
- અક્ષરનો અજવાસ
- અંગ્રેજી કેલેન્ડર કરતા પણ ભારતીય કેલેન્ડર સૈકાઓ જૂના હોવા છતાં પણ ભારતીય પ્રજા દિગ્મૂઢ બની અંગ્રેજી કેલેન્ડરને જ વધુ પ્રાધાન્ય આપતી આવી છે
પ્રત્યેક દેશને પોતાની કાલગણના હોય છે. આ કાલગણના એટલે કે સંવતને આધારે દેશના ઉત્સવો, મહત્વની ઘટનાઓ, ઋતુ પરિવર્તન જેવી બાબતો નિયત થાય છે. ભારતીય કાલગણના એ ભારતના ઇતિહાસની કરોડરજ્જુ છે. રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસની ઘટનાઓ તત્કાલીન પ્રચલિત સંવતોનાં વર્ષોમાં આપવામાં આવતી. એને આધારે તે તે ઘટનાનો પૂર્વાપર સંબંધ સાંકળી શકાય છે. ઐતિહાસિક કાળના આરંભમાં જ્યારે કોઈ સંવત પ્રયોજાતો ન હતો ત્યારે ઘટનાનો સમય તત્કાલીન રાજાઓના રાજ્યકાળના વર્ષોમાં આપવામાં આવતો. મૌર્યકાલમાં કોઈ સળંગ સંવત પ્રયોજાતો ન હતો. મૌર્ય સમ્રાટ અશોકના અભિલેખોમાં ઘટનાઓનો સમય એના રાજ્યકાલનાં વર્ષોમાં આપ્યો છે.
ભારતીય ઇતિહાસના લાંબા કાળ દરમિયાન જુદા જુદા સમયે જુદા જુદા સંવતો પ્રચલિત હતા. ભારતમાં સળંગ સંવતનો નિશ્ચિત પ્રયોગ અનુમૌર્યકાલ (ઇ.પૂ. ૧૮૫ થી ઇ.સ. ૩૧૯) દરમિયાન થયો તેમ ઇતિહાસકારો જણાવે છે. પરંતુ ખગોળ શાસ્ત્રીય અભ્યાસ મુજબ ભારતીય સંવતની ગણનામાં વિજય સંવતને પ્રથમ સંવત માનવામાં આવે છે. મહાભારતના યુદ્ધ પછી ચૈત્ર સુદ એકમના દિવસે યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો ત્યારે શરુ થયેલ સંવત તે યુગાબ્દ એટલે જ વિજય સંવત. ત્યાર પછી રાજાઓના નામ કે તેમના વંશનાં નામ પર સંવતના નામ આપવાનું શરુ થયું. ભારતના વિવિધ પ્રદેશોમાં અલગ-અલગ સંવતની ગણાની લાંબી તવારીખ છે. ઉત્તર ભારતના ઘણા પ્રદેશોમાં તેમજ ગુજરાતમાં વિક્રમ સંવત સદીઓથી પ્રચલિત છે. આ સંવત હાલ પ્રવર્તમાન છે, એ પરથી એ ઇ.પૂ. ૫૭ માં શરૂ થયો હોવાનું જણાય છે. આ સંવત ઉજ્જૈનના પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યે શકોને હરાવી શરૂ કરેલો મનાય છે. ગુજરાતમાં વિક્રમ સંવત કારતક સુદ એકમથી શરુ થાય છે. જ્યારે ઉત્તર ભારતમાં વિક્રમ સંવત ચૈત્ર સુદ એકમથી શરુ થાય છે. બ્રહ્મ પુરાણ અનુસાર બ્રહ્માજીએ ચૈત્ર સુદ-એકમના દિવસે આ સૃષ્ટિની રચના કરી હતી. ભારતમાં સૃષ્ટિની રચના થતા જ કાલગણનાનું શાસ્ત્ર શરુ થયું હતું. તેથી જ આજે પણ ભારતના અનેક સંવતની શરૂઆત ચૈત્ર સુદ એકમથી જ થાય છે. મહારાષ્ટ્રમાં ચૈત્ર સુદ એકમે જ ગુડી પડવાથી નવું વર્ષ શરુ થાય છે. ભારતના પ્રાચીન સંવતોમાં વિક્રમ સંવત અને શક સંવત જેવા કેટલાક સંવત હજુ પણ પ્રચલિત છે. કલચુરિ અને ગુપ્ત સંવત જેવા સંવતો સદંતર લુપ્ત થઇ ગયા છે, જ્યારે કલિયુગ, બુદ્ધનિર્વાણ અને વીરનિર્વાણ સંવત જેવા સંવતો ઘણા વહેલા શરૂ થયા હોવા છતાં એ સંવતોનો પ્રયોગ અનેક સૈકાઓ બાદ શરૂ થયો હોવાનું જણાય છે.
