
- હોટલાઈન
- હિમાલય ક્ષેત્રમાં 1975થી 2000 સુધી દર વરસે ચાર અબજ ટન બરફ પીગળતો હતો. હવે તે આંકડો આઠ અબજ ટન થઈ ગયાનું અનુમાન છે
ભારતીય ઉપખંડમાં આ વખતે ચોમાસાની વહેલી પધરામણી થઈ છે, પરંતુ આજેય કેટલાંક હિસ્સામાં તાપમાન ઓછું થયું નથી. બીજી તરફ આખી દુનિયામાં તાપમાન વધી રહ્યું છે. યુરોપ તેના ઠંડા વાતાવરણ માટે જાણીતો ખંડ છે. ઉત્તર યુરોપના દેશો તો બર્ફિલા છે. પરંતુ આ વખતની ગરમીએ દુનિયાના કોઈ ભાગને છોડયો નથી. પરિણામે ઊનાળામાં ૨૦-૩૦ ડીગ્રીથી ટેવાયેલા યુરોપના શહેરોનું તાપમાન ૪૦ ડીગ્રી ઉપર પહોંચી ગયું છે. ફ્રાંસ,બેલ્જિયમ સહિતના દેશો અસાધારણ ગરમી સહન કરી રહ્યાં છે.
બે સપ્તાહ પૂર્વે સ્વિટ્ઝર્લેન્ડમાં ગ્લેશિયર તૂટી પડતાં બ્લેટેન નામનું એક આખું ગામ દબાઈ ગયું હતું. હિમાચ્છાદિત પર્વત પરથી ગ્લેશિયરનો એક વિશાળ ભાગ તૂટી પડતાં બ્લેટેન ગામ બરફ,કિચડ અને ખડકાળ પથ્થરોના કાટમાળમાં દટાઈ ગયું. આ ભયાનક કુદરતી દુર્ઘટના પછી દુનિયામાં ફરી એક વખત ગ્લોબલ વોર્મિંગની અસરોની ચર્ચા થવા લાગી છે. નવા અભ્યાસ મુજબ તાપમાનમાં વધારાના કારણે સદીના અંત સુધીમાં હિન્દુ કુશ હિમાલય પરથી ૭૫ ટકા બરફ પીગળી શકે છે, જેને પગલે ૨૦૦ કરોડથી વધુ લોકો સુધી પાણી પહોંચાડતી નદીઓનો પાણીનો સ્રોત ખોરવાઈ જશે અને ભારત સહિત છ દેશો પર વિનાશક આફત તોળાઈ શકે છે.
બે વર્ષ પૂર્વે યુરોપમાં અસાધારણ તાપમાન વૃદ્ધિથી બર્ફિલા દેશ ગ્રીનલેન્ડે જુલાઈ માસ દરમિયાન જ ૧૬૦ અબજ ટન બરફ ગુમાવી દીધો હતો. આ ગણતરી હવામાન પર નજર રાખતા યુરોપની 'પોલાર પોર્ટલ' નામની વેબસાઈટે રજૂ કરી હતી. આ વેબસાઈટ દૈનિક ધોરણે બરફની વધ-ઘટ પર ધ્યાન રાખે છે. દરમિયાન 'વર્લ્ડ મિટિરિયોલોજિકલ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએમઓ)' દ્વારા પણ ચેતવણી આપવામાં આવી હતી કે આવી જ સ્થિતિ રહેશે તો આખો બરફનો બનેલો દેશ ગ્રીનલેન્ડ બરફ વિહિન થઈ શકે છે. ગ્રીનલેન્ડની ૮૦ ટકા જમીન પર બરફ છવાયેલો રહે છે.
જૂન ૨૦૧૯ પણ ગ્રીનલેન્ડે ૮૦ અબજ ટન બરફ ગુમાવી દીધો હતો. બરફ પીગળવાની આ ઝડપ અસાધારણ છે.
