
નાઇજીરીયાના ઉત્તરીય પ્રાંત કાનોમાં ખેલાડીઓથી ભરેલી બસ કાબુ ગુમાવીને પુલ પરથી પડી ગઈ. આ અકસ્માતમાં 22 ખેલાડીઓના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાંતના ગવર્નર અબ્બા કબીર યુસુફે જણાવ્યું હતું કે શનિવારે દક્ષિણ પ્રાંત ઓગુનમાં યોજાયેલા રાષ્ટ્રીય રમતોત્સવમાંથી બસ ખેલાડીઓ સાથે પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત થયો. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
તેમણે કહ્યું, એવું લાગે છે કે ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો અને 30 થી વધુ મુસાફરોને લઈ જતી બસ કાનો-ઝારિયા એક્સપ્રેસવે પર ચિરોમાવા પુલ પરથી નીચે પડી ગઈ હતી.
રાજ્યપાલે સોમવારે કાનોમાં રાજ્ય શોક દિવસની જાહેરાત કરી હતી. દરમિયાન, કાનોના ડેપ્યુટી ગવર્નર અમીનુ ગ્વાર્ઝોએ પીડિતોના પરિવારોને 10 લાખ નાયરા (લગભગ 630 યુએસ ડોલર) ની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. નાઇજીરીયા આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. રસ્તાઓની ખરાબ હાલત અને નબળા ટ્રાફિક કાયદાઓને કારણે અહીં વારંવાર માર્ગ અકસ્માતો થાય છે.