
ઈરાન-ઇઝરાયલ વચ્ચે 12 દિવસ યુદ્ધ ચાલ્યા બાદ યુદ્ધવિરામ થઈ ગયું છે. ઇઝરાયલે ઈરાન પર હુમલાની શરુઆત કર્યા બાદ અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ મથકોને ટાર્ગેટ કર્યા હતા. આ તમામ ઘટનાક્રમ પર પૂર્ણવિરામ મૂકાયા બાદ ઈરાનના સુપ્રીમ લીડર અયતુલ્લા ખામેનેઈ જીતનો દાવો કરતા પહેલું નિવેદન સામે આવ્યું છે.
‘અમેરિકા વચ્ચે આવ્યું ન હોત તો...’
ખામેનેઈએ સત્તાવાર નિવેદન જાહેર કરીને ‘ઈરાનને અભિનંદન પાઠવ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે, અમેરિકા વચ્ચે ન આવ્યું હોત તો અમે ઇઝરાયલનો ખાતમો કરી નાખ્યો હોત.’ ઇઝરાયલે હુમલા કર્યા બાદ ખામેનેઈ ઘણા દિવસથી ગુમ હતા. અમેરિકાના હુમલા બાદ ખામેનેઈ પહેલી વખત નિવેદન જાહેર કરી ઇઝરાયલ પર જીતની જાહેરાત કરી છે.
ઈરાની સરકારી ટેલિવિઝન પર પ્રસારિત થયેલા એક વીડિયો સંદેશમાં ખામેનેઈએ કહ્યું, "ઈસ્લામિક રિપબ્લિકનો વિજય થયો અને બદલામાં અમેરિકાના મોઢા પર થપ્પડ મારી." તેમનું આ નિવેદન એવા અહેવાલો પછી આવ્યું છે કે ઈરાને સોમવારે કતારમાં યુએસ લશ્કરી મથક પર મિસાઈલ હુમલો કર્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
અમેરિકા યુદ્ધમાં સામેલ કેમ થયું
ઈરાનની સરકારી સમાચાર એજન્સી ઈરનાએ ખામેનેઈને ટાંકીને કહ્યું છે કે, ‘ખોટા શોરબકોર અને અનેક દાવાઓ કર્યા છતાં ઇઝરાયલ ધ્વસ્ત થઈ ગયું છે. ઇસ્લામી ગણતંત્રે કરેલા હુમલાઓએ ઇઝરાયલને સંપૂર્ણ કચડી નાખ્યું છે. અમેરિકાને લાગતું હતું કે, જો તે યુદ્ધમાં સામેલ નહીં થાય તો ઇઝરાયલ સંપૂર્ણ નષ્ટ થઈ જશે. અમેરિકાને પણ યુદ્ધથી કંઈ હાંસલ થયું નથી.’ ખામેનેઈએ ઇઝરાયલનું નામ લીધું નથી, પરંતુ તેમણે ‘જૂઠા જાયોની શાસન’ તરીકે સંબોધિત કર્યું છે.
ઈરાને અમેરિકાને પણ ઝટકો આપ્યો : ખામેનેઈનો દાવો
ખામેનેઈએ ગલ્ફમાં તહેનાત અમેરિકન સેના પર વળતા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, ‘ઈરાને ગલ્ફમાં તહેનાત અમેરિકન સેનાને પણ ઝટકો આપ્યો છે. ઇસ્લામિક રિપબ્લિકે અમેરિકાના ચહેરા પર જોરદાર થપ્પડ મારી છે. ઈરાને ગલ્ફમાં અમેરિકાના મુખ્ય સૈન્ય ઠેકાણા અલ-ઉદીદ એરબેઝ પર હુમલો કરીને તેને નુકસાન પહોંચાડ્યું છે.
ખામેનેઈએ અમેરિકાને ચેતવણી આપી
ખામેનેઈએ અમેરિકાને ચેતવણી આપી છે કે, ઈરાન પાસે પ્રદેશમાં અમેરિકા પર હુમલો કરવાની ક્ષમતા છે. તેમના સત્તાવાર એકાઉન્ટની પોસ્ટમાં લખાયું છે કે, ‘એક સત્ય અને મહત્ત્વની વાત એ છે કે, ઇસ્લામિક ગણરાજ્ય પાસે પ્રદેશમાં આવેલા અમેરિકાના મુખ્ય કેન્દ્ર સુધી પહોંચવાની ક્ષમતા છે અને જ્યારે પણ જરૂર પડશે, ત્યારે કાર્યવાહી કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી કાર્યવાહી બીજી વખત થઈ શકે છે. જો હવે ઈરાન પર કોઈ હુમલો થશે તો નિશ્ચિત દુશ્મન દેશે ભારે કિંમત ચૂકવવી પડશે.’