Home / : Texas Lottery Commission delays payment of prize money despite winning lottery

Shatdal: લોટરી લાગી છતાં ટેક્સાસ લોટરી કમિશનના ઇનામની રકમ ચૂકવવામાં ગલ્લાંતલ્લાં

Shatdal: લોટરી લાગી છતાં ટેક્સાસ લોટરી કમિશનના ઇનામની રકમ ચૂકવવામાં ગલ્લાંતલ્લાં

- ટોપ્સીટર્વી 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- ઇનામની રકમ ચૂકવવાની આવી ત્યારે ટેક્સાસ લોટરી કમિશને એક પછી એક વાંધાવચકા કાઢવા માંડયા

'મને લોટરીનો જેકપોટ લાગ્યો છે યોર ઓનર ! આ રહી એની ટિકિટ પરંતુ ટેક્સાસ લોટરી કમિશન મારા ઇનામની રકમ ચૂકવવામાં ગલ્લાંતલ્લાં કરે છે, આજે ત્રણ મહિના થવા આવ્યા. એ લોકો જવાબ આપતા નથી, યોર ઓનર ! મને મદદ કરો....' અમેરિકાના ટેક્સાસ શહેરમાં વસતી એક મહિલાએ ત્રણ ત્રણ મહિના ધીરજભેર વાટ જોયા પછી હવે કોર્ટમાં ધા નાખી છે.

એક તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ જાતજાતનાં અટકચાળાં કરીને દુનિયા આખીને રમૂજનો અનુભવ કરાવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ટેક્સાસ સ્ટેટમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકી નાગરિક એવી એક મહિલાને ટેક્સાસ લોટરીમાં જેકપોટ લાગ્યો ત્યારે એના હરખનો પાર નહોતો રહ્યો. પણ લોટરીના ઇનામની રકમ ચૂકવવાની આવી ત્યારે ટેક્સાસ લોટરી કમિશને એક પછી એક વાંધાવચકા કાઢવા માંડયા. મિડિયા સંબંધિત મહિલાની તરફેણ કરે છે. પરંતુ ટેક્સાસ લોટરી કમિશને દાદ દીધી નહીં. આખરે આ મહિલાએ કોર્ટમાં ધા નાખી.

આ મહિલાને અમેરિકી ડોલરમાં ૮૩.૫ મિલિયનનો જેકપોટ લાગ્યો છે. ભારતીય રૂપિયામાં ગણીએ તો ૭ અબજ ૧૧ કરોડ ૧૧ લાખ ૩૫,૫૫૦ રૂપિયાનો આ જેકપોટ છે. આંકડા ફરી વાંચજો. સાત અબજ, ૧૧ કરોડ, ૧૧ લાખ, ૩૫,૫૫૦. આવી ગંજાવર રકમ ચૂકવવાની આવે ત્યારે કોઇ પણ લોટરી એજન્સીને પેટમાં ચૂંક આવે. એ અકળાઇ જાય.

વાત એવી છે કે ટેક્સાસ લોટરી એજન્સી અવારનવાર નવી નવી લોટરી બહાર પાડે છે. આ મહિલાએ એક કુરિયર સર્વિસ દ્વારા લોટરીની ટિકિટ ખરીદી હતી. હવે ટેક્સાસ રેંજર્સ તરીકે ઓળખાતી સુરક્ષા સંસ્થા લોટરી ડ્રોઇંગની તપાસ કરી રહી છે એવા બહાના હેઠળ આ મહિલાને જેકપોટની રકમ ચૂકવવામાં અખાડા કરાઇ રહ્યા છે. સામાન્ય રીતે આવાં બહાનાં ચાલી શકે નહીં. વિજેતાએ ટિકિટ કયા એજન્ટ પાસેથી, ક્યારે, કેવી રીતે, ખરીદી એની સાથે તમને શું લાગેવળગે ? તમે માત્ર એટલું જુઓ કે ટિકિટ બનાવટી નથી ને ? તમે જે નંબરની ટિકિટ વિજેતા જાહેર કરી એ ટિકિટનો નંબર વિજેતા મહિલાની ટિકિટને મળતો આવે છે ? મહિલા પાસેની ટિકિટના ક્રમ નંબરના આંકડા સાથે ચેડાં થયાં નથી ને ? ટિકિટ ૧૭ ફેબ્રુઆરીના ડ્રોની જ છે ને ?

