- હરતાં ફરતાં
વાંસના ઝાડ વિશે તમે કેટલું જાણો છો?
વાંસને હવે માત્ર ઠાઠડી બાંધતી વખતે જ યાદ કરાય છે. વાંસનાં ઝાડ આંબા કરતાંય મોભાદાર છે. આંબો દસ વર્ષે કેરી આપે તો વાંસ ૩૦ વર્ષે, ૬૦ વર્ષે કે ૧૨૦ વર્ષે નવાં ફૂલ મૂકીને તેનાં બીજ આપે છે. વાંસ વિષે આપણું જ્ઞાન મર્યાદિત છે. વાંસના વૃક્ષનાં પાંદડાંમાં બીજા ઘાસ કરતાં ચાર ગણું પ્રોટીન હોય છે. તેનામાં સિલિકા ધાતુના અંશ હોઈ તે અત્યંત મજબૂત છે. હાઁગકાઁગની બહુમાળી ઇમારતો બાંધવા વાંસના માંચડા હજી કામે લેવાય છે. વાંસના માવામાંથી ઉત્તમ કાગળ પણ બને છે. વાંસની બીજી એક સરસ વાત. દરેક વાંસના વૃક્ષની અંદર એક આંતરિક ઘડિયાળ છે. ચીન, મલેશિયા કે ગુજરાત કે આસામના વાંસના રોપને તમે જગતના કોઈ પણ છેડે લઇને રોપી દો. બધા જ દેશોના વાંસના વૃક્ષ પર અક જ દિવસે ફૂલ ઊગશે. એક જ દિવસે બીજ ખીલીને ખેરવાઈ જશે અને કુદરતી રીતે એક જ દિવસે વાંસનું વૃક્ષ સુકાઈને ઢળી પડશે!

