
- વામાવિશ્વ
ભારતીય રેલ્વેમાં અત્યારે લગભગ તેર લાખ કર્મચારીઓ કામ કરે છે. તેમાં એક લાખ મહિલાઓ જુદી જુદી જગ્યાએ કામ કરે છે. હવે ટ્રેનના ગાર્ડને ટ્રેન મેનેજરનું નામ અપાયું છે. ET CFOના જણાવ્યા પ્રમાણે હાલમાં ૭૯૪ ગાર્ડ એટલે ટ્રેન મેનેજર આખા ભારતવર્ષમાં કામ કરે છે. ટૂંકમાં ૭૪૯ મહિલા ગાર્ડની સંખ્યા જોવા મળે છે. ભારતીય મહિલાના વિકાસની આ ખૂબ મોટી ઉપલબ્ધિ છે.
આ લેખમાં ગાર્ડન વ્યવસાયની પાયાની ઇંટ મૂકનાર વંદના ચર્તુવેદી વિષે જાણીએ. વંદના ચર્તુવેદી ભોપાલના રહેવાસી છે, ૧૯૯૦માં તેઓ પ્રથમ મહિલા ગાર્ડ તરીકે જોડાયા અને થોડા સમય પહેલા આ જગ્યા પર એટલે મહિલાગાર્ડ તરીકે ૩૩ વર્ષ પૂરા કરી નિવૃત્ત થયા.
નાનપણથી વંદના બહેનને કંઈ નવું કરી બતાવવાની ઇચ્છા રહેતી. સ્વભાવે તેઓ નીડર પણ ખરા. આથી ૧૯૯૦માં જ્યારે ભારતીય રેલ્વેએ મહિલા ગાર્ડની પ્રથમ વખત જગ્યા માટે જાહેરાત કરી અને વંદના બહેને આ જગ્યા માટે તરત જ અરજી કરી દીધી.
જ્યારે તેમનો ઇનટરવ્યુ લેવામાં આવ્યો ત્યારે તેમને બે પ્રશ્નો પૂછવામાં આવ્યા. પ્રથમ પ્રશ્ન હતો. તમે આ જગ્યા માટે માનસિક રીતે તૈયાર છો ? 'વંદના બહેનનો જવાબ હતો : 'સંપૂર્ણ''. બીજો પ્રશ્ન હતો. તમે ૨૪ કલાકની કોઈપણ શીફટમાં અને કોઈ ઓડ પરિસ્થિતિમાં ગમે ત્યારે કામ કરી શક્શો. વંદના બહેનનો જવાબ હતો,' તમે કહો ત્યારે.'
વંદના ચર્તુવેદીના આ આત્મવિશ્વાસ અને નોકરીના ઉત્સાહે પહેલા જ ઇન્ટરવ્યુમાં તેમની પસંદગી થઈ ગઈ અને શરૂ થઈ તેમની ટ્રેનના મહિલા ગાર્ડ તરીકેની વ્યવસાયિક સફર.
વંદના બહેનના શબ્દોમાં જ જોઈએ તો,'સૌ પ્રથમ તેમને ગાર્ડ તરીકેની ટ્રેનિંગમાં જવાનું થયું. અહીં હું ૨૫૦ ભાઈઓ વચ્ચે એકલી મહિલા હતી. શરૂઆતમાં થોડુંક વિચિત્ર લાગ્યું. પરંતુ થોડા જ વખતમાં હું માનસિક રીતે સેટ થઈ ગઈ કારણકે હું આ વ્યવસાયમાં કોઈ મહિલા નથી તે જાણીને જ આવી હતી. આથી મનનું સમાધાન કરી. મક્કમ રીતે ટ્રેનીંગ લેવા માંડી.'
એક મહિલાગાર્ડની ટ્રેનિંગમાં તેઓની કામગીરી ઉત્તમ રહી. તેમના સરનું કહેવું હતું, મહિલા હોવા છતાં બધા બીજા પુરુષ ટ્રેનીઓ સાથે ભળી ગયા અને ખૂબ સરળતાથી ટ્રેનિંગ લીધી અને તેમનો ગ્રાસપીંગ પાવર ખૂબ જ સારું હતું.