એકલું ગ્રીનલેન્ડ નહીં, અમેરિકાના ઉત્તરી રાજ્ય અલાસ્કાની સ્થિતિ પણ એવી જ છે. અલાસ્કા આખું બરફનું બનેલું રાજ્ય છે,સામાન્ય રીતે ત્યાં તાપમાન શૂન્યથી નીચે જ હોય છે. તેનો બરફ પણ અગાઉ કરતા ૧૦૦ ગણી ઝડપે ઓગળી રહ્યો છે. ગ્લોબલ વોર્મિંગે અચાનક ગિયર બદલીને ઝડપ વધારી હોય એવી સ્થિતિ સર્જાઈ છે. કેમ કે અસાધારણ ગરમી ઉપરાંત હવે બરફ ઓગળી જવાની નવી સમસ્યા ઉભી થઈ છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની હવામાન સંસ્થાએ પણ ચેતવણી આપી છે કે હિટ વેવ્સની ઘટના હવે વધે એવી પૂરી શક્યતા છે. સામાન્ય રીતે ગરમીનું પ્રચંડ મોજું ફરી વળે એવી ઘટના નિયમિત બનતી નથી હોતી. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી આ હિટ વેવ્સની ઘટનાઓ રેગ્યુલર થઈ ગઈ છે. ભારતમાં પણ આપણે આ સમસ્યાનો સામનો કરી જ રહ્યા છીએ.
વેનેઝુએલા દેશ દક્ષિણ અમેરિકા સ્થિત ટાપુ છે. આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલો આ દેશ બરફાચ્છાદિત પહાડ વિહોણો પણ બની ગયો છે. વેનેઝુએલામાં છ ગ્લેશિયર હતાં. તે પૈકી પાંચ ૨૦૧૧ સુધીમાં જ ઓગળી ચુક્યા હતાં. છેલ્લે એક ગ્લેશિયર બચ્યો હતો. રમ્બોલ્ટ નામનો આ એક માત્ર બરફાચ્છાદિત પહાડ પણ તેનું અસ્તિત્વ ગુમાવી ચુક્યો છે. હવે એ બરફનો પહાડ નહીં પણ બરફના મેદાન જેવો દેખાય છે. યુએસ જિયોલોજિકલ સર્વેનાં ધોરણ મુજબ ઓછામાં ઓછા દશ હેક્ટરમાં ફેલાવો હોય તો જ ગ્લેશિયર કહેવાય. જ્યારે વેનેઝુએલાનો રમ્બોલ્ટ હવે માત્ર બે હેક્ટરમાં પણ નથી.
ક્લાયમેટ ચેન્જ બાબતોના નિષ્ણાતોએ બ્રિટન માટે તો રીતસર ખતરાની ઘંટડી વગાડી દીધી છે. તેમણે એવી આગાહી કરી છે કે આવનારા થોડાં જ વર્ષોમાં બ્રિટનના સમુદ્રી કિનારે તેમ જ નદી કાંઠે વસેલા વિસ્તારો પર પાણી ફરી વળશે. તેથી સત્તાવાળાઓ અગમચેતી વાપરી પહેલેથી જ શહેરીજનોનું સ્થળાંતર કરાવવા મજબૂર થશે. વૈશ્વિક તાપમાનમાં ૪ ડિગ્રીનો વધારો થતાં જ બ્રિટન માટે બહુ કફોડી હાલત સર્જાશે.
વિજ્ઞાાનીઓએ વધુ ડરામણી આગાહી એ કરી છે કે આગામી થોડાં વર્ષોમાં ધ્રુવ પ્રદેશનો બરફ સંપૂર્ણ પીગળી જશે. હાલનો હિમાચ્છાદી પ્રદેશ પૂરેપૂરો 'આઈસ ફ્રી' બની જશે. હાલમાં ધ્રુવ પ્રદેશના સમુદ્રી વિસ્તારમાં ૧૦ લાખ ચોરસ કિ.મી. જેટલો બરફ છે તે ૨૦૩૦ સુધીમાં નહિવત થઈ જશે.
સંશોધકોએ એવું કહે છે કે બરફ મુક્ત હોવાનો અર્થ એ નથી કે બરફ સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. બરફ મુક્ત શબ્દનો ઉપયોગ એવી પરિસ્થિતિ માટે થાય છે જ્યારે ૧૦ લાખ ચોરસ કિલોમીટરથી ઓછો દરિયાઈ બરફ રહે. તાજેતરના વર્ષોમાં, સપ્ટેમ્બર દરમિયાન આર્કટિક મહાસાગરમાં ૩૩ લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેતો બરફ નોંધવામાં આવ્યો હતો.
