
- બુલિયન બિટ્સ
- વૈશ્વિક સોનામાં સેફ-હેવન બાઈંગ વધતાં સોનું 3400 ડોલર પાર કરતાં 3500 ડોલર પર મીટ મંડાઈ
દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહમાં સોનાના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાતાં નવી ઊંચી ટોચ દેખાઈ હતી. ચાંદીમાં પણ બેતરફી વધઘટ વચ્ચે બજારના ભાવમાં નવું શિખર દેખાયું હતું. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં નવેસરથી તેજી બતાવી રહ્યા હતા તથા તેના પગલે ઘરઆંગણે સોના- ચાંદીમાં ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરીબજારોમાં ભાવમાં ફરી ચમકારો જોવા મળ્યો હતો. જોકે લગ્નસરા પુરી થતાં તથા મોનસૂન શરૂ થતાં તેમજ બજારભાવ નોંધપાત્ર ઉંચા રહેતાં ઝવેરીબજારોમાં ઉંચા મથાળે નવી માગ ધીમી રહી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
ઝવેરીબજારના સૂત્રોના જણાવ્યા મુજબ બજારમાં નવી માંગના અભાવે ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ બજારભાવમાં ડિસ્કાઉન્ટની સ્થિતિ પણ જોવા મળી છે. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૩૩૧૦થી ૩૩૧૧ ડોલરવાળા ઉછળી ઉંચામાં ભાવ ૩૪૪૫થી ૩૪૪૬ ડોલર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૩૫.૯૭થી ૩૫.૯૮ ડોલરવાળા વધી ૩૬.૬૩ ડોલર રહ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણાના ઝવેરીબજારો પણ ફરી ઉંચા જતા દેખાયા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૫૭૦૦ વાળા વધી રૂ.૯૮૮૦૦બોલાયા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૬૧૦૦ વાળા વધી રૂ.૯૯૨૦૦ રહ્યા હતા.
મુંબઈ સોનામાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોદીઠ ઉંચામાં રૂ.૧૦૭૦૦૦નો નવો રેકોર્ડ સજર્યા પછી ભાવ રૂ.૧૦૬૦૦૦ આસપાસ રહ્યા હતા. મુંબઈ ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતો રહી નીચામાં ૯૮ની સપાટી નજીક ઉતરી ગયાના વાવડ હતા અને વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તૂટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના નિર્દેશો મળ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ઉછળી ૯૯૫ના રૂ.૧૦૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૦૨૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઉછળી રૂ.૧૦૫૦૦૦ બોલાયા હતા.
અમેરિકામાં ફુગાવાનો વૃધ્ધિ દર અપેક્ષાથી ઓછો આવતાં ત્યાં હવે પછી વ્યાજના દર ઘટવાની શક્યતા વધી છે અને તેની અસરે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ રહેતાં વૈશ્વિક સોનાના ભાવ વધતા રહી ફરી ૩૪૦૦ ડોલર ઉપર પહોંચી ગયા હતા. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ઝડપી વધી ઔંશના ઉંચામાં ૧૩૦૦ ડોલર બોલાયા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ઉંચામાં ઔંશના ૧૦૭૮થી ૧૦૭૯ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ વધી બ્રેન્ટક્રૂડના ઉંચામાં બેરલના ૮૦ ડોલરની સપાટીને નજીક જતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ દેખાઈ હતી.
તાજેતરમાં બહાર આવેલા આંકડાઓ મુજબ સોનાના ઈન્વેસ્ટરોએ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ઈટીએફમાંથી પોતાનું નોંધપાત્ર હોલ્ડીંગ મે મહિનામાં વેંચી દીધાના વાવડ મળ્યા હતા. આવા ગોલ્ડ ઈટીએફમાં ગયા વર્ષના ૨૦૨૪ના ડિસેમ્બર મહિનાથી ઈનફલોની શરૂઆત થઈ હતી અને આવું ઈન્ફલો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબુ્રઆરી, માર્ચ તથા એપ્રિલ મહિના સુધી ચાલુ રહ્યા પછી હવે તાજેતરમાં મે મહિનામાં ઈનફલોના બદલે આઉટફલો જોવા મળ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. આ ટ્રેન્ડ ઘરઆંગણે તથા દરીયાપારમાં વૈશ્વિક સ્તરે જોવા મળ્યો છે.
