Home / Business : Like Pakistan there are possibilities of import-export bans against Turkey as well

Business Plus: પાકિસ્તાનની જેમ તુર્કી સામે પણ આયાત-નિકાસ પ્રતિબંધની શક્યતાઓ

Business Plus: પાકિસ્તાનની જેમ તુર્કી સામે પણ આયાત-નિકાસ પ્રતિબંધની શક્યતાઓ

- કોમોડિટી કરંટ

- ચાલુ વર્ષે તુર્કીમાં 100 થી 150 કન્ટેઈનર ભારતીય જીરાની નિકાસ

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવ દરમ્યાન આજકાલ તુર્કીનો ઇસ્યૂ સમગ્ર દેશમાં ટોક ઓફ કન્ટ્રી બની ગયો છે. એગ્રી કોમોડિટી સેક્ટરમાં તુર્કી એ જીરાનો હરિફ દેશ છે. વર્ષોથી તુર્કી, સિરીયા, ઇરાન જેવા દેશોમાં જીરાની ખેતી મોટે પાયે છે. તુર્કીમાં મોટે ભાગે પેસ્ટીસાઈડ વગર જીરાની ખેતી થતી હોવાથી તેની ડિમાન્ડ ખાસ કરીને યુરોપ, અમેરિકા જેવા દેશોમાં વધુ રહેતી હોય છે. તુર્કી-સિરીયા પાડોશી દેશોમાં એકંદરે વર્ષે દહાડે ૪૦ થી ૫૦ હજાર ટન એટલે કે ૧૦ થી ૧૨ લાખ બોરી જેટલું જીરાનું ઉત્પાદન થતું હોવાના અહેવાલો ચર્ચાસ્પદ છે. જો કે આ વર્ષે ઉપરોક્ત દેશોમાં વરસાદના અભાવે પાણીનો ઇસ્યુ વધુ હોવાથી જીરાનો પાક ફેઈલ હોવાના અહેવાલો છે. જેના લીધે તુર્કી-સિરિયાના વેપારીઓએ ભારતીય જીરાના લગભગ ૧૦૦થી ૧૫૦ જેટલા કન્ટેઈનર જેટલો માલની ખરીદી કરી હોવાની ચર્ચા છે. ભારતીય જીરામાં પેસ્ટીસાઈડનું પ્રમાણ નોંધપાત્ર હોવાની ભૂતકાળ ઉકેલી ફરિયાદોને પગલે ભારતીય જીરાની નિકાસ ઉપર પણ અસર પડી રહી છે. જો કે જીરા જેવા પાકમાં પેસ્ટીસાઈડનું પ્રમાણ જીરાના વાવેતર સમયે ખેડૂતો દ્વારા આપવામાં આવતી રાસાયણિક દવાઓને કારણે હોવાની માન્યતા છે. જીરાની ઓર્ગેનિક ખેતી વધારવા માટે સવારે ખેડૂતોને સરકાર તરફથી પ્રોત્સાહિત કરવામાં આવે તેમજ પેસ્ટીસાઈડને બદલે કુદરતી કે હર્બલ જેવી દવાઓનો વિકલ્પ ખેડૂતોને આપવામાં આવે તો ઓર્ગેનિક જીરા ઉત્પાદન વધી શકે તેમ છે. પેસ્ટીસાઈડના ઇસ્યૂને કારણે તુર્કીના જીરાની માંગ ભારત કરતાં વધુ રહે છે. જીરાના વિદેશી વેપારમાં તુર્કી હંમેશાં ભારતથી હરિફાઈમાં આગળ રહે છે.

