
સુરતની લાજપોર જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈને ગુજરાત હાઇકોર્ટે 5 દિવસના કામચલાઉ જામીન આપ્યા છે. રાજસ્થાનના જોધપુરની જેલમાં કેદ પિતા આસારામની તબિયત નાદુરસ્ત હોવાથી નારાયણ સાઈએ હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જેમાં કોર્ટે નારાયણ સાઈની પાંચ દિવસના કામચલાઉ જામીનની માગ કરતી અરજી મંજૂર કરી છે.
મળતી માહિતી પ્રમાણે જોધપુરની જેલમાં કેદ પિતા આસારામની તબિયત ખરાબ હોવાથી ખબર અંતર પૂછવા માટે નારાયણ સાંઇ સુરતની લાજપોર જેલથી જોધપુર જઇ શકશે. નારાયણ સાંઇને પોલીસ જાપ્તા સાથે જોધપુર જવામાં મંજૂરી આપવામાં આવી છે અને તમામ ખર્ચ નારાયણ સાઈએ જ ભોગવવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને પિતા આસારામને મળવા માટે માનવતાના ધોરણે જામીન આપ્યા હતા. સુરતની લાજપોર જેલમાં બંધ નરાધમ નારાયણ સાંઈને પિતા આસારામ સાથે જોધપુર જેલમાં ચાર કલાક મુલાકાત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.