- 'આઉટસાઇડરને કોને એપ્રોચ કરવો, મળવું કે કામ માગવું એની ગતાગમ નથી હોતી. ક્યાં જઈને ઓડિશન આપવું તે પણ તેઓ જાણતા હોતા નથી'
પ્રતીક ગાંધી એક અનોખો એક્ટર અને વ્યક્તિ છે. આખી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જ્યારે ફિલ્મોના નબળા બોક્સ ઓફિસ બિઝનેસથી ઊંડી ચિંતામાં છે ત્યારે પ્રતીક આ મામલે ખાસ્સા નિશ્ચિંત છે. ખાસ કરીને એ સંજોગોમાં જ્યારે એમની લેટેસ્ટ રિલીઝ 'ફુલે'નું કલેક્શન જરાય સંતોષકારક નથી, ત્યારે. બોલિવુડની હાલની મંદીને એક અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ જોતાં પ્રતીક ગાંધી કહે છે, 'કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં પીછેહઠનો આવો તબક્કો આવવાનો જ, પરંતુ પછી કાંઈક નવું બને અને પરિસ્થિતિમાં સારો બદલાવ આવે. બધું સેટલ થઈ જાય અને ફરી પાછો નવેસરથી મંદીનો તબક્કો આવે. આ એક સાઇકલ જેવું ચક્ર છે, જે આવતું રહે અને જતું પણ રહે. આવું સતત ચાલ્યા જ કરે છે. હું આને આવી રહેલા અનિવાર્ય ફેઝ તરીકે જોઉં છું.'

