
- લેન્ડસ્કેપ
- ક્યારેક પીડાની સારવાર કરવાની હોય છે, તો ક્યારેક આપણું પીડિત પાસે બેસી જવું જ ઉપચાર હોય છે
એક અચ્છી ઘટના,
તુમ ઘટને મેં રહના બલ્કી ઘટ જાના,
બાર બાર ઘટ જાના, પ્રત્યેક મનુષ્ય કા જીવન હર ક્ષણ અચ્છા મુહૂર્ત હૈ સુખ કી ઘટના કે લિયે.
- વિનોદકુમાર શુક્લ
જીવનની સર્વોચ્ચ સુખની પળ છે-નિરંતર ઓછા-ઓછા થવું અને આ ઘટીત થવા માટે દરેક ક્ષણ શ્રેષ્ઠ મુહૂર્ત છે. અન્યમાં-અન્ય માટે વિખેરાઈ જવું-વિસ્તરી જવું.
આપણા માનવીય રણ અને આરણ્યમાં ભૂખ અને તરસ છે, રઝળપાટ અને અંધાર છે. દરેક કટોકટીમાં ઈશ્વર દોડી આવતો નથી. કારણ કે તેને માણસ અને માણસાઈ પર શ્રદ્ધા છે. જગતના અંધકાર સામે લડવાની બે રીતો છે - ચોકમાં ફાનસ ટાંગીએ અથવા તો ફાનસ લઈને નીકળી પડીએ. ક્યારેક પીડાની સારવાર કરવાની હોય છે, તો ક્યારેક આપણું પીડિત પાસે બેસી જવું જ ઉપચાર હોય છે. આપણે આ પૃથ્વી ઉપર તેથી જ તો છીએ.
લીન હાર્ટલી નામની કેળવણીકાર બે સ્કીઅર્સ (બરફ પર સરકનારા)ના નૈતિક-આધ્યાત્મિક સાહસની વાત કરે છે. એક વખત આ બન્ને સ્કીઅર્સ અલાસ્કા-કેનેડાની શ્વેત બર્ફીલી ચાદર પર સ્કીઈંગ કરવા નીકળેલા. તેઓ થીજેલા સરોવરની પાસે હતાં. આ એવા વિસ્તારો હોય છે, જ્યાં તાપમાન માઇનસ ૨૦ થી ૪૦ પણ હોય. ત્યાં તેમણે એક ઊંડા ખાડામાં એક મૂઝ કે એલ્ક નામનું પ્રાણી પડી ગયેલું જોયું. આનો દેખાવ તો રેઇનડીઅર જેવો લાગે. તેમની ઊંચાઈ લગભગ છ ફીટ અને વજન સાડા ચારસો કિગ્રા. તે બંને સ્કીઅર્સ આને ખેંચીને બચાવી શકે તેમ ન હતા. બીજું અંધારું અને તાપમાન પણ ઉતરી રહ્યા હતા. રાત્રીનું તાપમાન બરફને તલવાર જેવો ધારદાર બનાવી નાખે અને મૂઝના ધમપછાડા તેને ઘાયલ ન કરે તે માટે આ બન્નેએ પોતાનો ટેન્ટ તે ખાડા પર ઢાંકી દીધો. થોડો ખૂણો ખુલ્લો રાખ્યો કે મૂઝને સાંત્વના મળે કે ત્યાં કોઈક છે. તે બન્ને સ્કીઅર્સ હાડ વિંધતી ઠંડી વચ્ચે સવાર સુધી વાતો કરતાં-ઝોકા ખાતા ખુલ્લા આકાશ નીચે બેસી રહ્યા. અમાસની રાત્રીની પણ સવાર તો પડે જ છે. આખરે સવારે, તે મૂઝને બચાવી લેવાયું.
આખી માનવજાત કોઈ દોડમાં નથી. કેટલાક થાકીને-હારીને બેસી પડયા છે. ચાલો, તેમની પાસે બેસીએ. કરુણા વહેંચવા માટે કોઈ ચોઘડિયુ જોવાની જરૂર નથી. તે સ્વયં એક પાવક અવસર છે. કરુણા કોઈ પ્રીમિયમ કંપનીના શેર નથી કે સાચવવા પડે-સંતાડવા પડે. તેને તો વહેંચવાથી મૂલ્ય વધે છે. અન્ય ચૈતન્ય સાથેની નિસબત આપણને જીવનનો અર્થ આપે છે. આપણી આસપાસ જીવાતી કથાના આપણો વાચક કે શ્રોતા નથી પણ ભાગીદાર છીએ. જીવન લાં....બું છે. ક્યારેક ટાઢીબોળ રાત્રી અને ખાડામાં રહેવાનો વારો મારો પણ હોય. અન્યનો અંધાર દૂર ન થાય ત્યારે તેની સાથે આપણે તેને વેઠવાનો અને વહેંચવાનો હોય છે.