
IPL 2025ની 18મી સિઝન ચાલી રહી છે. આ ટૂર્નામેન્ટમાં વિકએન્ડ પર ફેન્સને બમણું મનોરંજન મળે છે. કારણ કે IPLમાં વિકએન્ડ પર ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) રમવામાં આવે છે. આ વિકએન્ડની વાત કરીએ તો ગઈકાલે LSG અને GT વચ્ચે બપોરનો મુકાબલો થયો હતો જેમાં LSGએ 6 વિકેટથી મેચ જીતી લીધી હતી. જ્યારે સાંજે SRH અને PBKS વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચમાં SRH એ 246 રનનો મોટો ટાર્ગેટ ચેઝ કરીને 9 બોલ બાકી રહેતા 8 વિકેટે જીત મેળવી હતી. હવે ફેન્સને આશા છે કે આજે (13 એપ્રિલ) પણ આવા રોમાંચક મુકાબલા જોવા મળે.
આજની પહેલી મેચ
આજની બંને મેચની વાત કરીએ તો આજની પહેલી મેચ રાજસ્થાન રોયલ્સ (RR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે જયપુરમાં રમાશે. આ મેચ બપોરે 3:30 વાગ્યે શરૂ થશે. ટોસ બપોરે 3:00 વાગ્યે થશે. આ બંને ટીમો પોતાની છેલ્લી મેચ હારી છે. આવી સ્થિતિમાં બંને ટીમ કમબેક કરવા ઈચ્છશે.
ડબલ હેડરની બીજી મેચ
આજની બીજી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે દિલ્હીમાં રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ટોસ સાંજે 7:00 વાગ્યે થશે. આ બંને ટીમના પ્રદર્શનની વાત કરીએ તો DC આ સિઝનમાં ખૂબ જ સારું પરફોર્મ કરી રહી છે. ટીમે 4 મેચ રમી છે અને તે ચારેય મેચ જીતવામાં સફળ રહી છે. બીજી બાજુ MIનું પરફોર્મન્સ સારું નથી રહ્યું. ટીમે આ સિઝનમાં અત્યાર સુધી 5 મેચ રમી છે. જેમાંથી 4માં હાર અને માત્ર 1 મેચમાં જીત મળી છે. DC પોતાનો વિજય રથ આગળ વધારવા ઈચ્છશે, જ્યારે MI પણ હારનો સિલસિલો તોડવા માંગશે.
તમામ ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન
RR: યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન/વિકેટકીપર), નીતિશ રાણા, રિયાન પરાગ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, જોફ્રા આર્ચર, મહેશ થીક્ષાના, ફઝલહક ફારૂકી, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.
RCB: ફિલ સોલ્ટ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, યશ દયાલ.
DC: ફાફ ડુ પ્લેસિસ, જેક ફ્રેઝર-મેકગર્ક, કેએલ રાહુલ (વિકેટકીપર), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), આશુતોષ શર્મા, વિપરજ નિગમ, મિચેલ સ્ટાર્ક, મોહિત શર્મા, કુલદીપ યાદવ, મુકેશ કુમાર.
MI: તિલક વર્મા, વિલ જેક્સ, રોબિન મિંજ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, વિગ્નેશ પુથુર.