Home / : Dharmlok : "Chudala,Guides King Sikhidhwaja to Enlightenment as a Sage"

Dharmlok : આત્મજ્ઞાની ચૂડાલાએ એના પતિ રાજા શિખિધ્વજને ઋષિકુમારના રૂપે આત્મજ્ઞાન આપ્યું

Dharmlok : આત્મજ્ઞાની ચૂડાલાએ એના પતિ રાજા શિખિધ્વજને ઋષિકુમારના રૂપે આત્મજ્ઞાન આપ્યું

- વિચાર-વીથિકા 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- જ્ઞાનથી મોક્ષ મળે છે અને કર્મનો ત્યાં સુધી ત્યાગ ન કરવો જોઈએ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થઈ જાય

યોગવાસિષ્ઠ રામાયણમાં ૭૭થી ૧૧૦ સુધીના ૩૪ અધ્યાયો અને ૧૬૫૦ શ્લોકોમાં રાણી ચૂડાલાની કથા આવે છે. આ કથા પણ વશિષ્ઠ મુનિ ભગવાન રામને કહે છે. શિખિધ્વજ માલવના મહાન,યશસ્વી,ધર્મપરાયણ,ઉદાર અને સદગુણી રાજા હતા. તેમના લગ્ન સૌરાષ્ટ્ર પ્રદેશની રાજકન્યા ચૂડાલા સાથે થયા હતા. ચૂડાલા અત્યંત સુંદર અને વિદુષી હતી. ઘણા સમય સુધી બન્નેએ સાંસારિક અને ઈન્દ્રિયજન્ય સુખો ભોગવ્યા પણ આંતરસુપ ન મળ્યું. આત્મ-જ્ઞાન અને બ્રહ્મ-અનુભૂતિ વિના અંતઃકરણનું પરમોત્કૃષ્ટ સુખ ઉપલબ્ધ ના થઈ શકે તે સમજાતાં ચૂડાલા વિવેકપૂર્ણ બની વિરકત થઈ આત્મજ્ઞાનની સાધનામાં સંલગ્ન થઈ ગઈ. પરમતત્ત્વનો સાક્ષાત્કાર થતાં બ્રહ્મજ્ઞાની અને સિદ્ધ યોગિની બની ગઈ. તેના બધા દ્વન્દ્વો છૂટી ગયા. તેને જગતના અણુ અણુમાં ઈશ્વરના દર્શન થવા લાગ્યા અને જીવનની પળે પળમાં પ્રેમ, પ્રસન્નતા અને પરિતોષની અનુભૂતિ થવા લાગી ગૃહસ્થ જીવન જીવતાં જીવતાં જીવન મુક્ત દશા પ્રાપ્ત થઈ ગઈ.

રાજા શિખિધ્વજનું મન યોગસાધના કરતો હોવા છતાં કેવળ બાહ્યાચરણને લીધે અસંયમિત અને અશાંત રહ્યું. ચૂડાલા તેના પતિને આત્મજ્ઞાન અને આત્મસુખનો સાચો માર્ગ બતાવવાનો પ્રયત્ન તો કરતી પણ શિખિધ્વજને પોતાની પત્ની અને એક સ્ત્રી પાસેથી જ્ઞાન ગ્રહણ કરવામાં નાનપ લાગતી. કઠોર તપશ્ચર્યા કરીને આત્મસુખ પ્રાપ્ત કરવાનો મનસુબો રાખીને શિખિધ્વજે કોઈને જાણ કર્યા વિના ઘર છોડી દીધું અને જંગલમાં જતો રહ્યો. જંગલમાં જઈને તે તપ કરવા લાગ્યો. રાજાના એકાએક ચાલ્યા જવાથી રાજ્યમાં અરાજકતા,અવ્યવસ્થા ના ઊભી થાય તે હેતુથી ચૂડાલાએ બધાને જણાવ્યું રાજા પર્યટન પર ગયા છે અને તેણે પોતે જ તેનું સંચાલન પોતાના હાથમાં લઈ લીધું.

