Home / : Where are the five principles of Prajadharma to save democracy?

Shatdal: લોકશાહીને બચાવવા માટે પ્રજાધર્મનાં પાંચ સૂત્રો ક્યાં?

Shatdal: લોકશાહીને બચાવવા માટે પ્રજાધર્મનાં પાંચ સૂત્રો ક્યાં?

- એક જ દે ચિનગારી

- જાતજાતની 'સાયરનો' ચેતવણી માટે શોધાઈ છે પણ માણસ માણસાઈ ચૂકે ત્યારે 'એલાર્મ' વાગવા માંડે એવી શોધ થવાનું બાકી છે

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

'લોકો'નું સરનામું છે ?

પ્રશ્ન થાય છે. ચૂંટણીઓ યોજાય છે. ઉમેદવારો જીતે છે ક્યારેક સત્ય જીતે છે તો ક્યારેક અસત્ય પણ જીતે છે. મતલબ કે આજની ચૂંટણીઓથી લોકોનું 'સુશિક્ષણ' થાય છે કે 'કુશિક્ષણ' ?

એક પૌરાણિક પ્રસંગ નોંધવા જેવો છે. તદ્નુસાર એક ગામમાં મોટું તળાવ હતું તેમાં ઘણાં દેડકાંઓ રહેતાં હતાં. અંદરોઅંદર કુસંપ અને લડાઈઓ ચાલ્યા કરતી હતી. આનાથી બધા કંટાળી ગયા હતા. એ બધાં દેડકાંઓમાં એક વૃદ્ધ દેડકો પણ હતો. બધાંએ તેનું માર્ગદર્શન માગ્યું. એણે કહ્યું ''ચાલો આપણે ભેગાં મળી ભગવાન શંકરની પ્રાર્થના કરીએ. ભગવાન શંકર જલ્દી રિઝે એવા દેવ છે.''

દેડકાંઓએ પ્રાર્થના કરી એટલે ભગવાન શંકર પ્રસન્ન થયા. તેમણે કહ્યું : ''તમારી પ્રાર્થનાથી હું ખુશ થયો છું. જોઈએ તે માગો.''

દેડકાંઓએ કહ્યું : ''ભગવાન અમે અંદરોઅંદરની લડાઈથી કંટાળી ગયાં છીએ. સરખી રીતે રાજ ચલાવે એવો એક શાસક મોકલી આપો.'' ભગવાન શંકરે કહ્યું : ''તથાસ્તુ.''

અને એમણે એક કાચબાને તળાવમાં મોકલી આપ્યો. આ નવા શાસકથી બધાં ખુશ થઈ ગયાં.

પણ થોડા દિવસમાં એમણે જોયું કે કાચબો ખાઉધરો હતો. ખાવા-પીવાનું સ્વાહા થઈ ગયું. બધાંએ કહ્યું કે આ શાસક તો જબરો નીકળ્યો.

બધાંએ પેલા વૃદ્ધ દેડકાની ફરી સલાહ માગી. એણે કહ્યું : ''આપણે ફરીથી ભગવાન શંકરની પ્રાર્થના કરીએ કે આ શાસક તો અમારું રક્ષણ કરવાને બદલે ભક્ષણ કરે છે. આને પાછો બોલાવી લો અને નવો રાજા અમને આપો.''

ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારી અને પોતાના પ્રિય વાહન વૃષભ એટલે કે આખલાને મોકલી આપ્યો.

આખલો પાણી જોઈ મસ્તીમાં આવી ગયો અને મુક્ત વિહાર કરવા લાગ્યો. પરિણામે દેડકાં ચગદાવા લાગ્યાં.

બધાંએ ફરી ભગવાન શંકરની પ્રાર્થના કરી. ભગવાન શંકર પ્રગટ થયા. ''આ આખલાના ત્રાસથી અમે કંટાળી ગયા છીએ. હવે કોઈક સારા શાસકને મોકલો.''

મહાદેવજીએ કહ્યું : ''મેં મારા પ્રિય વાહન વૃષભને તમારી સેવામાં મોકલી આપ્યો. પણ તમે સુખી થયાં નહીં. એટલે પારકી આશા સદા નિરાશ. હવે તમે જ તમારું રાજ્ય ચલાવો.''

