears of widespread losses in trade due to slowdown in cumin

Business Plus : જીરામાં મંદીના ગભરાટથી વેપારમાં વ્યાપક નુકસાનીની દહેશત

Business Plus : જીરામાં મંદીના ગભરાટથી વેપારમાં વ્યાપક નુકસાનીની દહેશત

- કોમોડિટી કરંટ 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- ટ્રમ્પની આયાત- નિકાસ ડયુટીઓની અનિશ્ચિતતાથી વેપાર ઉપર વિપરીત અસરો

ગુજરાત સહિત ઘણા બધા કૃષિ ઉત્પાદિત રાજ્યોમાં ખેંચાઈ રહેલા વરસાદને કારણે ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ છવાયો છે. થોડા સમય અગાઉ પડેલા કમોસમી વરસાદ બાદ સૌરાષ્ટ્ર પંથકમાં ઘણા વિસ્તારોમાં મગફળી સહિત વિવિધ પાકોનું વાવેતર કરેલ હતું પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા હાલમાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. મગફળી ઉપરાંત તલ, મગ, બાજરી જેવા પાકોના વાવેતર બાદ વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. કૃષિ બજારોમાં પણ મોટા ભાગની કૃષિ ચીજોની સીઝન પૂરી થઈ ગઈ છે. આવકોના અભાવે કૃષિ બજારોમાં સુસ્તી વર્તાઈ રહી છે 

રાજ્યના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાં આજકાલ જીરામાં છેલ્લા ઘણા સમયથી મંદીનો માહોલ છવાયો છે. જીરામાં સ્થાનિક દેશાવર કે વિદેશથી પણ અપેક્ષિત ઘરાકીના અભાવ સામે પુરવઠો પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ હોવાથી બજાર સતત ઘટાડા તરફી સરકી રહ્યું છે. જીરાના નિકાસકારોને ચીનની લેવાલી નીકળશે તેવો આશાવાદ ઠગારો નીવડયો છે. આગામી એકાદ માસમાં ચીનમાં પણ જીરાનો નવો પાક આવશે અને હાલમાં તેનું ઉત્પાદન કેટલું હશે તે બાબતે વિવિધ મતમતાંતર વેપારી વર્ગમાં ચર્ચાસ્પદ રહ્યા છે. વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં જીરા વાયદો પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૨૪,૫૦૦ની આસપાસ હતો. જો કે, સીઝન દરમ્યાન જીરાની માંગ અને આજદિન સુધી જીરાનો પુરવઠો વધુ રહેવાથી બજાર સતત ઘટાડા તરફી સરકી રહી છે. આજે જીરા વાયદો ૧૮થી ૨૦ ટકા ઘટીને ૧૯૦૦૦ની સપાટી તોડીને ૧૯૮૦૦ના સ્તરે નોંધપાત્ર તળિયાની સપાટીએ રહ્યો છે. જીરા બજારમાં આટલી મોટી મંદીને લીધે જીરાના વેપારીઓના જીવ હવે તાળવે ચોંટયા છે. મોટા ભાગના વેપારીઓની જીરાની પડતર કરતા હાલમાં જીરા બજાર નીચું જતા નુકસાની બહાર આવતાં જીરા વેપારમાંથી રસ ઉડી રહ્યો છે. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ ઇઝરાયલ, રશિયા, તુર્કી, યુક્રેન, ઇરાન, પાકિસ્તાન સહિતના દેશો પણ યુદ્ધની સ્થિતિમાંથી પસાર થતા આંતરરાષ્ટ્રીય વેપારમાં અનિશ્ચિતતાનો માહોલ છવાતા જીરા સહિત મોટા ભાગની કૃષિ ચીજોના વિદેશી વેપારોમાં ભલીવાર જણાતો નથી એના લીધે જીરામાં હજી મોટી મંદીના ભણકારા વાગી રહ્યા છે.

સૌરાષ્ટ્રના કેટલાક પીઠાઓમાં કેટલીક વેપારી પેઢીઓના ઉઠમણાના અહેવાલો પાછળ જીરામાં છવાયેલી મંદી કારણભૂત હોવાની ચર્ચા છે. ૨૦૨૫નું વર્ષ જીરા સામે પ્રતિકૂળ રહેતા સતત મંદી રહી છે. જીરા વાયદામાં વીસ હજારની અતિ મહત્ત્વની સાઇકોલોજીકલ સપાટી તૂટતા જીરામાં હજુ પણ પ્રતિ કિલોએ રૂપિયા ૫ થી ૧૦ની મંદી આવે તેવી શક્યતાઓ ચર્ચાસ્પદ રહી છે. જીરામાં સટ્ટાકીય વેચવાલી આવે તેવી ચર્ચાઓ પણ બજારને તોડી રહી હોવાનું કોમોડિટીના જયવદન ગાંધીએ વધુ જણાવ્યું છે કે જીરાના ભાવમાં ટેક્નિકલી હવે ૧૯૫૦૦નું લેવલ મહત્ત્વનું છે. જો આ લેવલ તૂટે તો ૧૯ હજારની સપાટી પણ જોવા મળે તેવી સંભાવના વેપારી વર્ગમાં પ્રવર્તી રહી છે.

જીરાની સમાંતર અન્ય કૃષિ ચીજોમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઇસબગુલમાં છેલ્લા એક માસમાં પ્રતિ મણે રૂપિયા ૨૭૫ થી ૩૫૦ સુધીનો કડાકો થયો છે. ઇસબગુલની નિકાસ વેપાર ઘણા સમયથી ઠપ્પ થઈ ગયા હોવાથી ડિમાન્ડના અભાવે બજાર સતત તૂટી રહી હોવાથી ખેડૂતોની વેચવાલી પણ અટકી ગઈ છે. ઇસબગુલ ઉત્પાદિત રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા ગુજરાત આ વર્ષે ઉત્પાદન ઘટયું હોવા છતાં બજારમાં દમ રહ્યો નથી. અમેરિકામાં ટ્રમ્પના શાસનમાં દરેક કૃષિ ચીજોની આયાત નિકાસની ડયુટી નીતિઓ ચગડોળે રહેવાથી નિકાસ માંગ ઉપર અસર પડી રહી છે. જેના લીધે આવકો તૂટવા છતાં માંગના અભાવે તેજી પકડાઈ રહી નથી.

આ ઉપરાંત અન્ય મસાલા પાક ધાણામાં પણ મંદીના માહોલથી વેપાર ઠપ્પ થઈ ગયો છે. ઇદના તહેવાર બાદ આગામી સમયમાં ધાણામાં નિકાસના વેપારો થાય તો બજારને થોડો ટેકો મળે તેવી અપેક્ષા છે. આ સિવાય હાલમાં બજાર સુધારાની કોઈ શક્યતા નહી હોવાનો વેપારી મત છે. ગયા અઠવાડિયે માંગના અભાવે ક્વિન્ટલે ૧૦૦ રૂપિયા બજાર તૂટી હતી. જો કે, સાતેક હજારના સ્તરે ધાણા બજાર રહે તો મોટી મંદીની શક્યતા ઓછી હોવાનું ચર્ચાસ્પદ છે. તેલીબીયામાં એરંડાને બાદ કરતા તલ સહિત મોટા ભાગની ચીજોમાં ઘરાકીના અભાવે મંદીનો માહોલ છવાયો છે.

Related News

Icon