Home / Entertainment : Two Gujarati artists won awards at IIFA for the first time

પહેલીવાર IIFAમાં બે ગુજરતી કલાકારોએ જીત્યો એવોર્ડ, જાણો કઈ ફિલ્મ માટે મળ્યું સન્માન

આ વખતે ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ શો ભારતમાં હોસ્ટ કરવામાં આવ્યો હતો. 8 અને 9 માર્ચે જયપુરમાં આયોજિત આ એવોર્ડ શોમાં વર્ષના બેસ્ટ પરફોર્મન્સને વિવિધ કેટેગરીમાં એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આ વખતે ગુજરાતી કલાકારોનો પણ દબદબો રહ્યો હતો. IIFAમાં આ વર્ષે પહેલીવાર એવું બન્યું છે કે કોઈ બે ગુજરાતી કલાકારને એવોર્ડ મળ્યો હોય. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બે ગુજરાતી કલાકારને મળ્યો IIFA એવોર્ડ 

IIFAમાં પહેલીવાર કોઈ બે ગુજરાતી કલાકારને એવોર્ડ મળ્યો હતો. જેમાં સ્નેહા દેસાઈને 'લાપતા લેડીઝ' ફિલ્મ માટે બેસ્ટ સ્ક્રીન પ્લે માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે ફિલ્મ 'શૈતાન' માટે જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ કેટેગરીમાં એવોર્ડ મળ્યો હતો. 

સ્નેહા દેસાઈ 

કિરણ રાવ દ્વારા નિર્દેશિત અને આમિર ખાનના પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'લાપતા લેડીઝ' 1 માર્ચ, 2024ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી. 

જો સ્નેહા દેસાઈ વિશે વાત કરીએ તો તેણે ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજોમાંની એક નરસી મોંજી ઈન્સ્ટિટ્યૂટમાંથી કર્યું છે. ત્યારબાદ આલાપ દેસાઈ સાથે લગ્ન કર્યા, જેનો આખો પરિવાર સંગીત અને થિયેટર સાથે સંકળાયેલો છે. 

મુંબઈમાં ગુજરાતી નાટકો માટે લોકોમાં ક્રેઝ છે, આથી મિત્રોના કહેવાથી તેણે લખવાની શશુંઆત કરી. નાટકો બાદ તેને ટેલિવિઝન સિરિયલના નિર્માતાઓ આતિશ કાપડિયા અને જેડી મજીઠિયાએ સિરિયલ લખવાની ઓફર કરી અને 'વાગલે કી દુનિયા' અને 'પુષ્પા ઈમ્પોસિબલ' લખવાનું શરૂ કર્યું. 

સ્નેહા ગુજરાતી છે, તેમજ ઘણી સિરિયલો અને નાટકો લખ્યા છે, આમીર ખાનના પુત્ર જુનૈદની પહેલી ફિલ્મ 'મહારાજ' માટે પણ તેને જ કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેણે ડાયલોગ લખવામાં પણ હાથ અજમાવ્યો. ત્યારબાદ લાપતા લેડીઝ ફિલ્મમાં સ્ક્રીન પ્લેની ઓફર મળી હતી. 

જાનકી બોડીવાલા

ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને ફિલ્મ 'શૈતાન' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જાનકીનો જન્મ 30 ઓક્ટોબર, 1995ના રોજ અમદાવાદમાં ભરત અને કાશ્મીરા બોડીવાલાને ત્યાં થયો હતો. તેનો એક ભાઈ ધ્રુપદ બોડીવાલા છે. જાનકીએ પોતાનું શાળાકીય શિક્ષણ અમદાવાદની એમ કે સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાંથી કર્યું છે. તેણે ગોએન્કા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટલ સાયન્સ, ગાંધીનગરમાંથી બેચલર ઓફ ડેન્ટલ સર્જરી (BDS) ડિગ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું છે. 

જાનકીએ મિસ ઈન્ડિયા 2019માં પણ ભાગ લીધો હતો જ્યાં તે મિસ ઈન્ડિયા ગુજરાતના ટોપ 3 ફાઈનલિસ્ટમાં સ્થાન પામી હતી. જાનકીએ તેના કરિયરની શરૂઆત કૃષ્ણદેવ યાજ્ઞિક નિર્દેશિત ફિલ્મ 'છેલ્લો દિવસ' થી કરી હતી. 

જાનકીએ 'ઓ! તેરી', 'તંબુરો', 'દાઉદ પકડ', 'નાડીદોષ' અને 'વશ' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. જેમાં 'વશ' બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ અને વર્ષ 2024માં અજય દેવગણ, જ્યોતિકા અને આર. માધવન સાથે વિકાસ બહલે તેની હિન્દી રિમેક 'શૈતાન' બનાવી હતી, જેમાં પણ જાનકીએ એક્ટિંગ કરી હતી. 

Related News

Icon