ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવની વચ્ચે વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં તાજેતરની સ્થિતિ અંગે માહિતી આપી. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે પાકિસ્તાને ભારતીય સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, પરંતુ ભારતીય સેનાએ તેમના ઇરાદાઓને નિષ્ફળ કર્યા છે. પાકિસ્તાની સેનાએ પશ્ચિમી મોરચે આક્રમક પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે અને લડાકૂ વિમાનોનો ઉપયોગ કર્યો છે. પાકિસ્તાને હવાઈ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો અને ઉધમપુર, ભુજ, બઠિંડા, પઠાણકોટ સહિત 5 સ્થળોએ સંસાધનોને નુકસાન પહોંચાડ્યું. પાકિસ્તાની સેનાએ શ્રીનગર અને અવંતીપુરામાં આવેલા હોસ્પિટલ અને શાળાને નિશાન બનાવી. કર્નલ સોફિયાએ વધુમાં કહ્યું કે ભારત તણાવ નથી ઇચ્છતું, પરંતુ પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક કાર્યવાહીઓ થઈ રહી છે.
પાકિસ્તાન સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે અને હુમલા માટે હાઈ-સ્પીડ મિસાઈલનો ઉપયોગ કર્યો છે. તેઓ સતત ઉશ્કેરણીનું કામ કરી રહ્યા છે. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે પાકિસ્તાની સેના પોતાને બચાવવા માટે પોતાના નાગરિકોને ઢાલ તરીકે ઉપયોગ કરી રહી છે. પાકિસ્તાન સતત ડ્રોનનો ઉપયોગ કરીને સરહદી વિસ્તારોમાં હુમલા કરી રહ્યું છે. જોકે, ભારતીય સેના પાકિસ્તાનના દરેક પ્રયાસને નિષ્ફળ કરવામાં સફળ રહી છે.
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીનું નિવેદન
વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ કહ્યું, "છેલ્લી બે-ત્રણ બ્રીફિંગમાં અમે સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન તરફથી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ થઈ રહી છે. ભારતે પાકિસ્તાનને મજબૂત જવાબ આપ્યો છે." છેલ્લા 2-3 દિવસથી પાકિસ્તાનની પ્રવૃત્તિઓ ઉશ્કેરણીજનક જોવા મળી છે. તેના જવાબમાં ભારત જવાબદારીપૂર્વક પ્રતિક્રિયા આપી રહ્યું છે. ભારતીય સેના પાકિસ્તાનને કડક જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેના આગળના વિસ્તારોમાં પોતાની ટુકડીઓ મોકલી રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના રહીમ યાર ખાનમાં પાકિસ્તાની સેનાની સંપત્તિઓને નિશાન બનાવી છે.

