
દાહોદમાં મનરેગા યોજના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બીજા પુત્ર કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ફરાર મંત્રીના પુત્ર સહિત 3 લોકોની અટકાયત કરી છે. કિરણ ખાબડ, દેવગઢબારીયાના APO દિલિપ ચૌહાણ, ધાનપુરના તાલુકા વિકાસ અધિકારી રાઠવાની ધરપકડ કરવામાં આવી છે.
મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધી
દાહોદ મનરેગા કૌભાંડમાં ગુજરાતના પંચાયત રાજ મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધતી જઇ રહી છે. પહેલા મોટા દીકરા બળવંત ખાબડની અને હવે તેમના નાના દીકરા કિરણને પોલીસે ઝડપી પાડ્યો હતો. વડોદરા-કાલોલ હાઈવે પર પોલીસે તેને વહેલી સવારે ઝડપી પાડ્યો હતો. હાલ તેની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
મંત્રીના પુત્રોએ મનરેગા યોજનાને કમાણીનું સાધન બનાવી લીધું હતું
ઉલ્લેખનીય છે કે ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજનાને પણ મંત્રી પુત્રોએ કમાણીની યોજના બનાવી દીધી હતી. થોડા દિવસ પહેલા મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે જેના પગલે રાજકારણ ગરમાયુ હતું. સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળે સ્થળ તપાસ કરતાં એવો ઘટસ્ફોટ થયો હતો કે, મંત્રી પુત્રોએ ચેકડેમ, હેન્ડપંપ-પાણીના બોર, માટી મેટલના રસ્તા બનાવ્યાં વિના જ બારોબાર જ બિલો પાસ કરાવી લાખો કરોડો સેરવી લીધા હતાં.
મંત્રી સામે પણ આરોપો
એવો આક્ષેપ કરાયો છે કે, ખુદ મંત્રી બચુ ખાબડે જ સત્તાનો દૂરપયોગ કરી પુત્રોને મનરેગાના કામો અપાવી ફાયદો કરાવ્યો હતો. દાહોદ જીલ્લાના માત્ર બે તાલુકામાં જ રૂા.71 કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. જો વધુ વધુ ત તપાસ કરાય તો રૂા. 200 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા છે. દાહોદ જીલ્લામાં દેવગઢબારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના બધાય કામો મંત્રીપુત્રોની એજન્સી શ્રી રાજ ટેડર્સ અને શ્રી રાજ કન્સ્ટ્રકશન કંપનીને આપવામાં આવ્યાં હતાં. આ બંને એજન્સીઓએ પિતાના રાજકીય વગનો ઉપયોગ કરીને ધૂમ ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ મુદ્દે મુખ્યમંત્રી સુધી લેખિત ફરિયાદ કરાઈ છે.