ખડકમાંથી મીઠું પ્રાપ્ત કરવા માટેની રોક સોલ્ટ માઇન (ખાણ) પોલેન્ડના પ્રાચીન પાટનગર ક્રેકો નજીક આવેલી છે અને જેમાંથી રોક સોલ્ટ મળતું હોય તેવી દુનિયાની આ સૌથી જૂની ખાણ છે. સદીઓથી મજૂરો આ ખડકોમાં ઓરડા આકારની ચેમ્બરો બનાવીને મીઠું પ્રાપ્ત કરી રહ્યા છે અને ઉપરથી શરૂ કરીને કુલ ૯ મજલામાં જે ઓરડા આકારની ચેમ્બરો કે ખંડ અસ્તિત્વમાં આવ્યાં છે તેમની કુલ લંબાઈ ૩૦૦ કિલોમીટર જેટલી થાય છે. ૧૬૩૮થી જેનું ખોદકામ શરૂ થયું હતું તેવા ઉપરના ત્રણ સ્તરમાં ટુરિસ્ટો માટેનું મ્યુઝિયમ વસાવવામાં આવ્યું છે. અને તેમાં પણ ભૂગર્ભમાંનો અઢી કિલોમીટર લાંબો ટુરિસ્ટ રૂટ અચંબો પમાડે છે. જમીનથી ૩૫૦ ફૂટ નીચે ૫૦ મીટર લાંબા, ૧૬ મીટર પહોળા અને ૧૨ મીટર ઊંચા ખંડમાં (એક ખંડમાંથી વીસ હજાર ટન મીઠું નીકળે) બે ખાણિયા કમ શિલ્પીઓએ ૧૮૯૬થી શરૂ કરીને સતત ૧૬ વરસ કામ કરીને સુંદર મજાનું મ્યુઝિયમ બાંધ્યું છે. આ ભૂગર્ભ સંકુલની બીજી ખાસ વિશેષતા ઉપરથી શરૂ કરીને ૬૫૦ ફૂટ નીચેના પાંચમા મજલા પર આવેલું ભૂગર્ભ આરોગ્યધામ છે. લિફ્ટમાં બેસીને તેમાં જઈ શકાય. આ આરોગ્યધામની સ્થાપના ૧૯૫૦માં ખાણના મેડિકલ ઓફિસર ડો. સ્કુલીવોસ્કીએ કરી હતી. ખાણના કામદારોના એ ડોક્ટર હતા ત્યારે તેમના ધ્યાન પર આવ્યું કે એક પણ ખાણિયાને ફેફસાંની કે લોહીના ઊંચા દબાણની બીમારી ન હતી. એ ઉપરાંત તેઓને કદી ફ્લુ પણ થતો ન હતો. આથી ખાણમાં કામ નહીં કરતા અને ફેફસાંના રોગથી પીડાતા લોકોને ડોક્ટરે ખાણિયા તરીકે કામ કરવાની સલાહ આપી હતી. પરિણામે આવા લોકોની દમ અને ફેફસાંની બીમારી જતી રહેતી અથવા તેમાં નોંધપાત્ર સુધારો થતો. આનાથી પ્રેરાઇને ૧૯૫૮માં ડો. સ્કુલીવોસ્કીએ રેઢા પડેલા ખંડોમાં એક હોસ્પિટલ શરૂ કરી અને અસ્થમા, ત્વચાના રોગ, એલર્જી વગેરેથી પીડાતા બહારના દરદીઓને તે દિવસના સમયે આ હોસ્પિટલમાં રાખતા.