એક અભ્યાસ પ્રમાણે છેલ્લાં ૪૦ વર્ષથી ધ્રુવીય સમુદ્રનો બરફ દર ૧૦ વર્ષે ૧૨ ટકાના દરે પીગળી રહ્યો છે. હિમશીલાઓ પીગળવાનું પ્રમાણ તો જ અટકાવી શકાય કે ધીમું પાડી શકાય, જ્યારે વિશ્વમાં કાર્બન ડાયોક્સાઈડ,મિથેન અને નાઇટ્રોસ ઓકસાઈડ જેવાં વાયુનું ઉત્સર્જન ઘટાડી શકાય. પરંતુ આપણે જોઈએ છે કે વિશ્વના વિકસીત દેશો વાતોના વડા કરે છે પરંતુ પ્રદૂષણ ઘટાડવા કોઈ અસરકારક પગલાં લેતાં નથી.
અભ્યાસમાં એવી ચેતવણી અપાઈ છે કે દરિયાઈ બરફમાં ઘટાડો આર્કટિક પ્રાણીઓ પર વિનાશક અસર કરે છે જેઓ અસ્તિત્વ માટે દરિયાઈ બરફ પર આધાર રાખે છે, જેમાં સીલ અને ધ્રુવીય રીંછનો સમાવેશ થાય છે. વધુમાં, દરિયાઈ બરફ પીછેહઠ કરે તેમ તેમ મોજાં ઊંચા ઉછળી શકે છે,જેનાથી રહેવાસીઓના જીવ જોખમમાં મૂકાઈ શકે છે.
જો કે,અભ્યાસની આશાસ્પદ બાબત એ છે કે જો હવામાન ઠંડુ થશે તો આ બરફ પાછો આવશે. એના માટે જરૂરી છે કે ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન ઓછું કરવામાં આવે. ગ્રીનલેન્ડમાં બરફનું આવરણ પાછુ આવતા હજારો વર્ષ લાગ્યા હતા, પણ તેનાથી વિપરીત આર્કટિકમાં સમુદ્રી બરફ સંપૂર્ણપણે પીગળી જાય તો પણ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ઓછો થતા તે દાયકામાં પાછો આવી શકે છે.
બીજી તરફ ઉષ્ણતામાનમાં થઇ રહેલા વધારાને નાથવાના પ્રયાસો છતાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન પામેલી ૫૦ હિમશીલાઓમાંથી ત્રીજા ભાગની ગ્લેશિયર ગરક થઇ જવાનું જોખમ રહેલું છે યુનેસ્કોએ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝેર્વેશન ઓફ નેચરના સહયોગમાં કરેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઔદ્યોગિક યુગ પૂર્વના તાપમાનની સરખામણીમાં તાપમાનમાં ૧.૫ ડિગ્રીનો વધારો થાય તો પણ અન્ય બે તૃતિયાંશ હિમશીલાઓને બચાવવાનું હજી શક્ય છે. અભ્યાસ પરથી એવું તારણ નીકળે છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં ઝડપથી ઘટાડો કરવામાં આવે તો જ હિમશીલાઓ તથા તેમના પર નભતી અદ્વિતિય જીવસૃષ્ટિને બચાવી શકાશે.
ગ્લેશિયર (હિમશીલા) એટલે પહાડ ઉપર જામેલા બરફના થર. નદીઓમાં વહેતુ પાણી આ ગ્લેશિયરનું હોય છે. જ્યારે ગરમ ઋતુ શરૂ થાય ત્યારે જળપ્રવાહ વધે છે. શિયાળામાં પ્રવાહ પાતળો થાય છે. ધરતી ઉપર દશ ટકા હિસ્સો ગ્લેશિયરનો છે પરંતુ તાજા પાણીનો ૭૦ ટકા જથ્થો પૂરો પાડે છે. વૈજ્ઞાાનિકો ચેતવી રહ્યાં છે કે, જે ઘટના વેનેઝુએલામાં બની એ તો ઉદાહરણ જ છે. આવી સ્થિતિ માટે સ્લોવેનિયા,મેક્સિકો,ઈન્ડોનેશિયા જેવા દેશોના નામ આગળ થઈ ગયા છે. વિશ્વમાં સૌથી વધુ ગ્લેશિયર એન્ટાર્કટીકામાં છે.