મે મહિનામાં આવો આઉટફલો નોર્થ અમેરિકા તથા એશિયામાં વિશેષ જોવા મળ્યો હતો એવું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરમાં બહાર આવેલા આંકડાઓમાં જાણવા મળ્યું હતું. એક અંદાજ મુજબ મે મહિનામાં વૈશ્વિક સ્તર ગણતાં આવો આઉટફલો આશરે ૧.૮૦ અબજ ડોલર જેટલો થયાનું જાણકારો જણાવી રહ્યા હતા. બજારના સૂત્રોના જણાવ્યા મુજબ સોનાના ભાવમાં ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો આવતાં ગ્લોબલ ગોલ્ડ ઈટીએફમાં ટોટલ એસેટ્સ મેનેજમેન્ટ (એયુએમ) વૈશ્વિક સ્તરે આશરે એક ટકો ઘટી ૩૭૪ અબજ ડોલરના સ્તરે ઉતરી હોવાના નિર્દેશો મળ્યા હતા. કિંમતી ધાતુની કલેકટીવ હોલ્ડીંગ મે મહિનામાં આશરે ૧૯થી ૨૦ ટન જેટલી ઘટી ૩૫૪૦થી ૩૫૪૧ ટન આસપાસ જોવા મળી હતી. આ વર્ષે ૨૦૨૫માં અત્યાર સુધીના ગાળામાં જોકે વૈશ્વિક ગોલ્ડ ઈટીએફમાં હોલ્ડીંગમાં એકંદરે ૩૦ અબજ ડોલરનો ઉમેરો થયો છે તથા આ ગાળામાં કલેકટીવ હોલ્ડીંગમાં આશરે ૩૨૧થી ૩૨૨ ટનની વૃધ્ધિ થઈ છે. નોર્થ અમેરિકામાં મે મહિનામાં વિશેષ આઉટફલો જોવા મળ્યું છે. જ્યારે યુરોપમાં જોકે મે મહિનામાં ઈનફલો પણ નોંધાતાં બજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. એશિયામાં ગોલ્ડ ઈટીએફમાં એપ્રીલ મહિનામાં નોંધપાત્ર ઈનફલો આવ્યા પછી મે મહિનામાં ખાસ્સો આઉટફલો પણ જોવા મળ્યો છે.
ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર યુધ્ધનો તણાવ હળવો થતાં મે મહિનામાં વૈશ્વિક સોનામાં સેફ હેવન બાઈંગમાં રુકાવટ જોવા મળી હતી. જોકે ગોલ્ડ ઈટીએફમાં યુરોપમાં મે મહિનામાં ૨૨૫ મિલીયન ડોલરનો ઈનફલો નોંધાયો હતો. જોકે જર્મનીમાં આઉટફલો સામે ફ્રાંસમાં ઈનફલોની સ્થિતિ દેખાઈ હતી. બ્રિટનમાં આઉટફલો નોંધાયો હતો. અમેરિકાના બોન્ડ તથા ટ્રેઝરીમાં યીલ્ડ ઉંચીં જતાં તેના પગલે વૈશ્વિક ગોલ્ડ ઈટીએફમાં આવતા ઈનફલો પર પ્રતિકુળ અસર દેખાઈ હતી. દરમિયાન સોનાની વૈશ્વિક ફિઝીકલ માર્કેટમાંથી મળેલા સમાચાર મુજબ વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોએ બધું મળીને આશરે ૧૨ ટન સોનું એપ્રિલ મહિનામાં ખરીદયું હતું. જોકે માર્ચ મહિનાની સરખામણીએ એપ્રિલ મહિનાનો આ આંકડો આશરે ૧૨ ટકાનો ઘટાડો બતાવતો હતો. બાર મહિનાની આવા આંકડાની મંથલી એવરેજ ૨૮ ટન રહી છે.
- દિનેશ પારેખ