Home / : Beware! This 'slight' can even lead to your undoing!

Ravi Purti: સાવધાન! આ 'સહેજ' તમારું સત્યાનાશ પણ વાળી શકે!

Ravi Purti: સાવધાન! આ 'સહેજ' તમારું સત્યાનાશ પણ વાળી શકે!

- જાણ્યું છતાં અજાણ્યું

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- 'સહેજ' આપણા વ્યક્તિત્વને કે અસ્તિત્વને ખળભળાવી મૂકે છે. એની પ્રતિક્રિયા રૂપે અણગમો, ગુસ્સો કે હત્યા જેવા ભાવો પણ જાગતા હોય છે

'સહેજ' એવો શબ્દ છે કે જેનો સ્પર્શ થતાં જ માનવી એની સહજતા ગુમાવી બેસે છે, ક્વચિત્ તો એના સમગ્ર જીવનનું સત્યાનાશ પણ વાળી શકે છે. કોઈ વ્યક્તિનો ચાલતાં સહેજ ધક્કો લાગે, તો સામેની વ્યક્તિ કેવો ગુસ્સો ભરાય છે. કોઈને 'સહેજ' અણગમતું બને, તો એ વ્યક્તિ તમારી સામે જીવનભર અણગમો કે વેર-ભાવ ધરાવે છે. આપણા જીવનનો સ્થિર પાણીમાં સહેજની એક નાનકડી કાંકરી પડતાં કેટલાં બધાં વમળ અને વર્તુળો સર્જાય છે! સહેજ નાની વાત બની હોય અને વ્યક્તિ જો પોતાની જાત પર અંકુશ ન રાખે, તો એ નાની વાતને મોટું સ્વરૂપ લેતાં વાર લાગતી નથી.

આપણે ત્યાં તો એક જમાનામાં સહેજ નાની વાતને મોટી કરવાની સાસુઓની પાસે ભારે કુશળતા હતી. બસ, વહુનું એક સહેજ નાનું વાક્ય મળે અને પછી એનાથી આખાય સંસારમાં આગ ચાંપે. મારે (કુમારપાળ દેસાઇએ) આ સહેજની વાત એ માટે કરવી છે કે એ આપણા અસ્તિત્વમાં પ્રવેશે છે, ત્યારે આખુંય અસ્તિત્વ ખળભળાવી મૂકે છે. નાની અમથી વાત ઘણું મોટું સ્વરૂપ ધારણ કરે છે. આજે તો આવી 'સહેજ' બનેલી ઘટનાઓનું કેવાં કેવાં ગંભીર પરિણામોમાં રૂપાંતર થાય છે. તમે પાર્ક કરેલી મોટરની આગળ કોઈએ મોટર રાખી હોય કે પછી કોઈએ રીક્ષાના ભાડાની બાબતમાં સહેજ વાંધો ઉઠાવ્યો હોય અથવા તો કોઈએ તમને સહેજ કડવા શબ્દો કે અપશબ્દો કહ્યા હોય, તે સમયે તમારા મનમાં કેવો ગુસ્સાભર્યો વાવંટોળ જાગે છે.

આવું બને છે કેમ ? હકીકતમાં તમારા શાંત યા સ્થિર અસ્તિત્વને આ 'સહેજ'ની ઘટના ખળભળાવી મૂકે છે. માણસ પોતાની જાત વિશે કેટલીક ધારણાઓ લઈને જીવતો હોય છે. એના માથા પર અહંકાર પલાંઠી વાળીને બેઠો હોય છે અને મગજમાં વિશ્વવિજેતા હોય એવો રૂઆબ ધરાવતો હોય છે. આમ દરેક વ્યક્તિનું અસ્તિત્વ સ્થિર જળની માફક હોય છે. એ સ્થિર જળમાં આ 'સહેજ'ની કાંકરી પડે એટલે તોફાન તો જાગવાનું જ.

