રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારો હેઠળ છ વર્ષે જ ધો. 1માં પ્રવેશના નિયમમાં અંતે દિવ્યાંગ બાળકો અને ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને છૂટ આપવામાં આવી છે. કેટલાક માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકોને છ વર્ષે ફરજિયાત ધો.1માં અભ્યાસ કરવાના નિયમથી અનેક મુશ્કેલીઓ ઊભી થતી થતી હતી. જેથી આ મુદ્દે નિયમમાં ફેરફારની અનેક માંગણીઓ સાથે સરકારને રજૂઆતો પણ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ સરકાર દ્વારા એક્ટની જોગવાઈઓમાં ફેરફાર કરવામા આવ્યો છે અને ખાસ જરૂરિયાતવાળા દિવ્યાંગ બાળકોને ચાર વર્ષની છૂટ આપવામાં આવી છે. જે મુજબ દસ વર્ષ સુધી આવા બાળક ધો. 1માં પ્રવેશ લઈ શકશે અને અભ્યાસ કરી શકશે.

