Home / : The long leap of a short story from Banu Mushtaq to Booker Mushtaq

Shatdal: ટૂંકી વાર્તાનો લાંબો કૂદકો બાનુ મુશ્તાકથી બુકર મુશ્તાક....

Shatdal: ટૂંકી વાર્તાનો લાંબો કૂદકો બાનુ મુશ્તાકથી બુકર મુશ્તાક....

- અક્ષરનો અજવાસ 

તાજેતરમાં જ બુકર પ્રાઈઝના પરિણામો જાહેર થયા છે. કન્નડ વાર્તાકાર બાનુ મુશ્તાકને તેમના વાર્તાસંગ્રહ 'હાર્ટલેમ્પ' માટે ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ-૨૦૨૫ આપવામાં આવ્યું છે. આ વાર્તાસંગ્રહનો અનુવાદ ભારતના જાણીતા અનુવાદીકા દીપા ભસ્તિ દ્વારા કરવામાં આવ્યો છે. મૂળ કન્નડ ભાષામાં લખાઈને કોઈ અનુવાદિત પુસ્તકને બુકર મળે તે આપણા માટે તો ગૌરવની જ ઘટના ગણાય. આ પહેલા ગીતાંજલિશ્રીને તેમની હિન્દી નવલકથા 'રેતસમાધિ' માટે બુકર મળ્યું હતું. તેના બે વર્ષ પછી જ ભારતની અન્ય એક સ્થાનિક ભાષમાં લખાઈને અનુવાદિત થયેલા પુસ્તકને બુકર મળ્યો તે દર્શાવે છે કે સમકાલીન ભારતીય સાહિત્યમાં એવી અનન્ય કથાઓ લખાય છે કે જેની નોંધ સમગ્ર વિશ્વએ લેવી પડે. બાનુ મુસ્તાકને મળેલ બુકરની વિશેષતા એ છે કે આ પહેલા કોઈ વાર્તાસંગ્રહને બુકર નથી મળ્યું. પહેલી વાર કોઈ વાર્તાસંગ્રહને બુકરથી પોંખવામાં આવ્યો છે, જે ભારતીય શોર્ટ સ્ટોરીઝની તાકાત બતાવે છે. આ ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝમાં શોર્ટ લિસ્ટ થવા માટેની શરત એ છે કે કોઈ પણ ભાષામાં લખાયેલ પુસ્તક અંગ્રેજીમાં અનુવાદિત થયું હોવું જોઈએ અને યુકે અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત થયું હોવું જોઈએ. એવોર્ડ સાથે ૫૦,૦૦૦ પાઉન્ડ (લગભગ ૫૫ લાખ)ની રકમ આપવામાં આવે છે, જેને લેખિકા અને અનુવાદિકા વચ્ચે સમાન રીતે વહેચવામાં આવે છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બુકર જીતનાર બાનુ મુસ્તાક વકીલ, પત્રકાર અને સક્રિય અને સંવેદનશીલ વ્યક્તિત્વ છે. મુશ્તાક અરબી શબ્દ છે જેનો અર્થ છે અપેક્ષા રાખનાર.... પણ બાનુ મુશ્તાકને બુકરની અપેક્ષા જ નહોતી. પત્રકારે તેમને પૂછ્યું કે વાર્તાઓના વિષયવસ્તુ કેવી રીતે મળે છે ત્યારે તેમણે કહ્યું કે ''વાર્તાઓ લખવા માટે હું કોઈ વિશેષ સંશોધન કરતી નથી. મારું હૃદય જ મારા અભ્યાસનું ક્ષેત્ર છે. જે ઘટના મારા હૃદય પર વધારે અસર કરે છે, એ જ હું વધારે ઊંડાણપૂર્વક અને ભાવસભર રીતે લખી શકું છું.'' બુકર જીતનાર હાર્ટલેમ્પની સ્ટોરીઝ પણ આવી જ કલાત્મક અને ભાવપૂર્ણ, રસસભર વાર્તાઓ છે. તેને જ કારણે માત્ર બાર જ વાર્તાઓ ધરાવતા આ વાર્તાસંગ્રહે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. મુશ્તાકના લખાણમાં કલ્પનો કરતા પોતે ઝીલેલા સંવેદનો વિશેષ આવે છે. છ ટૂંકી વાર્તાના સંગ્રહો, એક નિબંધ સંગ્રહ અને એક નવલકથા આપનાર બાનુ મૂળે વિદ્રોહી સ્વભાવના છે. અન્યાય સામે પ્રતિકાર કરતા જરા પણ ખચકાતા નથી. પોતે બંદાયા ચલવળ સાથે પણ સંકળાયેલા હતા. આ આંદોલન ઉપરાંત એક સુધારાવાદી નારી લેખિકા તરીકે મુશ્તાકે મસ્જિદોમાં નમાજ પઢવા માટે મહિલાઓને સમાન અધિકારો હોવા જોઈએ એમ જાહેરમાં મત વ્યક્ત કર્યો હતો. આ પછી તેને ધમકીભર્યા ફોન કોલ્સ આવવા માંડયા. એક ઈસ્લામિક સંગઠન દ્વારા તેના વિરુદ્ધ એક ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. એક હુમલાખોરે મુશ્તાક પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ ઘટનાઓએ મુશ્તાકને ડરાવી ન હતી. મુસ્લિમ સમાજના ઉગ્ર વિરોધ અને હુમલા વચ્ચે પણ તેમણે પ્રામાણિકતાથી લખવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાને અનુલક્ષીને તે કહે છે કે ''મેં સતત અંધશ્રદ્ધાળુ, ખોખલી ધાર્મિકતાને પડકારી છે. આ મુદ્દાઓ આજે પણ મારા લેખનમાં કેન્દ્રસ્થાને છે. સમાજ ઘણો બદલાઈ ગયો છે, પરંતુ મુખ્ય મુદ્દાઓ એના એ જ રહે છે. ભલે સંદર્ભ બદલાયો છે પણ સ્ત્રીઓ અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના મૂળભૂત સંઘર્ષો આજે પણ ચાલુ જ છે.''