આ પ્રશ્નોના જવાબ સંતોષકારક હોય તો તમારે વિજેતા મહિલાને ઇનામની રકમ ચૂકવી આપવી પડે. તમે કાયદેસર રીતે ઇનામની રકમ ચૂકવવા બંધાયેલા છો. આ મહિલાએ જેકપોકેટ નામની એપ દ્વારા ટિકિટ ખરીદી હતી. ઓનલાઇન ટિકિટ ખરીદવામાં કુરિયર સેવા પણ મદદ કરે છે. જો કે એ માટે કુરિયર સેવા ગ્રાહક પાસેથી અમુક રકમ મહેનતાણા તરીકે વસૂલે  છે. આ મહિલાએ ૨૦૨૫ના ફેબ્રુઆરીની ૧૭મીએ વીસ ડોલરની ટિકિટ ખરીદી હતી. ત્યારબાદ એ સતત અખબારો અને ઇલેક્ટ્રોનિક મિડિયા દ્વારા લોટરી કમિશન ક્યારે ડ્રો કરશે એની સતત તપાસ કરતી રહી હતી.

અમેરિકાનાં ઘણાં રાજ્યો આ રીતે કુરિયર દ્વારા લોટરી ટિકિટ ખરીદવાને કાયદેસર માન્યતા આપે છે. ટેક્સાસના ધારાસભ્યોને કુરિયર દ્વારા લોટરી ટિકિટ ખરીદવા સામે વાંધો છે. એ લોકો માને છે કે ટેક્સાસના કાયદા મુજબ  કુરિયર દ્વારા લોટરી ટિકિટ વેચી શકાય નહીં. જો કે ટેક્સાસ લોટરી કમિશને કુરિયર્સને લોટરી ટિકિટ વેચવાની પરવાનગી આપી છે. આમ બે સરકારી સંસ્થાનો અહં ટકરાય છે. હવે ધારાસભ્યોના આગ્રહથી ટેક્સાસ રેંજર્સ લોટરી ડ્રોઇંગ સિસ્ટમ તપાસી રહી છે. પાડેપાડા લડે એમાં સામાન્ય નાગરિકનો ખો ! 

કોર્ટમાં ધા નાખનારી મહિલાની ઓળખ છૂપાવવામાં આવી છે. ધારાસભ્યોનું દબાણ વધ્યું એટલે ટેક્સાસ લોટરી કમિશને એવી જાહેરાત કરી કે કુરિયર સેવા નાગરિકો માટે લોટરી ટિકિટ ખરીદી શકે નહીં. એ ગેરકાયદે પ્રવૃત્તિ ગણાય. દરમિયાન, ટેક્સાસના ગવર્નર ગ્રે એબટે ટેક્સાસ રેંજર્સને આદેશ આપ્યો કે જે બે મોટા કુરિયર સંખ્યાબંધ લોટરી ટિકિટ ખરીદે છે એમના કામકાજની તપાસ કરો. અત્યાર અગાઉ ૨૦૨૩માં જે વિજેતાને નવ કરોડ પચાસ લાખ ડોલર્સનું ઇનામ લાગ્યું હતું એ કિસ્સાની પણ વિગતવાર તપાસ કરજો.

વાસ્તવિકતા એ છે કે ટેક્સાસમાં બે ત્રણ મોટા કુરિયર એકસાથે હજારો ટિકિટ ખરીદે છે અને ગ્રાહકોને વેચે છે. આ મહિલાના વકીલ મિસ રેન્ડી હૉરીએ મિડિયાને કહ્યું કે સરકારી તપાસ ભલે થતી પરંતુ ૧૭ ફેબ્રુઆરીના લોટરી ડ્રોની અસલી ટિકિટ મારી અસીલ પાસે છે. એ અસલી તેમજ  સાચી ટિકિટ છે માટે એને એનું ઇનામ મળવું જોઇએ. ટેક્સાસના ધારાસભ્યો અને ટેક્સાસ લોટરી કમિશન વચ્ચે જે લમણાફોડ થઇ રહી હોય એની સાથે મારી અસીલને કશી લેવાદેવા નથી. કાયદેસરના વિજેતાને ઇનામ નહીં આપીને ટેક્સાસ લોટરી કમિશન આ દેશના કાયદાનો ભંગ કરીને અપરાધ આચરી રહ્યું છે.

રેન્ડી હૉરીએ એમ પણ કહ્યું કે મારી અસીલની ટિકિટ કાયદેસરની હોય તો પછી ૨૦૨૩ના વિજેતા સાથે મારી અસીલની ટિકિટને કયા કાયદા હેઠળ સંડોવવામાં આવે છે ? ૨૦૨૩ના વિજેતાને મારી અસીલ સાથે શી લેવાદેવા છે ? જરૂર પડયે અમે સુપ્રીમ કોર્ટ સુધી જઇશું. આ તો એક ખૂબ મોટું કૌભાંડ હોય એવું લાગે છે.

- અજિત પોપટ

Related News

Icon