Home / : Dharmlok : The importance of reciting the Gayatri mantra

Dharmlok : ગાયત્રી મંત્રલેખન માહાત્મ્ય 

Dharmlok : ગાયત્રી મંત્રલેખન માહાત્મ્ય 

- માતા ગાયત્રીના મંત્રથી વંચિત ન રહી જાય તે માટે આપણા ઋષિમુનિઓ અને મહર્ષિઓએ વ્યવહારૂ ઉકેલ શોધી કાઢયો છે અને તે ઉકેલ છે, ગાયત્રી મંત્ર લેખનનો. કોઈપણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર, કોઈપણ વ્યક્તિ સ્ત્રી કે પુરુષ આબાલવૃદ્ધ સૌ પ્રસન્નતા પૂર્વક મંત્રલેખન કરી શકે છે. તેમાં કોઈ ખાસ પ્રતિબંધો નથી

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતીય સંસ્કૃતિના આધ્યાત્મિક શાસ્ત્રોના ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે કે જપાત સિદ્ધિંઃ અર્થાત્, જપથી સિદ્ધિ મળે છે. આમ છતાં આધુનિક, શિક્ષિત તેમજ બૌદ્ધિક માનવ પાસે પોતાના આત્માની ઉન્નતિ કરવા મંત્રનો જપ કરવાનો સમય નથી. પોતાનો આ જન્મ અને પછીના જન્મને સુધારી લેવાની ફૂરસદ નથી. આ માનવ જીવનની કરુણતા કહેવાય.

રાતપાળીની નોકરી કરનારાઓ, મહિલાઓ, સળંગ એક જ સ્થાને બેસી શકવાની સ્થિતિમાં નથી. વર્તમાન ભાગદોડના યુગમાં મોટી મુશ્કેલી ઉપાસનાના નિયમોનું અને મર્યાદાઓનું પાલન કરવું તથા સવાર સાંજનો સમય અને સ્થાન નિશ્ચિત કરવું દરેક વ્યક્તિ માટે સુલભ નથી. આવી વ્યક્તિઓ વેદ માતા ગાયત્રીના મંત્રથી વંચિત ન રહી જાય તે માટે આપણા ઋષિમુનિઓ અને મહર્ષિઓએ તેમના માટે વ્યવહારૂ ઉકેલ શોધી કાઢયો છે અને તે ઉકેલ છે, ગાયત્રી મંત્ર લેખનનો. આ ઉકેલ દરેક વ્યસ્ત કે અશસ્ત વ્યક્તિ માટે અનુકૂળ સાબિત થયો છે. કોઈપણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર, કોઈપણ વ્યક્તિ સ્ત્રી કે પુરુષ આબાલવૃદ્ધ સૌ કોઈ પ્રસન્નતા પૂર્વક મંત્રલેખન કરી શકે છે. તેમાં કોઈ ખાસ પ્રતિબંધો નથી. જ્યારે સમય મળે ત્યારે કોઈ પણ સ્થળે આ મંત્રલેખન સાધના કરી શકાય છે.

મંત્ર જાપ કરતી વખતે મન બીજે ભટકવાની સંભાવના રહે છે પરંતુ મંત્ર લેખન કરતી વખતે હાથ, આંખો, મગજ તથા ચિત્ત પણ એકાગ્ર રહે છે. આમ મંત્રલેખનથી એકાગ્ર ચિત્તે સાધના થાય છે. શાસ્ત્રોમાં મંત્રજપ કરતા મંત્રલેખનનું ફળ દસ ગણું માનવામાં આવ્યું છે. આપણા આધ્યાત્મિક શાસ્ત્ર ગ્રંથોમાં ગાયત્રી ઉપાસનાથી થતા અગણિત લાભો અંગે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ગાયત્રી જપ કરવાથી સાંસારિક કષ્ટોમાંથી મુક્તિ તો મળે જ છે, સાથે સાથે અનેક પ્રકારની ભૌતિક સંપદાઓ અને આધ્યાત્મિક સિદ્ધિ પણ મેળવી શકાય છે.

