
શુક્રવારે રમાયેલી IPL 2025ની 25મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 8 વિકેટથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા, CSK ફક્ત 103 રન બનાવી શક્યું હતું. સુનીલ નરેને 3 વિકેટ લીધી હતી. આ સિવાય 18 બોલમાં 44 રનની ઝડપી ઈનિંગ રમી હતી. આ સિઝનમાં CSKની આ સતત પાંચમી હાર છે. IPLના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે CSK ચેપોકમાં સતત 3 મેચ હારી ગયું છે. આ CSKની ટાર્ગેટ ડીફેન્ડ કરતી વખતે સૌથી મોટી હાર સૌથી વધુ બોલ બાકી રહેવાના આધારે) પણ છે.
104 રનના નાના ટાર્ગેટને ચેઝ કરતા, ક્વિન્ટન ડી કોક અને સુનીલ નરેને પ્રથમ વિકેટ માટે 4 ઓવરમાં 46 રન બનાવ્યા હતા. ડી કોક 16 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 છગ્ગા ફટકાર્યા હતા. બીજી વિકેટ 8મી ઓવરમાં સુનીલ નરેનના રૂપમાં પડી, પરંતુ તે પહેલા તેણે પોતાનું કામ કરી લીધું હતું, તેણે 18 બોલમાં 44 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં નરેને 5 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા.
KKRની ઇનિંગમાં કુલ 10 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જ્યારે CSK એ તેની ઈનિંગમાં આટલા ચોગ્ગા પણ નહતા ફટકાર્યા. CSKની આખી ઈનિંગમાં ફક્ત 8 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા. KKR એ 59 બોલ બાકી રહેતા જીત મેળવી હતી. આ જીત સાથે, KKR પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાનેથી ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
ચેપોકમાં CSK એ સૌથી ઓછો સ્કોર બનાવ્યો
પ્રથમ બેટિંગ કરતા CSK ફક્ત 103 રન જ બનાવી શક્યું હતું. ટીમના સ્ટાર બેટ્સમેન સંપૂર્ણપણે ફ્લોપ ગયા. ચેપોક સ્ટેડિયમ ખાતે આ CSKનો IPLના ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર હતો. CSK એ 70 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી, જેમાં ડેવોન કોનવે (12) અને રચિન રવિન્દ્ર (4) નો સમાવેશ થાય છે.
આ પછી પણ, કોઈપણ જોડી મોટી પાર્ટનરશિપ ન કરી શકી. એમએસ ધોની 4 બોલમાં 1 રન બનાવીને આઉટ થયો હતો. ટીમની 9મી વિકેટ નૂર અહેમદના રૂપમાં 79 રન પર પડી, એવું લાગતું હતું કે ટીમ 100 રનનો આંકડો પાર નહીં કરી શકે પરંતુ શિવમ દુબેએ 31 રનની ઈનિંગ રમી અને ટીમનો સ્કોર 103 સુધી પહોંચાડ્યો હતો.
સુનીલ નારાયણ પ્લેયર ઓફ ધ મેચ બન્યો
44 રનની શાનદાર ઈનિંગ રમ્યા પહેલા, સુનીલ નરેને 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી હતી, તેણે જ ધોનીને LBW આઉટ કરાવ્યો હતો. નરેનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેના સિવાય હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ 2-2 વિકેટ લીધી અને વૈભવ અરોરાને 1 વિકેટ મળી હતી.