આશરે ૫૦ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ હિમશીલાઓ પર આવેલી છે. જે વિશ્વના કુલ હિમાચ્છાદિત વિસ્તારનો દસ ટકા હિસ્સો છે. આ સાઇટ્સમાં માઉન્ટ એવરેસ્ટ પછી બીજા ક્રમની સૌથી ઉંચી,સૌથી લાંબી અને આફ્રિકાની છેલ્લી હિમશીલાનો સમાવેશ થાય છે. કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનનો દર વધવાને કારણે તાપમાન વધવાથી આ હિમશીલાઓ છેલ્લા અઢી દાયકાથી ઝડપભેર પીગળી રહી છે. દર વર્ષે ૫૮ અબજ ટન બરફ તેઓ ગુમાવી રહી છે. જે ફ્રાન્સ અને સ્પેનના કુલ વાર્ષિક જળવપરાશ સમાન છે. આ હિમશીલાઓ પીગળવાને કારણે સમુદ્રની સપાટીમાં પાંચ ટકાનો વધારો થાય છે. અભ્યાસમાં જણાવ્યા અનુસાર આફ્રિકા,એશિયા,યુરોપ,લેટિન અમેરિકા,નોર્થ અમેરિકા અને ઓસનિયામાં આવેલી હિમશીલાઓ પર જોખમ તોળાઇ રહ્યું છે.
અડધા કરતાં વધારે માનવવસ્તી ઘરવપરાશ,કૃષિ અને ઉર્જા ઉત્પાદન માટે જરૂરી પાણી મેળવવા માટે આ હિમશીલાઓ પર મદાર રાખે છે. જ્યારે આ હિમશીલાઓ પીગળશે ત્યારે લાખો લોકો પાણીની અછતનો સામનો કરશે અને પૂર આવવું તથા સમુદ્રની જળસપાટી વધવા જેવી કુદરતી આફતોને કારણે લાખો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડશે.
આગળ વાત કરીએ ધ્રુવ પ્રદેશમાં આર્કટિક બરફનો સમુદ્ર છે. થીજી ગયેલા બરફના સફેદ રંગના કારણે સૂર્યનાં કિરણો રિફ્લેક્ટ થાય છે અને ઠંડક જળવાઈ રહે છે. અહીં પ્રતિ સેકન્ડ ૧૦ હજાર ટનની ગતિથી બરફ પીગળે છે. જોકે, હવે આ દસકાના અંત સુધી તે કદાચ નીલો થઈ જશે. બરફ પીગળવાથી કરોડો ટન મિથેન વાયુમંડળમાં ભળશે, જેનાથી ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન વધશે અને સખત ગરમી પણ વધશે.આ રીતે પૃથ્વી પર પ્રલય આવવાના ભણકારા વાગી રહ્યાં છે.
ત્યારે બીજી તરફ સંશોધકો આફતને ટાળવા અવનવા નુસખા શોધી રહ્યાં છે. નાસાના વિજ્ઞાાનીઓએ ગ્રેડિએન્ટ ફિંગરપ્રિન્ટ મેપિંગ (જીએફએમ) નામની નવી ટેકનોલોજી વિકસાવી છે. આ ટેકનોલોજી થકી ગ્લોબલ વોર્મિંગના કારણે સમૃદ્રના પાણીનું સ્તર ઊંચું આવશે ત્યારે સૌથી પહેલાં કયા વિસ્તારોમાં જળતાંડવ શરૂ થશે તેનું તારણ કાઢ્યું છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડનો બરફ ભવિષ્યમાં પીગળશે. એ વખતે સૌથી પહેલી અસર કોને થશે અને કેટલી થશે એ વિશે વિવિધ સંશોધનો થઈ રહ્યા છે. હિમશીલાઓ કઈ તરફ ફંટાશે એ વિશે આમ તો કોઈ ચોક્કસ અંદાજ કાઢી શકાતો નથી,પણ નાસાએ જીએફએમ નામની જે ટેકનોલોજી વિકસાવી છે એના કારણે કયા વિસ્તારમાં સૌથી પહેલી અસર થશે અને કેટલી થશે તેનું તારણ કાઢવું શક્ય બનશે.
