
બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાને મામલે હવે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. રાજ્યભરમાં ઠેર ઠેર આ અંગે કોઈને કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં મહેસાણામાંથી ફટાકડાના ગોડાઉનમાં SOGની તપાસ અંગે માહિતી મળી રહી છે.
મહેસાણા જિલ્લાના કડીમાં જય રણછોડ એસ્ટેટમાં ગેરકાયદેસર ચાલતા ફટાકડાના ગોડાઉનમાં એસઓજી પોલીસ ત્રાટકી હતી. એસઓજી પોલીસે ફટાકડાના ગોડાઉન માલિક સામે કાર્યવાહી કરી છે. કોઈ પણ પ્રકારના લાયસન્સ પરવાના અને NOC વિના ફટાકડાનું ગોડાઉન ધમધમતું હતું. ફટાકડાના ગોડાઉન માલિક સામે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ફટાકડાનું ગોડાઉન સીલ કરવામાં આવ્યું છે. ગોડાઉનના માલિક ભરત રંગવાણી સામે આ મામલે ગુનો નોંધાયો છે.
અરવલ્લીમાં પણ ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં તપાસ
બનાસકાંઠાના ડીસામાં કથીત ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાની ગોઝારી ઘટનામાં ૨૦થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્રએ પણ ઘટનાના બે દિવસ બાદ જિલ્લાના મોડાસા ખાતે આવેલી ૩૬ જેટલી ફટાકડાની દુકાનો અને ગોડાઉનમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ગોડાઉનો તેમજ દુકાનોમાં ફટાકડા સંગ્રહ માટેના પરવાના તેમજ ફાયર સેફટીના સાધનો અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જો કે, મોડાસા ખાતે કેટલાક પરવાનેદારોને જાણે કે અગાઉથી જાણ થઇ ગઈ હોય તેમ દુકાનો બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું જોવા મળ્યું હતું.