ભગવાન મહાવીર સ્વામી દક્ષિણ વાચાલાથી ઉત્તર વાચાલાના માર્ગે જઈ રહ્યા હતા, ત્યારે કનકખલ આશ્રમમાંથી પસાર થતા માર્ગ પર ચંડકૌશિક નામના દ્રષ્ટિવિષ સર્પનો ભારે ઉપદ્રવ હતો. જેણે આ માર્ગને નિર્જન અને ભયાવહ બનાવી દીધો હતો. દ્રષ્ટિવિષ એટલે જેની દ્રષ્ટિમાં ઝેર હોય! યોગી મહાવીર એ માર્ગેથી પસાર થતા હતા. કાયોત્સર્ગ ધ્યાનમાં લીન હતા. એમના મનમાં પ્રેમનો મહાસાગર હિલોળા લેતો હતો, ત્યારે ચંડકૌશિક સર્પને લાગ્યું કે, એના રાજ્યમાં કોઈએ સહેજ પ્રવેશ કર્યો છે. પોતાના રાજ્યમાં આવી સહેજ ડખલ થાય, એ એનાથી કઈ રીતે સહન થાય? અને એથી એણે ભયંકર ફૂંફાડો માર્યો. દ્રષ્ટિવિષ સર્પ હોવાથી આસપાસ વિષયુક્ત લહેરો ફેલાઈ ગઈ. ઊડતા પતંગિયાં પળવારમાં ઢગલો થઈને પડયાં. આ સહેજ સિદ્ધ ન થાય, ત્યારે શું થાય? ચંડકૌશિકનો ક્રોધ વધુ પ્રચંડ બન્યો અને એણે ભગવાન મહાવીરના અંગૂઠા પર દંશ દીધો.

આપણા જીવનમાં પણ કોઈ સહેજ ખલેલ પહોંચાડે એટલે પરિસ્થિતિ કેવી બદલાઈ જાય છે! આ 'સહેજ' આપણી સાહજિકતા ગુમાવી દે છે અને વ્યક્તિ અસ્વાભાવિક વર્તન કરવા લાગે છે. દુર્યોધન હસ્તિનાપુરના રાજમહેલમાં આવતો હતો. મહેલનો એક દરવાજો લાકડાનો હતો, પણ એની સામે એક અરીસો હતો. દુર્યોધન એ અરીસાને દરવાજો માનીને અંદર પ્રવેશવા ગયો ત્યારે એનું માથું અરીસા સાથે ભટકાયું. આ જોઈને દ્રૌપદીએ એક વાક્ય કહ્યું, 'આંધળાનાં દીકરા આંધળા જ હોય.'

આ વાક્ય આમ તો સહેજમાં બોલાઈ ગયું, પણ એણે કૌરવ અને પાંડવ વચ્ચે યુદ્ધ સળગાવ્યું, દુર્યોધનને લાગ્યું કે દ્રૌપદીએ મારું નહીં, પણ મારાં માતા-પિતાનું અપમાન કર્યું છે. મારા પિતા ધૃતરાષ્ટ્ર અને માતા ગાંધારી બંને જોઈ શકતાં નથી, એથી એણે આવો આક્ષેપ કર્યો છે. આમ એક વાક્યએ આખું મહાભારત સર્જ્યું.

આથી જીવનમાં સહેજની બાબતમાં સાવધાની રાખવી જોઈએ અને એ સાવધાની રાખવાનો ઉપાય એ છે કે સહેજ બનેલી બાબતનો સહજ સ્વીકાર કરી લેવો જોઈએ. સહેજ અણગમતી ઘટના બને અને આપણે ઉશ્કેરાઈ જઈએ છીએ અને બદલે એ અણગમતી ઘટનાને સાહજિક રીતે સ્વીકારી લેવી જોઈએ.

અબ્રાહમ લિંકનની પત્ની ઘણી ઝઘડાળુ હતી, પણ અબ્રાહમ લિંકને એની સાથે ઝઘડો કરવાને બદલે એની પ્રકૃતિનો સ્વીકાર કરી લીધો. સ્વીકારવાથી સંસારના ઘણા પ્રશ્નો આપોઆપ ઉકલી જાય છે. એક વાર ભગવાન બુદ્ધના વિરોધીઓએ એમને ભોજન માટે આમંત્રણ આપ્યું. વિરોધીઓનો ઈરાદો એવો હતો કે ભગવાન બુદ્ધની નિંદા કરવી, પછી બૂમ-બરાડા પાડવા, અપશબ્દોનો વરસાદ વરસાવવો અને છેલ્લે ગુસ્સે ભરાઈને જેટલી ગાળો આપવી હોય એટલી ગાળો આપી દેવી.

આ સમયે ભગવાન બુદ્ધ શાંતિથી મૌન રહ્યા. વિરોધીનાં વચનો સાંભળતા રહ્યા, પણ એમના ચહેરાની એક રેખા પણ બદલાઈ નહીં. વિરોધીએ બધો જ ગુસ્સો ઠાલવ્યો. એ થાકીને થોડો શાંત પડયો ત્યારે ભગવાન બુદ્ધે એને પ્રશ્ન કર્યો, 'ભાઈ, તમારે ત્યાં મહેમાન આવે છે ખરા?'