૨૪,૦૦૦ મંત્ર જપના અનુષ્ઠાનની જેમ ૨૪૦૦૦ મંત્રલેખનને પણ એક અનુષ્ઠાન ગણવામાં આવે છે. મંત્ર લેખનમાં હાથ, આંખ, મન, મસ્તિષ્ક વગેરે અવયવો વ્યસ્ત રહેવાથી વધારે એકાગ્રતા સધાય છે અને મન ઓછું ભટકે છે. આથી જ શાસ્ત્રગ્રંથોમાં મંત્રલેખનનો ખૂબ જ મહિમા ગવાયો છે. જેમકે -

પ્રજ્ઞાત્પ્રાણ સ્થિતિમંત્રે તપાન મંત્રસ્ય જાગૃતિઃ ।

અતિ પ્રકાશવાશ્ચૈવ મંત્રો ભવતિ લેખનાત્ ।।

હવન (યજ્ઞા)થી મંત્રમાં પ્રાણ આવે છે, જપથી મંત્ર જાગૃત થાય છે અને લખવાથી મંત્રની શક્તિ આત્મામાં પ્રકાશિત થાય છે.

ગાયત્રી મંત્રલેખનના લાભો :

-    ચિત્તની એકાગ્રતા સારી રીતે સધાય છે.

-    મનની ઉચ્છૃંખલતા દૂર થઈ તન્મયતા પેદા થાય છે.

-    મન કાબુમાં રહે છે. ભૌતિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રમાં તરત સફળતા મળે છે.

-    મન ઉપર કાયમના આધ્યાત્મિક સંસ્કારો અંકિત થવાથી સદ્બુદ્ધિનો વિકાસ થાય છે પરિણામે જીવનમાં પ્રગતિ અને સફળતાઓની શક્યતાઓ વધી જાય છે.

-    નિયમિત થતા મંત્રલેખનના સ્થળે સાધકના શ્રમ અને ચિંતનની એક સૂક્ષ્મ શક્તિનો દિવ્ય પ્રભાવ પેદા થાય છે જે સુખ, શાંતિ, આનંદ અને ભક્તિનો અહેસાસ કરાવે છે.

-    આત્માનો આનંદ અને મનની શક્તિ તથા શાંતિ પ્રાપ્ત થાય છે.

-    આત્મબળ અડગ બને છે.

-    સમાજમાં માન, મોભો, યશ અને પ્રતિષ્ઠા પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે.

-    આરોગ્ય તંદુરસ્ત રહે છે.

-    સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.

-    અજ્ઞાન, અંધકાર અને અંધશ્રદ્ધાનો નાશ થવા લાગે છે.

મંત્રલેખન કેવી રીતે કરવું?

-    ગાયત્રીમંત્રના અર્થનું ચિંતન કરતા કરતા મંત્ર લેખન કરવું

-    મંત્રલેખનમાં કોઈ ઉતાવળ કરવી જોઈએ નહીં.

-    લાલ અથવા લીલી શાહીથી સ્પષ્ટ અને શુદ્ધ અક્ષરોથી મંત્રલેખન કરવું.

-    મંત્રલેખન બુક સ્વચ્છ રાખવા તથા સ્વચ્છ સ્થાને જ મૂકવા જોઈએ.

આ મંત્રલેખન સાધના સરળ અને લોકભોગ્ય બની શકે માટે સામાન્ય લેખન બુક અને સામાન્ય કલમથી લખી શકાતી હોવાથી વ્યક્તિ સરળતાથી લખી શકે છે. બની શકે તો મંત્ર લખતી વખતે કોઈ વાતચિત ન કરતા મૌન રહેવું જોઈએ. ગાયત્રી મંત્રલેખનની સૌથી સારી બાબત એ છે કે તેમાં બધી બાજુએથી ધ્યાન એકાગ્ર રહેવાના કારણે વધારે લાભ મળે છે.

મંત્રલેખન કરેલી બૂકો ગાયત્રી શક્તિપીઠમાં સ્થાપિત કરી તેનું નિયમિત પૂજન કરવામાં આવતું હોઈ અનેક વિશેષ આધ્યાત્મિક શક્તિ ઉત્પન્ન થાય છે જેનાથી અસંખ્ય સાધકો, દર્શનાર્થીઓને પ્રેરણાશક્તિ મળતી રહે છે. ગાયત્રી મંત્રથી લેખન કાર્યને વિરામ આપીએ.

ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત્ ।।

- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ

Related News

Icon