
ભારત સહિત વિશ્વભરમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થયો છે. ભારતમાં પણ અનેક રાજ્યોમાં કેસોમાં વધારો થતાં ફરી લોકોની ચિંતા વધી ગઈ છે. સરકારી આંકડા મુજબ કોરોનાના નવા વેરિયન્ટે દેશની રાજધાની સહિત કુલ 11 રાજ્યોને ઝપેટમાં લીધા છે. ડેટા મુજબ દેશમાં નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં કુલ 257 કેસો સક્રિય છે.
અમદાવાદમાં પણ કોરોનાના નવા વેરિયન્ટના કેસ સામે આવી રહ્યા છે. આ સાથે જ કોરોનાની અમદાવાદમાં એન્ટ્રી થઈ છે. એક જ દિવસમાં અમદાવાદમાંથી કોરોનાના સાત કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં બે વર્ષની બાળકીથી લઈ ૭૨ વર્ષના વૃદ્ધ સુધી કોરોના સંક્રમિત થયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસ અંતર્ગત આજે(20 મે) શહેરના જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના કુલ 7 કેસ નોંધાયા છે. જેમાં વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારણપુરા અને બોપલ સામેલ છે. આ તમામ વિસ્તારોમાં એક-એક કેસ નોંધાયા છે. જેમાં પાંચ દર્દી 30 વર્ષથી નીચેની ઉંમરના છે. 2 વર્ષની બાળકીથી લઈ 72 વર્ષીય વૃદ્ધા કોરોના પોઝિટિવ આવ્યા છે.
દેશમાં કુલ 257 કોરોના કેસ, 2ના મોત
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ ડેશબોર્ડ પર 20 મે સુધીના દર્શાવેલા ડેટા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 257 સક્રિય કેસો છે અને તેમાં 164 કેસો નવા નોંધવામાં આવ્યા છે. નવા વેરિયન્ટની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. મુંબઈના કિંગ એડવર્ડ મેમોરિયલ હૉસ્પિટલમાં બે લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. એવું પણ કહેવાય છે કે, બંને લોકોના મોત પાછળ અન્ય કારણો કહેવાયા છે. મૃતકોમાં 59 વર્ષિય એક વ્યક્તિ કેન્સરથી પીડાતા હતા, જ્યારે મૃતક 14 વર્ષની કિશોરી પણ અન્ય સમસ્યાઓથી પીડાતી હોવાની માહિતી સામે આવી છે.