
સુરતમાં ઝેર મુક્ત ભારત જનજાગૃતિ નો કાર્યક્રમ અને ગાય આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપતો કાર્યક્રમ સુરતના મોટા વરાછા સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી સત્સંગી સભામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ગૌ પ્રેમીઓ પ્રાકૃતિક પ્રેમીઓ હાજર રહ્યા હતા. ભારતને ઝેર મુક્ત ભારત અને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તેવી નેમ સૌએ લીધી હતી.
પર્યાવરણ બચાવવા આહવાન
સુરતના મોટા વરાછા રાજહંસ ટાવર સામે આવેલ સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે સત્સંગી કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝેર મુક્ત ભારત જનજાગૃતિનો કાર્યક્રમ તારીખ 29 /6/ 2025 ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય વિવેક સ્વામી બગસરા તથા નિર્દોષ ચરણ દાસજી સ્વામી કોઠારી સ્વામિનારાયણ મંદિરની ઉપસ્થિતિમાં સુરતના નામાંકિત અગ્રણી ધનજીભાઈ અકાળા તથા મથુરભાઈ સવાણી તેમજ ગૌ પ્રેમી લાલજીભાઈ સાવલિયા અને પ્રાકૃતિક કૃષિના પ્રચારક રોહિતભાઈ ગોટીના પ્રેરણાત્મક પ્રબોધન તથા પ્રાકૃતિક કૃષિ અને ગૌ પ્રેમી એવા નરેન્દ્રભાઈ રીબડીયા એ ગાય બચાવો ધરતી બચાવો ના અભિયાનની સાથે ભારતને ઝેર મુક્ત કરી સમગ્ર જીવસૃષ્ટિને પર્યાવરણના રક્ષણ મારફતે તમામ તાકાત સાથે બચાવવાનું આહવાન કરાયું છે.
ઝેરમુક્ત ભારતનો સંકલ્પ
વિવેક સ્વામી અને ઓમરામ બાપુ લોંગિયા હાલમાં ગૌસેવા નું ભગીરથ કાર્ય કરે છે. ત્યારે તેમને પણ ઝેર મુક્ત ભારત અભિયાન અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું અને ઋષિ કૃષિની સંસ્કૃતિને બચાવવા રોગમુક્ત ભારતનું નિર્માણ કરવા ગામડે ગામડે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ અને જીવન બચાવો પર્યાવરણ બચાવોનું માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના તમામ ગૌ પ્રેમી પ્રકૃતિ પ્રેમી અને હરિભક્તોની વિશાળ માત્રામાં ઉપસ્થિતિ રહી હતી અને સૌએ ભારતને ઝેર મુક્ત ભારત બનાવવાનો સંકલ્પ સાકાર કર્યો હતો.