આ ટેક્નોલોજીના આધારે નાસાએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગના કારણે સમૃદ્રની જળસપાટી ઊંચી આવશે અને જે જળતાંડવ સર્જાશે. તેમાં ન્યૂયોર્કની પાણીની સપાટી ૫૮થી ૬૦ ઈંચ સુધી વધી જાય એવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી.
નાસાની લેબોરેટરીના સંશોધકોએ કુલ વિશ્વના ૨૯૩ પોર્ટ શહેરોને ભયસૂચક શહેરોની યાદીમાં મૂક્યા છે. જેમાં દક્ષિણ એશિયાના કોલંબો,કરાચી,મુંબઇ ચિત્તાગોંગ સહિતના લગભગ ૫૭ પોર્ટ સિટીઝનો સમાવેશ થાય છે.
સતત હિમશીલા પીગળવાથી સમુદ્રની સપાટીમાં વધારો થતો રહે છે,એ તો આપણે બધા જાણીએ જ છીએ,પણ તાજેતરમાં એવી ચોંકાવનારી જાણકારી એ મળી છે કે છેલ્લા ૨૦૦ વર્ષમાં કેન્દ્રીય હિન્દ મહાસાગરની સપાટીમાં લગભગ એક મીટર જેટલો વધારો થયો છે.ભૂતકાળમાં સમુદ્રની સપાટી કેટલી હતી,એ અંગેનો એક સઘન અભ્યાસ તાજેતરમાં જ એક જર્નલ 'નેચર જિયોસાયન્સ'માં પ્રગટ થયો છે.
આપણે જાણીએ છીએ કે કેટલાક પ્રકારના અશ્મિલ પરવાળા ભૂતકાળની સમુદ્ર સપાટીને નોંધનારા મહત્ત્વના પુરાવારૂપ સાબિત થયા છે.યુગોની ગણતરી કરીને અને અશ્મિલ પરવાળાની ઊંડાઈ માપીને આપણે સંખ્યાબંધ વર્ષો પહેલા સમુદ્રના સ્તર કેટલા ઊંડા હતા એ જાણી શકીએ છીએ.
સમુદ્રના સ્તરનું પુન:ગઠન (જળ સપાટી વધવાની પ્રક્રિયા)છેલ્લા બસો વર્ષોમાં થયું છે એટલે કે ઔદ્યોગિક ક્રાંતિના ઘણા વર્ષો પહેલાં આવું થયું હતું. જો કે અત્યારે સમુદ્રમાં સ્તરમાં જે વધારો થઈ રહ્યો છે,તે અભૂતપૂર્વ છે એમ સંશોધકોનું કહેવું છે.
ઘર આંગણે ભારતમાં પણ સ્થિતિ વણસી રહી છે. ઉત્તરાખંડનાં હિમ શીખરો ઓગળી રહ્યાં છે. સમુદ્રની સપાટીથી ઉંચાં અક્ષાંશ પર આવેલાં પવિત્ર યાત્રાધામ બદ્રીનાથ અને કેદારનાથમાં બરફની ચાદર ઘસાતી જોવા મળે છે.
હવામાન ખાતાના દેહરાદુન કેન્દ્રના ડાયરેક્ટરો એવી માહિતી આપી હતી કે ૧,માર્ચ અને ૨૦,એપ્રિલ દરમિયાન ઉત્તરાખંડનાં મેદાની અને પહાડી પ્રદેશોમાં સરેરાશ તાપમાનમાં ૫-૭ ડિગ્રીનો વધારો નોંધાયો છે.ઉદાહરણરૂપે દેહરાદુનનું મહત્તમ તાપમાન ૩૮.૬ ડિગ્રી જેટલું ધગધગતું નોંધાયું હતું જે સરેરાશ તાપમાન કરતાં ૬ ગણું વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પણ ૨૬.૬ ડિગ્રી જેટલું વધુ રહ્યું હતું,જે સરેરાશ કરતાં ૩ (ત્રણ)ગણું વધારે હતું.
