
Bharuch News: ભરૂચ જિલ્લાના 56 ગામોમાં રૂપિયા 7.30 કરોડનું મનરેગા કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારીએ મનરેગા યોજનામાં વિવિધ ગામડાઓમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ભરૂચ પોલીસે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ગીર સોમનાથથી અટકાયત કરી છે. અને હાલ તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ભરૂચ જિલ્લાના 56 ગામોમાં મનરેગા કૌભાંડ
ભરૂચ ખાતે મદદનીશ પ્રાયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા પ્રતિક ઉદેસિંહ ચૌધરીએ મનરેગા યોજનામાં આમોદ, જંબુસર, હાંસોટમાં કરોડોનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં જલારામ એન્ટરપ્રાઈઝ એજન્સી(પિયુષભાઇ નુકાણી), મુરલીધર એન્ટરપ્રાઈઝ (જોધાભાઇ સભાડ) અને કરાર આધારિત આઉટસોર્સ કર્મચારી સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ મામલે AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસના નેતા હીરા જોટવા પર આદિવાસી વિસ્તારમાંથી 'મનરેગા કૌભાંડ' હેઠળ 400 કરોડ રૂપિયા ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.
હીરા જોટવા કોણ છે?
હીરા જોટવા વર્ષ 2022માં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જૂનાગઢથી મેદાન ઉતર્યા હતા. તેમણે બીએ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ 1991થી 2004 સુધી સુપાસી ગામના સરપંચ તરીકે રહ્યા હતા. આ દરમિયાન તેમણે 1995થી વર્ષ 2000 સુધી વેરાવળ યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકેની પણ કામગીરી સંભાળી હતી. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે વર્ષ 2000થી 2005 સુધી રહ્યા અને વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે 2006થી વર્ષ 2013 સુધી રહ્યા હતા. આ સિવાય તેમણે 2019થી 2023 સુધી પ્રદેશ કોંગ્રેસના મહામંત્રીની જવાબદારી સંભાળી હતી. 2022માં કેશોદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. હાલ તેઓ પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી બજાવી રહ્યા છે. હીરા જોટવા ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા છે.