
સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીની સાથે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ત્યારે નેચરલ ડાયમંડ ઉદ્યોગમાં મંદી હોવાને કારણે શહેરનાં 80 ટકા કારખાનાંમાં લેબગ્રોનનું કટ એન્ડ પોલિશ્ડ થઈ રહ્યું છે. જો કે, તૈયાર લેબગ્રોનના ભાવ સતત ઘટી રહ્યા હોવાથી કારખાનાં ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. દરમિયાન શહેરના 500 વેપારીઓએ બેઠક યોજી તૈયાર લેબગ્રોનના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરવા નિર્ણય લીધો છે.
વટાવમાં 3 ટકાનો ઘટાડો
ગત દિવાળી દરમિયાન લેબગ્રોન હીરાની ખુબ જ ડિમાન્ડ રહી હતી. આ સમયગાળા દરમિયાન તૈયાર લેબગ્રોન હીરાના ભાવ પણ સ્થિર રહ્યા હતા, પરંતુ ત્યાર બાદ લેબગ્રોન હીરાનું ઓવર પ્રોડક્શન થઈ જતાં તેના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો હતો, જેથી બેઠક કરીને તૈયાર લેબગ્રોન હીરામાં ભાવ વધારો કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે. 10 એપ્રિલથી જ ભાવ વધારાનો અમલ શરૂ થઈ ગયો છે. વેપારીઓ વેચાણ રોકડેથી વેચાણ કરે તો ખરીદનાર વેપારી 7થી 8 ટકા સુધી સુધી વટાવ કાપતા હતા, જેથી વેપારીઓને નુકસાન થતું હતું. આમ, વેપારીઓ દ્વારા આ મીટિંગમાં વટાવ 4 ટકા સુધી જ આપવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.
લેબગ્રોનના ભાવમાં ઘટાડો
છેલ્લાં ઘણા સમયથી તૈયાર લેબગ્રોન હીરાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવતાં વેપારીઓ કર્મચારીઓને પુરતી મજૂરી આપી શકતા ન હતા. ઉપરાંત ચાઈનાથી આયાત થતી લેબગ્રોનની રફના ભાવમાં વધારો થયો હતો, જેથી હવે લેબગ્રોનના વેપારીઓએ ભાવ વધારો કરવાનો નિર્ણય લીધો છે.