હિન્દુ કુશ હિમાલયને દુનિયાનો ત્રીજો ધ્રુવ કહેવાય છે,કારણ કે અહીં એન્ટાર્કટિકા અને આર્કટિક પછી બરફનો સૌથી વધુ ભંડાર છે. આ ક્ષેત્ર ગંગા,યમુના,બ્રહ્મપુત્ર,સિંધુ,કાબુલ જેવી દુનિયાની ૧૦ મુખ્ય નદીઓનો પાણીનો સ્રોત છે. આ નદીઓ ભારત,પાકિસ્તાન,બાંગ્લાદેશ,નેપાળ,ભૂતાન અને ચીન જેવા દેશો માટે જીવન દાયિની છે. બરફ પીગળવાથી આ દેશોમાં પાણી,ખેતી અને ઊર્જા પર સંકટ આવી શકે છે.
ભારતીય અવકાશ સંસ્થા ઈસરોના આંકડા દર્શાવે છે કે, હિન્દુસ્તાનમાં ૧૬,૫૦૦થી વધુ હિમનદી છે. ગ્લેશિયર ઝડપથી ઓગળવાની પ્રક્રિયા ૯૦નાં દશકાથી શરૂ થઈ. ગ્લેશિયરવિહિન વેનેઝુએલા થયું. બીજા દેશોમાં ગ્લેશિયર તો રહ્યાં પણ બરફના થર પાતળા થઈ રહ્યાં છે.
હિન્દુસ્તાનના હિમાલય ક્ષેત્રમાં જ ૯૫૭૫ હિમ નદી છે તેમાં ૨૬૭ ગ્લેશિયર ૧૦ ચોરસ કિલોમીટર કે તેથી વધુમાં ફેલાયેલા છે. ૧૯૭૫થી સન ૨૦૦૦ સુધી દર વરસે ચાર અબજ ટન બરફ પીગળતો હતો. ૨૦૧૬ સુધીમાં તે આંકડો બેવડો એટલે કે આઠ અબજ ટન થઈ ગયાનું અનુમાન છે. ભારતમાં સિક્કિમ સૌથી વધુ (૮૪) ગ્લેશિયર ધરાવે છે. સિયાચીન ગ્લેશિયર સૌથી મોટો વ્યાપ ધરાવે છે. જે ૭૦ કિલોમીટરનો વિસ્તાર છે. હિમાલયનાં ગ્લેશિયર ૩૩ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારને બરફ હેઠળ રાખે છે. જ્યારે હિમાલયનું ક્ષેત્રફળ પાંચ લાખ ચોરસ કિલોમીટરનું છે.
અત્રે એ પણ જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫ની પેરિસ સમજૂતીમાં વૈશ્વિક તાપમાનને ૧.૫ ડિગ્રી સે. સુધી મર્યાદિત રાખવાનું લક્ષ્ય રખાયું હતું,પરંતુ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા કાર્યકાળમાં નવેમ્બર ૨૦૨૦માં આ સમજૂતીમાંથી પીછેહઠ કરી હતી. જોકે, બાઈડેન સરકાર ૨૦૨૧માં ફરી પેરિસ સમજૂતીમાં જોડાઈ હતી, પરંતુ ટ્રમ્પ ફરી સત્તા પર આવતા તેમણે ફરી પેરિસ સમજૂતીમાં પીછેહઠ કરી છે. આમ,ટ્રમ્પે જળવાયુ પરિવર્તનની ચિંતા કર્યા વિના અમેરિકામાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાનો આદેશ આપીને દુનિયા પર ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધારી દીધું છે.
સવાલ એ છે કે આવનારા પ્રલયને આપણે કેવી રીતે ખાળી શકીશું ? પહેલો ઉપાય તો એ છે કે દુનિયાના તમામ લોકો શક્ય છે તેટલું પોતાની જમીન અને જળસ્રોતોને છાંયડો આપે, જે વૃક્ષોથી શક્ય છે. બીજી પદ્ધતિ એ છે કે પહાડો, છતો અને દરેક ખાલી-ઊંચી જગ્યાએ સોલર રિફ્લેક્ટર લગાવવામાં આવે, જે સૂરજના પ્રકાશને જમીન પર પડતા પહેલાં જ આકાશમાં પાછા ફેરવશે. હાથ પર હાથ રાખીને બેસી રહીશું તો વિનાશકારી પરિણામો નક્કી છે.
- ભાલચંદ્ર જાની