
રાજ્યમાં બેફિકરાઈથી વાહન ચલાવવા અને હિટ એન્ડ રનના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, આવા જ અકસ્માતના બે કિસ્સા અમદાવાદ અને વલસાડમાં બન્યા હતા. અમદાવાદના રાણીપ વિસ્તારમાં હિટ એન્ડ રનના બનાવમાં એક પોલીસકર્મીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું, જે બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે વલસાડમાં કચરાના ટ્રેક્ટરમાં બાંધેલી ઝોળીમાંથી બે વર્ષીય બાળકનું પડી જવાથી મોત નીપજ્યું છે. આ બનાવ બાદ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના બંને બનાવની વિસ્તારથી વાત કરી તો અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી બકરા મંડી પાસે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સંજય અસારી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક કારચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી હંકારી સંજયભાઈને અડફેટે લીધા હતા. જે બાદ તેઓ રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પોલીસકર્મીને તાત્કાલિક એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. મૃતક સંજયભાઈના પિતા વસંતભાઈ પણ માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. સંજયભાઈનું મોત થતા આરોપી યુવરાજસિંહ વાઘેલા વિરુદ્ધ અકસ્માત મોતની વધુ કલમ ઉમેરી કાર્યવાહી કરાશે.
જ્યારે અકસ્માતની બીજી ઘટનાની વાત કરી તો વલસાડના મોગરાવાડી વિસ્તારમાં કચરાના ટ્રેકટરમાં બાંધેલી ઝોળીમાંથી 2 વર્ષીય બાળકનું પડી જવાથી મોત નીપજ્યું છે. આ માસૂમ ગંભીર ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક 108 આઈ.સી.યુ એમ્બ્યુલન્સ મારફતે બાળકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યું હતું. બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
જ્યારે વલસાડ શહેરના અબ્રામા રોડ પર બાઈક પર જઈ રહેલી માતા અને દીકરી એસ.ટી બસ નીચે આવી ગઈ હતી. આ અકસ્માતમાં માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે દીકરીનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાને પગલે અબ્રામા રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ વલસાડ સીટી પોલીસને થતા સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.