થોડા દિવસ બાદ ચૂડાલાએ યોગ પ્રક્રિયાથી તેના સૂક્ષ્મ શરીરને સ્થૂળ શરીરથી અળગું કહી રાજાની સ્થિતિ કેવી છે તે જાણવા તેમની પાસે મોકલ્યું. તેનાથી તેને ખબર પડી કે તે હજુ મનના કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર વિકારોથી મુક્ત થયો નથી. તેનું વાસનારહિત થયું નથી એટલે તેને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરાવી એ બધાથી મુક્ત કરવા એક ઋષિકુમારનું રૂપ ધારણ કરી તેની પાસે જવાનું અને રહેવાનું નક્કી કર્યું. આ રીતે તેણે ઋષિકુમારનું રૂપ લીધું અને તે જંગલમાં તપ કરતા શિખિધ્વજ પાસે ગઈ, તેણે રાજાને કહ્યું - 'હું નારદનો પુત્ર અને બ્રહ્માનો પૌત્ર કુંભ છું.શિખિધ્વજે તેને કહ્યું - હું રાજા શિખિધ્વજ છું. આત્મ-જ્ઞાન મેળવી આંતર સુખ પ્રાપ્ત કરવા મારા રાજસી સુખોને છોડીને તપ કરવા અહીં જંગલમાં આવ્યો છું. પણ મને શાંતિ મળી નથી. 'અમૃતં મે વિષં સ્થિતમ્ - હું જેને અમૃત સમજતો હતો તે મારા માટે ઝેર બની ગયું છે. તમે મને જ્ઞાન, કર્મની સમજ આપી આત્મ-સુખનો ઉપાય બતાવો.

ઋષિકુમારના રૂપમાં ચૂડાલાએ કહ્યું - 'બ્રહ્માને મેં પ્રશ્ન કર્યો હતો કે જ્ઞાન અને કર્મમાં કોણ શ્રેષ્ઠ છે? તો બ્રહ્માએ જવાબ આપ્યો હતો - 'જ્ઞાનથી મોક્ષ મળે છે અને કર્મનો ત્યાં સુધી ત્યાગ ન કરવો જોઈએ જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત ન થઈ જાય.' શિખિધ્વજે કહ્યું - 'મેં તો બધું જ ત્યાગી દીધું છે.' ચૂડાલાએ કહ્યું - 'તમે તમારું રાજ્ય, સંપત્તિ એ બધું છોડી દીધું. પણ એમાં બધું થોડું આવી જાય?' 'તમારે હજુ બીજો ઘણો ત્યાગ કરવાનો બાકી છે. રાજા એ વાક્યનો મર્મ ના સમજ્યો એટલે કહેવા લાગ્યો - 'તમે મારી બીજી વસ્તુઓની વાત કરતા હો તો હું આ ઝૂંપડી, આસન, કમંડળ અને જપ કરવાની માળાનો પણ ત્યાગ કરી દઉં છું. પછી તેણે ઝૂંપડીને આગ લગાડી એમાં બધી વસ્તુઓ હોમી દીધી. ચૂડાલાએ કહ્યું - 'હજુ પણ ત્યાગ થયો નથી. ખરેખર જેનો ત્યાગ કરવાનો છે એનો તો હજુ ત્યાગ કર્યો જ નથી.' તો શું હું મારા શરીરનો ત્યાગ કરી દઉં? શિખિધ્વજ બોલી ઉઠયો.ચૂડાલાએ કહ્યું -  'ના બિલકુલ નહીં, તમારે તો ખરેખર જે ત્યાગ કરવાનો છે તે છે તમારા મનના વિકારો અને તેની વાસનાઓ. મન જ બંધન અને મુક્તિનું કારણ છે. તે વિષયોના સંગમાં રહેશે તો બંધન કરશે અને નિર્વિષય બનશે તો મુક્ત થઈ જશે. સંસારથી અલિપ્ત, અસંગ, અનાસક્ત રહી આત્માના સાચા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને તમે મનની વાસનાઓમાંથી મુક્ત થઈ જાઓ. અલિપ્ત રહી અનાસક્ત ભાવે કરેલી ક્રિયા દોષરૂપ બનતી નથી.'

ઋષિકુમારના રૂપમાં ચૂડાલા દિવસભર શિખિધ્વજ સાથે રહેતી. રાજવહીવટનું કામ કરવા ચૂડાલા રાણીરૂપે એના મહેલમાં પાછી જતી રહેતી. એક દિવસ રાજાએ રાત્રે જતા રહેવાનું કારણ પૂછયું. તેણે કહ્યું - મને એક ઋષિનો શાપ છે કે તું રાત્રે સ્ત્રી બની જશે અને હું બની પણ જઉં છું. રાજાએ જ્ઞાનપૂર્વક કહ્યું - 'એમાં શું? પુરુષ હોય કે સ્ત્રી? બધા આત્માના જ સ્વરૂપો છે.' થોડા દિવસો બાદ ઋષિકુમારે પોતાનું અસલ સ્વરૂપ ચૂડાલા તરીકે પ્રગટ કર્યું. રાજા શિખિધ્વજ બ્રહ્મજ્ઞાની, આત્મજ્ઞાની બની ચૂડાલા સાથે મહેલમાં પાછો ફર્યો અને બન્ને પ્રસન્ન દાંપત્ય જીવી આત્મસુખ ભોગવવા લાગ્યા.

-  દેવેશ મહેતા

Related News

Icon