વિરોધીએ કહ્યું, 'જરૂર. કેમ ન આવે? રોજેરોજ મહેમાન આવે છે. આ તમે જ આવ્યા છો ને !'

'મહેમાન માટે તમે ભોજન બનાવો છો ને!'

વિરોધીએ કહ્યું, 'આતિથ્ય તો અમારું જ. અતિથિને ઉત્તમ પ્રકારનું ભોજન કરાવું છું.'

'પણ ધારો કે આવનારા મહેમાન આવે જ નહીં તો તમે શું કરો?'

વિરોધીએ કહ્યું, 'બીજું શું, એમનું ભોજન હું પોતે જમી લઉં.'

બુદ્ધે કહ્યું, 'ખેર! તમે મને ભોજન માટે નિમંત્રણ આપ્યું અને કઠોર વચનો તથા મારી ટીકાઓ કરીને મારું સ્વાગત કર્યું. મને લાગે છે કે તમે મને આ જ ભોજન પીરસવા માગતા હતા, પરંતુ હું તમારું એ ભોજન ગ્રહણ કરવા માટે હું તૈયાર નથી, માટે કૃપા કરીને એને પાછું લઈ લો અને તમે ખાઈ જાઓ.'

ભગવાન બુદ્ધને ખ્યાલ આવી ગયો હતો કે ભોજન માટે નિમંત્રણ આપવાનો ઈરાદો એમને ગાળો આપવાનો જ હતો. જુઓ, અહીં એમણે વિરોધીનો તિરસ્કાર કરવાને બદલે અથવા તો એને અપશબ્દો કહેવાને બદલે એનાં નિંદા અને અપશબ્દો ભરેલાં વચનોનો અસ્વીકાર કર્યો અને પોતાના સ્થાન પર ચાલ્યા ગયા.

આમ 'સહેજ' આપણા વ્યક્તિત્વને કે આપણા અસ્તિત્વને ખળભળાવી મૂકે છે. એની પ્રતિક્રિયા રૂપે અણગમો, ગુસ્સો કે હત્યા જેવા ભાવો પણ જાગતા હોય છે. માનવી જો આ 'સહેજ'ને સમજીને સરળતાથી સ્વીકારી લે, તો એના જીવનને ડહોળી નાખનારી ઘણી બાબતોથી એ ઉગરી જાય છે.

વર્તમાન યુગમાં તો માણસ એક અર્થમાં કહીએ તો ભડકો બની ગયો છે. સહેજ કંઈ થાય અને એના ક્રોધનો જ્વાળામુખી ફાટી નીકળે. સહેજ કોઈ કટુવચન કહે અને એ પાંચમા માળેથી પડીને આત્મહત્યા કરે, સહેજ કોઈ ગેઈમ ખેલવા માટે પૈસા આપે નહીં તો એ ચોરી કરતા કે સામેની વ્યક્તિને મારી નાખતા પણ અચકાતો નથી. આથી સહેજના સહજ સ્વીકારનું સામર્થ્ય કેળવવાની જરૂર છે.

એક વ્યક્તિએ મહાન સંશોધક અને ૧૦૯૩ જેટલાં નવાં સંશોધનની પેટન્ટ મેળવનાર થોમસ આલ્વા એડિસનને વાત-વાતમાં સહેજ કહ્યું કે, 'તમે વિશ્વપ્રસિદ્ધ છો, પરંતુ તમારી શ્રવણશક્તિ મંદ છે. તમને કોઈ બહેરા કહેતું હશે ખરું ને? તમે ભગવાનને આની ફરિયાદ કરો છો?'

થોમસ આલ્વા એડિસને આપેલા ઉત્તરમાં એક મોટો જીવનસંદેશ મળે છે. એ કહે છે કે, 'હું ભગવાનને ફરિયાદ નથી કરતો, પણ ધન્યવાદ આપું છું. શ્રવણશક્તિના અભાવે દુન્યવી વાતો ઘણી ઓછી સાંભળવા મળે છે અને તેથી હું મારા ભીતરની વાત સાંભળીને આ સઘળાં સંશોધનો કરી રહ્યો છું.'

આમ 'સહેજ'ને જો સમજીએ નહીં, તો સત્યાનાશ વાળે અને જો સામે ચાલીને સ્વીકારીએ તો આપણા જીવનને ઉજળું બનાવે.

- મુનીન્દ્ર

Related News

Icon