
Rajkot News: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં રીબડાના અમિત ખુંટને હનિટ્રેપમાં ફસાવી કાવતરાના ભાગરૂપે તેના વિરૂધ્ધ દૂષ્કર્મ અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાવાઈ હતી. જેને કારણે અમિત ખુંટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ કેસમાં તેના વિરૂધ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડેલ અને તેની બહેનપણીની પુછપરછમાં જૂનાગઢના રહીમ મકરાણીનું નામ ખુલ્યું છે. જેને પોલીસ અત્યાર સુધી મિસ્ટર એકસ તરીકે દર્શાવતી હતી.
મિસ્ટર એકસ રહીમ મકરાણી નામક શખ્સ નિકળ્યો
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, રહીમ મકરાણીએ જ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડેલ અને તેની બહેનપણી પુજા ગોરને અમિત ખુંટને રેપના કેસમાં ફસાવવાનું કામ સોંપ્યું હતું. બદલામાં બંનેની લાઈફ સેટ કરી દેવાની, સારામાં સારી જોબ અપાવવાની અને મોટી રકમ પણ અપાવવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં બંનેને કપડા પણ લઈ આપ્યા હતા.
અમિત ખુંટને ફસાવવાનું કાવતરું ઘડ્યું
આજ કારણથી સગીર વયની મોડલ અને તેની બહેનપણી પુજા ગોર અમિત ખુંટનો કાવતરના પ્લાન મુજબ સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યા બાદ મિત્રતા અને પ્રેમનું નાટક કર્યું. આખરે તેના વિરૂધ્ધ એ-ડિવીઝન પોલીસ મથકમાં દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પરિણામે અમિત ખુંટે બદનામીના ડરથી આત્મહત્યા કરી લીધી હતી.
તેની પાસેથી મળેલી સ્યૂસાઈડ નોટના આધારે ગોંડલ તાલુકા પોલીસે રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજદિપસિંહ ઉપરાંત દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડેલ અને તેની બહેનપણી પુજા ગોર સામે ગુનો દાખલ કર્યો હતો. બાદમાં સગીર વયની મોડેલ અને પુજા ગોરની પોલીસે ધરપકડ કરી હતી. આ બંનેની પુછપરછમાં રહીમ મકરાણીનું નામ ખુલ્યું હતું. જેની હવે પોલીસની જુદી-જુદી ટીમો શોધખોળ કરી રહી છે. તે ઝડપાયા પછી જ તેણે કોના કહેવાથી અમિત ખુંટને ફસાવ્યો તેનો ચોંકાવનારો ખુલાસો સામે આવશે.
બંને સગીરાઓની ધરપકડ બાદ મદદ કરનાર વકીલ પણ ઝડપાયા
પોલીસ તપાસમાં એવું ખુલ્યું હતું કે, દૂષ્કર્મની ફરિયાદ નોંધાવનાર સગીર વયની મોડલ અને તેની બહેનપણીને ફરિયાદ નોંધાવવામાં મદદ કરવા માટે રાજકોટના એડવોકેટ સંજય પંડીત અને ગોંડલના એડવોકેટ દિનેશ પાતરને કામ સોંપાયું હતું. જેના આધારે પોલીસે આ બંને આરોપી એડવોકેટની પણ ગઈકાલે ધરપકડ કરી હતી.
ત્યાર પછી પોલીસે આજે આ બંને આરોપી એડવોકેટને ૧ર દિવસની રિમાન્ડની માંગણી સાથે ગોંડલની કોર્ટમાં રજૂ કર્યા હતા. રિમાન્ડ નામંજૂર થતાં જેલહવાલે કરાયા હતા. આરોપી સંજય પંડિતે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે, સ્યૂસાઈડ નોટમાં અમારા નામનો ઉલ્લેખ નથી, ફરિયાદ બાદ બંને યુવતીઓએ વકીલ તરીકે અમારો સંપર્ક કર્યો હતો. જેને કારણે અમે માર્ગદર્શન અને સલાહ આપી હતી. આ સ્થિતિમાં પોલીસે અમને સાહેદ બનાવવાના બદલે આરોપી બનાવી દીધા છે. અમે અવાર-નવાર ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ સામેના કેસમાં તેના વિરૂધ્ધ વકીલ તરીકે રહેતાં હોવાથી અમને આ કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવાયા છે.