
કોફી વિશ્વમાં સૌથી વધુ પીવાતા પીણા પૈકી છે. ડાયાબીટીસ જેવી ગંભીર બીમારી પર તેની લાભકારી અથવા હાનિકારક અસરો કાયમ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. કેટલાક અભ્યાસો મુજબ કોફીનું પ્રમાણસર સેવન ટાઈપ ટુ ડાયાબીટીસનું જોખમ ઘટાડે છે જ્યારે કેટલાક અભ્યાસુઓના દાવા મુજબ ડાયાબીટીસ માટે કોફી જોખમકારક છે.
એક જટિલ પીણુ હોવાને કારણે કોફી ફેનોલ્સ, વિટામીન્સ અને ખનિજ જેવા તેના અસંખ્ય જૈવ સક્રિય સંયોજનો માટે વિખ્યાત છે જ્યારે તેના નકારાત્મક પાસા મુખ્યત્વે તેના વપરાશના પ્રમાણ સાથે સંબંધિત છે. આજના સમયમાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા વધુ હોવાથી ડાયાબીટીસ પર તેની અસર વિશે વ્યાપક ચર્ચા જરૂરી છે.
કોફી અને ટાઈપ ટુ ડાયાબીટીસ વચ્ચેનો સંબંધ
એક અભ્યાસ મુજબ દિવસના બેથી ઓછા કપના સેવનની સરખામણીએ ત્રણથી ચાર કપ કોફી પીવાથી ટાઈપ ટુ ડાયાબીટીસના જોખમમાં આશરે ૨૫ ટકાનો ઘટાડો થાય છે. ઉપરાંત દિવસ દરમ્યાન એક કપ વધુ કોફી પીવાથી ટાઈપ ટુ ડાયાબીટીસનું જોખમ ચાર વર્ષમાં ૧૧ ટકા ઘટી જાય છે જ્યારે આટલા જ સમયમાં એક કપ કોફી ઓછી પીનારમાં ડાયાબીટીસનું જોખમ ૧૭ ટકા વધી ગયું હતું. ડાયાબીટીસના જોખમમાં ઘટાડો કેફિનયુક્ત અને બિનકેફિન યુક્ત બંને પ્રકારની કોફી માટે લાગુ પડતો હતો. માત્ર થોડા તફાવતથી જોખમમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
ડાયાબીટીસ અને ગ્લુકોઝ ચયાપચય પર કોફીની યંત્રણા
કોફીમાં રહેલું ક્લોરોજેનીક એસિડ (સીજીએ) તરીકે ઓળખાતું મુખ્ય પોલીફેનોલ એક અસરકારક એન્ટીઓક્સીડન્ટ છે. એક અભ્યાસ મુજબ ક્લોરોજેનીક એસિડ કોષોની કાર્યવાહી અને વૃદ્ધિ માટે જરૂરી કોલેસ્ટેરોલ, કાર્બોહાઈડ્રેટ અને ફેટી એસિડને નિયંત્રિત કરવામાં સહાય કરતા એન્ઝાઈમ ૫'એએમપી-સક્રિય પ્રોટીન કિનાઝને ઉત્તેજિત કરીને હાડકાના સ્નાયુઓમાં ગ્લુકોઝનું પરિવહન કરે છે. કોફીમાં રહેલું સીજીએ શરીરમાં ગ્લુકોઝના સ્તર ઘટાડતા હોર્મોન્સ ઈનક્રેટીન્સનું ઉત્પાદન વધારે છે. ઉપરાંત તે લિવરમાં ગ્લુકોઝ હોમીયોસ્ટેસિસ જાળવવામાં સહાય કરે છે જે ગ્લુકોઝના સંગ્રહ માટે અતિ મહત્વનું અવયવ છે.
ઈન્સ્યુલિન સંવેદનશીલતા પર કોફીની અસર
લાંબા સમયથી રહેલો સોજો ડાયાબીટીસ અને ઈન્સ્યુલીન પ્રતિકારના મુખ્ય કારણ છે. અનેક નિરીક્ષાત્મક અભ્યાસમાં જણાયું છે કે કોફીનું સેવન સોજાની અસર ઓછી કરતા સોજા વિરોધી ઘટકોના ઊંચા સ્તરના સ્રાવ સાથે સંકળાયેલું છે અને તેથી તે ડાયાબીટીસ અને ઈન્સ્યુલીન પ્રતિકારનું જોખમ ઘટાડે છે.
ઈન્સ્યુલીન પ્રતિકારમાં ઘટાડો કરવામાં ફાળો આપતા અન્ય પરિબળોમાં કોફીની એન્ટીઓક્સીડેટીવ અસર પણ છે. કોફીમાં રહેલા સીજીએ, કેફેસ્ટોલ અને કાહવીઓલ જેવા અનેક ફેનોલીક અને નોન-ફેનોલીક ઘટકો કોફીની એન્ટીઓક્સીડેટીવ અસર માટે જવાબદાર હોય છે. કોફીની આ તમામ લાક્ષણિક્તાઓ ગ્લુકોઝના શોષણ, ગ્લુકોઝ હોમિયોસ્ટેસિસ પર નિયંત્રણ અને ઈન્સ્યુલીન સંવેદનશીલતામાં સહાય કરે છે જેના કારણે કોફી ટાઈપ ટુ ડાયાબીસીસનું જોખમ ઘટાડી શકે તેવી માન્યતા છે.
કોફી સાથે સંકળાયેલી આરોગ્ય સંબંધિત ચિંતાઓ
કોફીના આટલા લાભ છતાં વધુ પ્રમાણમાં સેવનના અનેક ગેરલાભ પણ છે. કોફીના વધુ સેવનથી હૃદયના ધબકારાના દર તાત્કાલિક અસરથી વધી જાય છે જેના કારણે આરોગ્ય નિષ્ણાંતો એરહીમયિાસના દર્દીઓને કેફિનયુક્ત પીણાથી દૂર રહેવાની સલાહ આપે છે. જો કે કેટલાક અભ્યાસોમાં એવું પણ જણાયું હતું કે કોફીનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરનાર દર્દીઓમાં કોઈ વધારાના લાભ નહોતા જણાયા. ઉપરાંત હૃદયના ધબકારા વધવાના કેસ મધ્યમ વયના સાત ટકા લોકોમાં જ જણાયા હતા અને તેનો કોફીના સેવનના પ્રમાણ સાથે કોઈ સંબંધ નહોતો. આથી હૃદય સંબંધિત કેસો માટે માત્ર કોફીને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી કારણ કે ધૂમ્રપાન, વય અને કોલેસ્ટેરોલના ઊંચા સ્તર પણ આવી સ્થિતિ માટે જવાબદાર હોઈ શકે.
લાંબા સમયથી કેફિનયુક્ત પીણા અથવા કોફીના વધુ પડતા સેવનથી અનિદ્રા, માથાનો દુ:ખાવો, ગર્ભાવસ્થા દરમ્યાન આઠથી વધુ કપ કોફી પીનાર મહિલાને મૃતબાળકનો જન્મ અને માતા તેમજ બાળક બંનેને એનિમિયાનું જોખમ રહેવાની માન્યતા છે. કોફીના પૂરતા લાભ મેળવવા તેના સેવનનું પ્રમાણ મર્યાદિત રાખવું જરૂરી છે. નોંધવું જરૂરી છે કે કોફીના પૂરતા લાભ તેનું દૂધ અને સાકર વિના સેવન કરવાથી જ વધુ મળે છે.
- ઉમેશ ઠક્કર