'ક્રાન્તિ અને સાધના'માં વર્ણવાએલી આ દ્રષ્ટાન્ત કથા ભારતીય પ્રજાજનો તરીકે આપણને લાગુ પડે છે. લોકશાહીની વાતો કરનાર આપણે ઉદ્ધાર માટે 'નેતાશાહી' તરફ નજર રાખીએ છીએ. 'નેતાશાહી' તરફ નજર રાખવી હોય તો રાજાશાહી શું ખોટી હતી ? નેતાશાહી પક્ષાપક્ષી સર્જે છે. આપણે કાચબાની જેમ નિષ્ક્રિય રહીએ છીએ.

ઠેર ઠેર લોકશાહી બચાવવાનાં સૂત્રો પોકારાય છે પણ લોકશાહીને બચાવવા માટે એના પાયામાં પ્રજાને બચાવવાની વાત વિસરાઈ ગઈ છે. એક એકથી ચઢિયાતા મહાપુરુષોનો વારસો ધરાવનાર આ દેશમાં અત્યારે પૂજાવાનો સમય ચાલુ થયો છે. ભારતમાં પૂજનારાઓની ખોટ નથી. નદીની પણ પૂજા અને નંદીની પણ પૂજા. લાશોના ઢગલા ખડકાઈ જાય છે. પણ 'હરિને ભજતાં હજી રે કોઈની લાજ જતાં નથી જાણી રે' એવા વિશ્વાસે બધું ભગવાન પર છોડી દઈએ છીએ. લોકશાહીને બચાવવા માટેનાં પ્રજાધર્મનાં પાંચ સૂત્રો ક્યાં ?

૧. પ્રજાની પૂજા, નેતાઓની નહીં.

૨. ભ્રષ્ટાચાર અને પ્રલોભનોથી વશ થવાને બદલે નૈતિકતા અને પવિત્રતાની ઉપાસના.

૩. પ્રજા તરીકે પોતાને મળેલા 'મતદાન'નો ઉપયોગ લોકશાહીના 'મોતદાન' માટે ન જ કરીએ.

૪. વિવેકદ્રષ્ટિ વિકસાવીએ અને ભ્રષ્ટ ઉમેદવારોને જાકારો આપીએ.

૫. ભારતની લોકશાહીમાં 'લોકો'નું સરનામું શું ? એ અંગે વિચારીએ.

ભારતની લોકશાહીને વિવિધ પ્રકારની કરવતો વહેરે છે. પરિણામે પ્રજા તરીકે આપણે સ્વતંત્ર ઓળખ ગુમાવી બેઠા છીએ. સંપ્રદાયોની કરવત આપણા મન અને હૃદયને વહેરે છે. જ્ઞાતિની કરવત આપણા મનને વધેરે છે. રૂપિયાની લાલચ મતદાતાના મનને મતિભ્રષ્ટ કરે છે. અને જ્યારે માણસ માણસનો દુશ્મન બની જશે. ગુંડાશાહીની બોલબાલા થશે. ભૂખથી પ્રજા કંટાળશે. બેરોજગારીથી યુવાનો કંટાળશે ત્યારે લોકશાહીને કોણ બચાવશે ? દાદા ધર્માધિકારીએ કહેલી એક વાત ગંભીરતાપૂર્વક વિચારવા જેવી છે કે આજના સત્તાધીશો ગરીબોના નામે વોટ મેળવે છે પણ તેઓ ચૂંટાયા પછી ગરીબોના નેતા રહેતા નથી. સત્તા અને પોતાના પક્ષના નેતા બની જાય છે. આપણા દેશમાં કહેવાતી 'સામાજિકતા' છે. ખરા અર્થમાં સામાજિક એકતા હજી પણ વિકસાવવાની બાકી છે.

જો ચૂંટણીઓથી લોકોનું 'સુશિક્ષણ' થવાને બદલે 'કુશિક્ષણ' વધુ થતું હોય તો પ્રજા અને નેતાઓએ આત્મદર્શન કરવાની જરૂર છે. જાતજાતની 'સાયરનો' ચેતવણી માટે શોધાઈ છે. પણ માણસ માણસાઈ ચૂકે એટલે એલાર્મ વાગવા માંડે એવી શોધ થવાનું હજી બાકી છે. પરિસ્થિતિ 'વિષમ' નહીં પણ વિષાકત બની ગઈ છે એ ચિંતાનો વિષય છે.

- શશિન્

Related News

Icon