ગુજરાતમાં જૂના અભિલેખોમાં ગુપ્ત સંવત, વલભી સંવત, સિંહહ સંવત જેવા ઉલ્લેખો જોવા મળે છે. આ રીતે બંગાલમાં બંગાબ્દ પ્રચલિત છે. રાજસ્થાનના જેસલમેરના મધ્યકાલના મધ્યકાલના અભિલેખોમાં ભાટીક સંવતનો ઉલ્લેખ જોવા મળે છે. દક્ષિણ ભારતમાં ગંગ સંવત જેવા અનેક સંવત પ્રચલિત હતા. અંગ્રેજો ભારતમાં આવ્યા અને ગ્રેગેરિયન કેલેન્ડરનો પ્રભાવ વધ્યો. આ અંગ્રેજી કેલેન્ડર કરતા પણ ભારતીય કેલેન્ડર સૈકાઓ જૂના હોવા છતાં પણ ભારતીય પ્રજા દિગ્મૂઢ બની અંગ્રેજી કેલેન્ડરને જ વધુ પ્રાધાન્ય આપતી આવી છે.
૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે ભારતીય પંચાંગને કાયદેસર માન્યતા આપવાની માંગ ઉઠી. સરકારના બધા જ કાર્યોમાં ભારતીય પંચાંગ ઉપયોગ થાય અને સરકાર અને લોકોના સહાયથી આ પંચાંગ ફરી પ્રસ્થાપિત થાય તેવી માંગણીથી સરકારે એક પંચની રચના કરી. ભારતમાં વિવિધ પ્રાંતોમાં કાલગણનાની અનેક જુદી જુદી પદ્ધતિઓ પ્રચલિત હતી. એ બધી પદ્ધતિઓનો તુલનાત્મક અભ્યાસ કરી સમગ્ર દેશ માટે એક શુદ્ધ અને એકસરખી પદ્ધતિ સૂચવવા માટે ભારત સરકારે ૧૯૫૨ માં અધ્યાપક મેઘનાદ સહાના પ્રમુખપદે 'પંચાંગ-સુધારા સમિતિ' નીમી હતી. એનો અહેવાલ ૧૯૫૪ માં સરકારને સુપરત કરવામાં આવ્યો અને આ નવી યોજનાનો અમલ ૧૯૫૭ ની ૨૨ મી માર્ચને શુક્રવારથી થયો. આ પદ્ધતિથી કાલગણનાને 'રાષ્ટ્રીય પંચાંગ' કહે છે. આ સમિતિએ શક સંવત કે જેનો પ્રારંભ શાલિવાહન દ્વારા થયો હતો તે સંવતને રાષ્ટ્રીય સંવત તરીકે જાહેર કરવા સૂચવ્યું. અહીં શકનો અર્થ સંવત (વર્ષ) છે. શાલિવાહન શક સંવત અનુસાર ગઇ કાલે એટલે કે ચૈત્ર સુદ એકમે શાકે ૧૯૪૬નો પ્રારંભ થયો. ગુજરાતમાં હાલ વિક્રમ સંવત ૨૦૮૦ ચાલે છે. ઉત્તર ભારતમાં ગઇ કાલથી વિક્રમ સંવત ૨૦૮૧નો પ્રારંભ થયો. આ સંવત આપણી નવી પેઢીને યાદ રાખવા જેવા કે નહિ ? શાળાઓમાં ઇસ્વીસનની સાથે આ સંવત લખાય તો કેવું? ગ્રેગેરિયન કેલેન્ડર માત્ર ૨૪૦૦ વર્ષનો ઇતિહાસ છે. જ્યારે ભારતીય ઇતિહાસ પાસે હજારો વર્ષના પ્રાચીન ઇતિહાસની તવારીખ છે. આપણા સંવતનું વિસરાવું એટલે આખા ઇતિહાસનું વિસરાવું. તમને શું લાગે છે?
અંતે,
પડકાર અને પ્રતિભાવનું વિશ્લેષણ એટલે ઇતિહાસ.
- આર્નોલ્ડ ટોયન્બી
- જયેન્દ્રસિંહ જાદવ