જોકે ભારત-તુર્કી વચ્ચે મસાલાનો વેપાર મર્યાદિત રહે છે. જીરા ઉપરાંત ધાણા, મરી જેવા કૃષિ પાકોનો પણ વેપાર સારા પ્રમાણમાં છે. આ ઉપરાંત ડ્રાયફ્રુટ, સફરજન, અંજીર, અનાર, ચેરી જેવી ઉત્પાદનોની આયાત પણ નોંધપાત્ર છે. તુર્કીથી આયાત થતા સફરજનનો વેપાર લગભગ એક કરોડ ડોલર એટલે કે ૮૩ થી ૮૪  કરોડની આસપાસનો છે. ભારતમાંથી ૨૦૨૩-૨૪ દરમ્યાન એન્જીનીયરીંગ સામાન, પેટ્રોલિયમ ઉત્પાદનો, ઇલેકટ્રોનિક સામાન, દવાઓ, રસાયણો મળીને સરેરાશ વર્ષે દહાડે ૫૬ થી ૫૭ હજાર કરોડ રૂપિયાનો માલસામાન તુર્કીમાં નિકાસ થાય છે. જો કે તુર્કીમાંથી પણ ખનીજ ઇંધણ, તેલ, નમક, પ્લાસ્ટિક સામગ્રી પ્રાકૃતિક મોતી તેમજ પશુ ઉત્પાદનોની મોટે પાયે આયાત થાય છે.

ભારત તુર્કી વચ્ચેના વેપાર ઉપર હાલના સંજોગોમાં ભારે તણાવગ્રસ્ત સ્થિતિ છે. તુર્કી દ્વારા પાકિસ્તાનને સમર્થન કરવામાં આવતાં ભારતીય વેપારીઓએ તુર્કી સાથે વેપારીક સંબંધો બંધ કરવાના મુડમાં છે. સાથે સાથે ભારત સરકારે કડક પગલાં લેવાનું શરૂ કરતાં તુર્કીના ભારતમાં ચાલતા વિવિધ પ્રોડક્ટસની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. દેશના પાંચ રાજ્યોમાં ચાલતા મેટ્રો, ટનલ નિર્માણના પ્રોજેક્ટ ઉપર પણ અસર પડી શકે છે. આજ સ્થિતિ રહે તો આગામી સમયમાં ભારત સરકાર તુર્કી સામે પણ આયાત નિકાસ ઉપર પાકિસ્તાનની જેમ પ્રતિબંધ લાદે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

દરમ્યાન રાજ્યના કૃષિ બજારોમાં હાલમાં ચાલતી લગ્નસરા તેમજ ગરમીની સીઝનના કારણે વેપારોમાં ભારે ચુસ્તી છે. જીરા બજારમાં લોકલ તથા વિદેશી ઘરાકીના અભાવે હાજર તથા વાયદા વેપાર મંદી તરફી છે. જોકે ખેડૂતોની જીરાની વેચવાલીનું પ્રમાણ વધતાં જીરાની આવકો ત્રીસેક હજાર બોરી આસપાસ ઊંચા બજારમાં છે. આવકો સામે ડિમાન્ડ નહિવત્ હોવાથી જીરા હાજરમાં સરેરાશ ભાવો પ્રતિ મણે ૪૨૦૦ રૂપિયા આસપાસ છે જ્યારે વાયદા-વેપારમાં પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૨૧૩૦૦ થી ૨૧૫૦૦ ની આસપાસ હોવાનું જયવદન ગાંધી જણાવે છે. જીરા ઉપરાંત તેલીબીયાં તથા દાળોની આવકોનું પ્રમાણ પણ કૃષિ બજારોમાં સતત તુટી રહ્યું છે. ધાણામાં વિદેશી પુછપરછ શરૂ થતાં વાયદામાં ૧૦૦ રૂપિયાના સુધારા સાથે વેપારોમાં ચમક જોવા મળી છે. એરંડામાં પણ લાંબા સમય બાદ હાજર કરતાં 
વાયદામાં ભાવો ઊંચા જતાં તેજી પકડાઈ રહી છે. બદલાવાળાની ખરીદી વધવાની શક્યતાઓને કારણે ખેડૂતોને ઊંચા ભાવો મળે તેવી આશા બંધાઈ છે.

Related News

Icon