
બાર્બાડોસમાં ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024માં ઐતિહાસિક જીતના એક વર્ષ પછી, રોહિત શર્માએ પોતાના દિલની વાત કહી છે. રોહિતે ખુલાસો કર્યો કે તે ફાઈનલ પહેલા આખી રાત બરાબર ઊંઘી નહતો શક્યો. તે નર્વસ હતો. ભારતના T20 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માએ JioHotstar સાથે 'ચેમ્પિયન્સ વાલી ફીલિંગ ફિર સે' પર પોતાના દિલની વાત કરી હતી. રોહિતે વિરાટ કોહલી અને અક્ષર પટેલ વચ્ચેની પાર્ટનરશિપને યાદ કરી હતી. સૂર્યકુમાર યાદવના શાનદાર કેચ અને રાહુલ દ્રવિડના છેલ્લા મિશનની યાદો પણ તાજી કરી હતી.
'આટલી લાંબી રાહ જોવી...'
રોહિત શર્માએ કહ્યું, "13 વર્ષ ઘણો લાંબો સમય છે. મોટાભાગના લોકોની કારકિર્દી 13 વર્ષ ટકતી પણ નથી. વર્લ્ડ કપ જીતવા માટે આટલી લાંબી રાહ જોવી પડી... મેં છેલ્લે 2007માં વર્લ્ડ કપ જીત્યો હતો. મારા માટે આનાથી મોટી વાત બીજી કોઈ ન હોઈ શકે. હું આખી રાત સૂઈ નહતો શક્યો. હું ફક્ત વર્લ્ડ કપ વિશે જ વિચારી રહ્યો હતો. હું ગભરાઈ ગયો હતો."
રોહિતે આગળ કહ્યું, "હું તે બતાવતો નથી પણ અંદર ઘણો ડર હતો. અમારે સવારે 8:30 કે 9 વાગ્યાની આસપાસ નીકળવાનું હતું. પણ હું 7 વાગ્યે ઉઠી ગયો. મારા રૂમમાંથી હું મેદાન જોઈ શકતો હતો અને ફક્ત તેને જોતો રહ્યો. મને યાદ છે કે મેં વિચાર્યું હતું- 'હું બે કલાકમાં ત્યાં પહોંચીશ. અને પરિણામ ચાર કલાકમાં બહાર આવશે."
એક વર્ષ પૂર્ણ થયું
તમને જણાવી દઈએ કે 29 જૂન 2024ના રોજ, ભારતે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ ઐતિહાસિક જીતને એક વર્ષ વીતી ગયું છે. જોકે, તેની યાદો હજુ પણ ફેન્સના મનમાં તાજી છે. ભારતે આ એક વર્ષમાં બીજી ICC ટ્રોફી જીતી હતી. રોહિત શર્માએ 9 માર્ચના રોજ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને પોતાની કેપ્ટનશિપ હેઠળ ભારતને બીજી ICC ટ્રોફી જીતાડી હતી.