
- વિસ્મય ઠાકર
'ગાવ: પ્રતિષ્ઠા સચરાચરસ્ય' - ગાય ચરાચર વિશ્વના આધારરૂપ છે. વિસંગતી એ છે કે, આજ ગાય ગંદવાડ, પ્લાસ્ટિક જેવો કચરો ખાઈ-ખાઈને અનેક રોગોનો ભોગ બને છે, રસ્તા પર બેફામ ચાલતાં વાહનો સાથે અથડાઈ મૃત્યુને ભેટે છે. પણ આજે મૃત્યુલોકમાં દૂધરૂપી અમૃતકુંભ લઈ ફરતી આ ગાયોની ઉપજો થકી થતાં ઉપચારો વિષે વાત કરવી છે.
(૧) ગાયનું દૂધ :
'ક્ષીરાત્પરં નાસ્તિ ચ જીવનીયમ્' - (દૂધ જેવો જીવનદાતા બીજો કોઈ પદાર્થ નથી.) ગાયના દૂધમાં ચારથી પાંચ ટકા કેસિન અને મિથિઓનીન નામના પ્રોટિન રહેલાં છે જે શરીરની પેશીઓના બંધારણ માટે ખૂબ જરૂરી છે. તેમાં ચરબી, કાર્બોહાયડ્રેટ, કેલ્શિયમ, પોટેશિયમ, સાઇટ્રિક એસિડ ઉપરાંત વિટામીન ‘A’, ‘B1’, ‘B2’, ‘C’ અને ‘D’ પણ સારા એવા પ્રમાણમાં છે. આમ પોષણની દ્રષ્ટિએ એનું મૂલ્ય ઘણું ઊંચું આંકવામાં આવે છે.
- જ્યારે દૂધનું દોહન થાય ત્યારે આંચળમાંથી છૂટતી ધાર ઉષ્ણ હોવાથી એને ધારોષ્ણ કહેવાય. આવું તાજું દોહેલું, હુંફાળુ દૂધ સાકર ઉમેરી સેવન કરવાથી બળ, બુદ્ધિ અને વીર્યની વૃદ્ધિ થઈ યૌવન સ્થિર થાય છે.
- જે બાળકોને કોઈપણ કારણોસર માતાનું ધાવણ અનુકૂળ ન આવતું હોય, ખૂબ પરિશ્રમ કરી થાકી જતાં માણસો માટે અને ઘડપણમાં અશક્તિ અનુભવતા વૃધ્ધો માટે એ આશીર્વાદરૂપ છે. વિશેષ કરીને નિસ્તેજતા, વ્યગ્રતા, ચિંતા અને ભય જેવી મનની વિક્ષિપ્ત અવસ્થાઓમાં આવા દૂધનું સેવન હિતકારી છે.
- આધાશીશી (Migraine) પર ગાયના દૂધનો માવો ગરમ કરી ખાવો.
- વજન વધતું ન હોય તો દૂધમાં ઘી અને સાકર મેળવી લેવું.
- વીર્યજંતુની અલ્પતા, જીર્ણતાવ, હાડકું ભાંગ્યું હોય અને સંધાતુ ન હોય, હૃદયની કમજોરી, રક્તઅલ્પતા (Anaemia), દમ (Asthma) અને રક્તપિત્ત જેવા અગણિત રોગોમાં ગાયનું દૂધ ઉત્તમ પરિણામ લાવી શકે છે.
(૨) મલાઈ :
- હળદર મેળવી ચહેરા પર માલિશ કરવાથી ત્વચાનું તેજ વધે છે.
- પગના વાઢિયા પર ફટકડી મેળવી માલિશ કરવાથી રાહત થાય છે.
(૩) દહીં :
- જૂનો મરડો, વારંવાર થતાં ઝાડા, વનસ્પતિજન્ય વિષની અસરમાં જૂના ચોખાનો ભાત અને દહીં લેવા.
- દહીંનું નીતરેલું પાણી ભોજન પહેલાં લેવાથી ભૂખ ઉઘડે.
(૪) છાશ :
- મસા (Piles), હરસ (Fissure), ભગંદર (Fistula), કમળો, મરડો, ઝાડા, શરીર પર થતી ગાંઠો-રસોળી, કોઢ (સફેદ દાગ), પેટના કૃમિ જેવાં રોગો પર પાતળી મોળી છાશનું સેવન કરવાથી ફાયદો થાય છે.
- લીંડી પીપર, સંચળ અને સાકર મેળવી પીધેલી છાશ કફનો નાશ કરે છે અને રક્ત શુદ્ધ કરે છે.
- શેકેલું જીરૂ, સંચળ અને સાકર મેળવી પીધેલી છાશ ખોરાકનું પાચન કરી મનને પ્રસન્ન કરે છે. આવી છાશને સંતાપ હણનારી પણ કહી છે.
- વજન વધતું હોય (મેદાધિકય) તો એક ટંક ભોજનને બદલે મરી, લીંડીપીપર સંચળ, સાકર અને ફુદિનો મેળવેલી છાશ લેવી - (પંદર દિવસ).
(૫) માખણ :
- ક્ષય (TB) ના રોગ માટે શ્રેષ્ઠ.
- ઝીણો તાવ, એકાંતરિયો તાવ અને શરીરના ધગારામાં સાકર મેળવેલાં તાજા માખણનું સેવન કરવું.
- કબજિયાત રહેતી હોય તો ભોજન સાથે માખણનો ઉપયોગ કરવો.
(૬) ઘી :
- આધાશીશી, અપસ્માર (JtE)માં નસ્ય કરવું.
- નબળી દ્રષ્ટિ અને આંખના રોગોમાં પગના તળિયે ઘસવું.
- દારૂ પીધા પછી મદ ચઢ્યો હોય તો સાકર મેળવી ખાવું.
- ગર્ભિણી સ્ત્રીઓને રક્તસ્રાવ થતો હોય તો વાટ કરી યોનીમાં મૂકવું.
(૭) ગૌમૂત્ર :
- ચામડીના વિકાર જેવા કે ખરજવું, શીળસ, સોરિયાસીસ, ખંજવાળ, કોઢ પર લગાવવું.
(૮) છાણ (અડાયુ) :
- ગુદભ્રંશ (Prolapse of Anus) જેમાં હાજત જવાની જગ્યાનો માર્ગ પોતાના સ્થાનેથી ખસી બહાર આવી જતો હોય એમાં ગાયના છાણાનો શેક લેવો.
- એલર્જીજન્ય ખંજવાળ પર ગાયના છાણાની રાખ ગૌમૂત્રમાં વાટી લેપ કરવાથી તાત્કાલિક રાહત થાય છે.
- રાખની પોટલી અનાજમાં રાખવાથી અનાજ સડતું નથી.