બિહારના પૂર્ણિયામાં નકલી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ બનીને ગ્રામ રક્ષા દળ અને હોમગાર્ડ્સમાં નકલી ભરતી કરાવીને અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાની ઘટના સામે આવી છે. આ ઘટના કસ્બા પોલીસ સ્ટેશન વિસ્તારના મોહિની પંચાયતના બટૌના ગામની છે. કહેવાય છે કે પૂર્ણિયાના રાહુલ કુમાર સાહે મોહિનીના બટૌનામાં પણ એક નકલી કેમ્પ ખોલ્યો હતો, જ્યાં તે યુનિફોર્મ પહેરીને બેસતો હતો. અને ગ્રામ રક્ષક દળમાં ભરતીના નામે લોકોને છેતરતો હતો. આ અંગે ઘણા લોકોએ કસ્બા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને રાહુલ કુમાર સાહ વિરુદ્ધ FIR નોંધાવી છે.
પીડિત સંજીવ કુમાર, નરેશ કુમાર રાય અને યુવતી બબીતાએ જણાવ્યું હતું કે રાહુલ કુમાર સાહે તેમની સાથે છેતરપિંડી કરી છે. તેણે ગ્રામ રક્ષક દળમાં ભરતીનું વચન આપીને લોકો પાસેથી 10,000થી 15,000 રૂપિયા પડાવ્યાનો આરોપ છે. લોકો પાસેથી પૈસા પડાવીને ભરતીના નામે પોલીસનો યુનિફોર્મ બનાવડાવ્યો અને કેટલાક લોકો પાસે મેળા અને અન્ય જગ્યાએ ડ્યૂટી પણ કરાવી હતી. રાહુલ સાહ લગભગ 500 જેટલા લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો છે.

