
ઉનાળાની ગરમીએ ગુજરાતભરમાં કહેર મચાવ્યો છે. એવામાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે.દાસે રાજ્યના અલગ અલગ વિસ્તારો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. આગામી બે દિવસ સૌરાષ્ટ્ર તથા કચ્છમાં હીટ વેવની આગાહી છે.
બે દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બે દિવસ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટમાં યેલો એલર્ટ જાહેર કરવમાં આવ્યું છે. અમદાવાદમાં આજે 43 ડિગ્રી તાપમાનની શક્યતા સેવાઈ રહી છે. પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચકાયો છે. હાલ પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ પવન ફૂંકાઈ રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 44.4 તથા સુરેન્દ્રનગરમાં 44.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે.