સુરતના પોશ ગણાતા અલથાણ અને ભીમરાડ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી લોકોને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના ઘરે નળમાંથી આવી રહેલું પાણી ગંદુ, દુર્ગંધયુક્ત અને જીવાતભરેલું છે, જે ન માત્ર પીવા માટે અયોગ્ય છે, પણ રોજિંદા ઉપયોગ માટે પણ ખતરાને આમંત્રિત કરે છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે નળમાંથી આવતું પાણી સફેદ પડતું, માટીવાળું અને જીવાતોથી ભરેલું હોય છે. કેટલીક જગ્યાએ તો પાણીમાંથી વાસ આવી રહી છે, જેને કારણે લોકો હાથમુખ ધોવાના પણ ડરતાં થયા છે. સ્થાનિક મહિલાઓ અને વૃદ્ધોનું કહેવું છે કે બાળકો અને વૃદ્ધો માટે આ સ્થિતિ ખાસ કરીને જોખમી બની રહી છે.
કાર્યવાહીની માગ
આ સમસ્યાનું મુખ્ય કારણ પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજના પાણીના લીકેજને માનવામાં આવી રહ્યું છે. ડ્રેનેજનું ગંદું પાણી પીવાના પાણીની લાઇનમાં મિક્સ થઈ જતાં પાણીની ગુણવત્તા બગડી ગઈ છે. આ વિસ્તારમાં અંદાજે એક લાખથી વધુ નાગરિકો આ સમસ્યાથી પીડાઈ રહ્યાં છે.સ્થાનિક નાગરિકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદો નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. લોકો ગુસ્સામાં છે અને પાણીના નમૂનાઓની તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
લોકો પાણી ખરીદવા મજબૂર
સ્થાનિક રહીશો કહે છે કે, “અમે ત્રણ દિવસથી મિનરલ વોટર કે ટેન્કરનો સહારો લઈ રહ્યા છીએ. પાણીમાં જીવાતો જોવા મળતી હોવાથી બાળકને પણ સ્નાન કરાવતાં ડર લાગે છે.”આ મુદ્દે નગરસેવક અને પાણી વિભાગ શું કરે છે એ હવે જોવું રહ્યું છે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો નાગરિકો સંઘર્ષનો માર્ગ અપનાવશે તેવી શક્યતા છે.