મુશ્તાકની આ ૧૨ ટૂંકી વાર્તાઓ સંપ્રદાયવાદ, પિતૃસત્તાક સમાજ, જુલમ, જાતિગત અસમાનતા અને હિંસા જેવા વિષયોની કલાત્મક ગૂંથણી છે જેમાં સાંપ્રત સમાજનું ચિત્ર પ્રતિબિંબિત થાય છે. આ વાર્તાસંગ્રહ દક્ષિણ ભારતની મુસ્લિમ મહિલાઓની રોજિંદી મુશ્કેલીઓને આબેહૂબ રીતે રજૂ કરે છે. આ વાર્તાઓનું કથાબીજ ભલે સ્થાનિક હોય પરંતુ તેના પાત્રો તો સાર્વત્રિક છે, વાર્તાઓની ઘટના અને પાત્રો ભારત કે વિશ્વમાં ગમે ત્યાં મળી શકે છે. જે શીર્ષકથી આ વાર્તાસંગ્રહનું નામ છે તે હાર્ટ લેમ્પ નામની વાર્તા ખૂબ રોચક છે. ત્રણ બાળકોની માતા મેહરુન, તેના પતિએ બીજી પત્ની સાથે લગ્ન કર્યા છે એટલે મેહરુન પોતાનું જીવન સમાપ્ત કરવાનું નક્કી કરે છે. મેહરુને ઘણું સહન કર્યું છે. તે આત્મહત્યા કરવા માટે કેરોસીન છાંટીને દિવાસળી પ્રગટાવવાનું નક્કી કરે છે ત્યારે મુસ્તાકની કલમની તાકાત જુઓ ''દીવાસળી સળગાવવાના અનેક પ્રયાસો કર્યા છતાં દીવાસળી સળગતી નથી કારણ કે મેહરુનના હૃદયમાં રહેલો દીવો તો ઘણા સમય પહેલા જ બુઝાઈ ગયો હતો.'' બાળકો મેહરુનની વ્હારે આવે છે અને તે બચી જાય છે. મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિને બારીકીથી આલેખતી આ કન્નડ વાર્તાઓ ગુજરાતી કથા સાહિત્યને પણ ઈજન આપે છે કે ''હે ગુજરાતી કથાઓ, તમે  પણ અંગ્રેજી શાહીમાં સ્નાન કરીને વિશ્વના મંચ પર આવો... બુકર પ્રાઈઝ તમારી રાહ જુએ છે.''અંતે,

''દોસ્તો સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા

જ્યાં ધર્મનો છાંટો નહિ, ફિરકા છતાં ફાલી રહ્યા...''

(મૂળ કવિ ખલિલ જિબ્રાન અનુવાદ : મકરંદ દવે)

- જયેન્દ્રસિંહ જાદવ

Related News

Icon