
શનિવારે IPL 2025માં ડબલ હેડરની પહેલી મેચમાં, દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 25 રને હરાવ્યું હતું. આ મેચનો હીરો કેએલ રાહુલ હતો, જેણે 51 બોલમાં 77 રન બનાવ્યા હતા. બીજી મેચમાં, રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને 50 રનથી હરાવ્યું, જેમાં જોફ્રા આર્ચરે 3 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. આ બંને મેચમાં યજમાન ટીમનો પરાજય થયો હતો. દિલ્હી કેપિટલ્સની ટીમ હવે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર આવી ગઈ છે.
ચેન્નાઈ અને દિલ્હીની મેચ
ચેપોક ખાતે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 183 રન બનાવ્યા હતા. ટીમ તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 77 રનની ઈનિંગ રમી હતી. ટાર્ગેટ ચેઝ કરતી વખતે, ચેન્નાઈ સુપર કિંગ્સે 74 રનના સ્કોર પર 5 વિકેટ ગુમાવી દીધી હતી. જ્યારે ધોની ક્રીઝ પર આવ્યો ત્યારે CSKને 56 બોલમાં 110 રનની જરૂર હતી. વિજય શંકરે 54 બોલમાં 69 રન બનાવ્યા, એમએસ ધોનીએ 30 રન બનાવ્યા પરંતુ આ માટે 26 બોલ રમ્યા હતા. CSK 20 ઓવરમાં 158 રન જ બનાવી શકી હતી.
પંજાબ અને રાજસ્થાનની મેચ
બીજી મેચમાં, રાજસ્થાન રોયલ્સે પ્રથમ બેટિંગ કરતા 205 રન બનાવ્યા હતા. મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમમાં આ સૌથી વધુ IPL સ્કોર હતો. યશસ્વી જયસ્વાલે 67 અને રિયાન પરાગે અણનમ 43 રન બનાવ્યા હતા. ટાર્ગેટ ચેઝ કરતા, પંજાબ કિંગ્સે પહેલી જ ઓવરમાં તેની 2 વિકેટ (પ્રિયાંશ આર્ય અને શ્રેયસ અય્યર) ગુમાવી દીધી, જોફ્રા આર્ચરે આ વિકેટ લીધી હતી. નેહલ વાઢેરાએ સૌથી વધુ 62 રન બનાવ્યા, પરંતુ તે પૂરતા ન હતા. પંજાબ કિંગ્સ ફક્ત 155 રન બનાવી શક્યું અને રાજસ્થાન રોયલ્સે 50 રનથી મેચ જીતી લીધી. આ સિઝનમાં પંજાબ કિંગ્સની આ પહેલી હાર છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી
આ જીત સાથે, દિલ્હી કેપિટલ્સની ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. તેણે ત્રણેય મેચ જીતી છે, 6 પોઈન્ટ સાથે તેની નેટ રન રેટ (+1.257) પણ સારી છે. પંજાબ કિંગ્સે નંબર 1નો તાજ ગુમાવ્યો છે, ટીમ પ્રથમથી ચોથા સ્થાને આવી ગઈ છે. આ સિઝનમાં તેની પહેલી હાર છે. હાલમાં ટીમના 4 પોઈન્ટ છે અને તેની નેટ રન રેટ +0.074 છે.
રાજસ્થાનને ફાયદો થયો
રાજસ્થાન રોયલ્સે જીત મેળવીને પોઈન્ટ્સ ટેબલમાં છલાંગ મારી છે. ટીમ 9મા સ્થાનેથી 7મા સ્થાને પહોંચી ગઈ છે. આ તેની 4 મેચમાં બીજી જીત છે. જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 8મા સ્થાનેથી 9મા સ્થાને સરકી ગઈ છે. આ CSKની 4માંથી ત્રીજી હાર છે.