
લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે, ઈંગ્લેન્ડ અને ભારત બંનેના મુખ્ય ખેલાડીઓને ઈજા થઈ હતી, જેના કારણે બંને ટીમોમાં ચિંતાનો માહોલ છે. લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસે, ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને ભારતના વાઈસ-કેપ્ટન રિષભ પંતને ઈજા થઈ હતી. હવે આ બંનેની ઈજા અંગે અપડેટ આવ્યું છે. ચાલો જાણીએ કે આ બંને સ્ટાર્સ બીજા દિવસે રમતમાં પાછા ફરશે કે નહીં?
સ્ટોક્સ અને પંતની ઈજા અંગે અપડેટ
ઈંગ્લેન્ડ અને ભારત બંને આશા રાખી રહ્યા છે કે લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે બેન સ્ટોક્સ અને રિષભ પંતને થયેલી ઈજા ગંભીર ન હોય અને તેઓ આ મહત્ત્વપૂર્ણ મેચમાં રમવાનું ચાલુ રાખી શકશે.
ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સને પહેલા દિવસે બેટિંગ કરતી વખતે ગ્રોઈન ઈંજરી થઈ હતી. મેદાન પર તેની સારવાર કરવામાં આવી હતી. ભૂતપૂર્વ કેપ્ટન જો રૂટ સાથે ક્રીઝ પર હતો ત્યારે તે વિકેટો વચ્ચે લંગડાતો જોવા મળ્યો હતો.
પહેલા દિવસના રમતના અંતે સ્ટોક્સ 39 રન પર અણનમ હતો, જ્યારે રૂટ 99 રન પર બેટિંગ કરી રહ્યો હતો અને ઈંગ્લેન્ડ 251/4 પર હતું. મેચ પછી, સ્ટોક્સના સાથી ઓલી પોપને આશા છે કે તેના કેપ્ટનની ઈજા ગંભીર નથી અને શુક્રવારે રમત ફરી શરૂ થાય ત્યારે તે બેટિંગ ચાલુ રાખી શકશે.
પોપે પહેલા દિવસ પછી સ્ટોક્સ વિશે કહ્યું, "આશા છે કે તે કોઈ જાદુ બતાવશે અને મજબૂત રીતે પાછો આવશે. મેં તેને ત્યારથી જોયો નથી, તેથી આશા છે કે કંઈ ખાસ ગંભીર નથી. પરંતુ દેખીતી રીતે આગામી ચાર દિવસમાં આપણી પાસે એક મોટી ટેસ્ટ છે અને ઓલ્ડ ટ્રેફોર્ડ અને ધ ઓવલ ખાતે બે મોટી મેચ આવી રહી છે, તેથી તેને સંભાળવું મહત્ત્વપૂર્ણ છે."
પંતને આંગળીમાં ઈજા થઈ
ભારત પણ તેના વાઈસ-કપ્તાન રિષભ પંતની ઈજાથી ચિંતિત છે, જે લોર્ડ્સ ટેસ્ટના પહેલા દિવસની રમત વચ્ચે મેદાન છોડીને ચાલ્યો ગયો હતો. જસપ્રીત બુમરાહના લેગ સાઈડ પર આવેલા એક ખરાબ બોલને રોકવાનો પ્રયાસ કરતી વખતે તેને આંગળીમાં ઈજા થઈ હતી.
જોકે શરૂઆતમાં આ ઘટના ખૂબ જ નાની લાગતી હતી, પંરતુ પછી પંતને સારવાર બાદ મેદાન છોડવું પડ્યું અને બાકીના દિવસની રમત માટે બેક-અપ વિકેટકીપર ધ્રુવ જુરેલને તેની જગ્યાએ લેવામાં આવ્યો.
પંતની ઈજા અંગે, નીતિશ કુમાર રેડ્ડીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે શુક્રવારે સવારે વધુ અપડેટ આપવામાં આવશે. રેડ્ડીએ કહ્યું, "સાચું કહું તો, હું હમણાં જ મેદાનમાંથી આવ્યો છું અને મને તેના વિશે કંઈ ખબર નથી. મેં કંઈ સાંભળ્યું નથી, પરંતુ કાલે સવારે મેદાન પર જતા પહેલા અમને વધુ માહિતી મળશે."
ત્રીજી ટેસ્ટનો પહેલો દિવસ કેવો રહ્યો
પહેલા બેટિંગ કરવા આવેલ ઈંગ્લેન્ડને ઝેક ક્રોલી અને બેન ડકેટ તરફથી સારી શરૂઆત મળી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 43 રનની પાર્ટનરશિપ થઈ. બેન ડકેટ 40 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો. ઝેક 43 બોલમાં ફક્ત 18 રન જ બનાવી શક્યો હતો.
ઓલી પોપે 104 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી. રૂટ અને પોપ વચ્ચે ત્રીજી વિકેટ માટે 211 બોલમાં 109 રનની પાર્ટનરશિપ થઈ હતી. જો રૂટ અને બેન સ્ટોક્સ ક્રીઝ પર હાજર છે.