શરૂઆતમાં ટ્રેનિંગ પૂરી થયા પછી વંદનાબહેનને થોડા સમય માટે સ્ટેશન પર નોકરી આપવામાં આવી ગાર્ડ તરીકે ટ્રેનો આવે ત્યારે અને જાય ત્યારે અને આખી મુસાફરીનો ટ્રેક રાખવાની. આ કામગીરી સફળ થયા પછી, પ્રથમ ગુડ્સ (માલવાહક) ટ્રેનમાં ગાર્ડ તરીકેની કામગીરી સોંપવામાં આવી.
પ્રથમ વંદના ચતુર્વેદીની ગુડઝ ટ્રેનના ગાર્ડ તરીકેની સફર બીના થી ભોપાલ સુધીની હતી.
એક ઇન્ટરવ્યુમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે,'પ્રથમ વખતે ગાર્ડ તરીકે ફરજ બજાવતા તમને કેવી લાગણી થઈ ? ડર ના લાગ્યો.'
ત્યારે વંદના ચતુર્વેદીનો જવાબ હતો, ' આ મારી પસંદગીની નોકરી હતી. અને જેને વિકાસ જ કરવો છે. તેને ડર શેનો ? પછી એ મહિલા હોય કે પુરુષ ?' તેઓ જણાવે છે કે જ્યારે મારી મહિલા ગાર્ડ તરીકેની પસંદગી થઈ અને હું નોકરી પર ગઈ ત્યારે મારા કેટલાક કુટુંબીજનો, સગાવાલા, મિત્રો, અડોશીપડોશીઓ ને હું ગાર્ડ તરીકેની નોકરી સફળતાપૂર્વક કરી શકીશ કે નહિ તેનો પ્રશ્ન હતો કારણકે હું સ્ત્રી હતી અને આ ટ્રેનના ગાર્ડ તરીકે આવતી મુશ્કેલીઓનો પડકાર હું મહિલા તરીકે ઝીલી શકીશ કે નહિ તે તેમના મનનો સંશય હતો. પરંતુ ૩૩ વર્ષની મારી નોકરીની સફળ કારકીર્દીએ તેઓને જવાબ આપ્યો અને મારા રીટાયરમેન્ટના પ્રસંગમાં આમાંના કેટલાય લોકો હાજર હતા અને મને તાળીઓથી વધાવતા હતા. વંદના ચર્તુવેદીને પ્રથમ ગુડઝ (માલવાહક) ટ્રેનની ગાર્ડ બનાવવામાં આવી. ગુડઝ ટ્રેનમાં એક જ ગાર્ડ હોય છે. તેમજ આ ટ્રેનની મુસાફરી ઘણી લાંબી હોય છે. ગુડઝ ટ્રેનમાં, ગાર્ડની જવાબદારી અનેક ઘણી હોય છે. આખી ટ્રેનના માલનું ધ્યાન રાખવું, વચમાંથી કોઈ ચોરી કે અન્ય બનાવ ના બને, સમયસર ગુડઝ ટ્રેન માલ પહોંચાડે, ઘણીવાર જીવીત પશુઓને પણ માલવાહક ટ્રેનમાં એક થી બીજી જગ્યાએ લઈ જવાય છે તેમાં કોઈ જાનહાનિ ના થાય. ગુડ્ઝ ટ્રેનના ગાર્ડને શારીરિક તેમજ માનસિક તાકાતની ખૂબ જરૂર પડે છે. મહિલાગાર્ડ તરીકે, આ ફરજ વંદના ચર્તુવેદીએ ઘણી ઉત્તમ રીતે બજાવી.
વંદનાચર્તુવેદી તેમનો પ્રથમ ગુડ્ઝ ટ્રેનનો એક યાદગાર પ્રસંગ યાદ કરતા કહે છે કે, 'ગુડઝ ' ટ્રેનના ગાર્ડને ઘણીવાર પાણી માટે પણ તરફડવું પડે છે. એક વખત ગુડઝ ટ્રેન જંગલમાં રોકાઇ ગઈ. આગળ સીગ્નલ ન મળવાને લીધે. આ ઘણા કલાકો પસાર થયા, મારી પાસે પાણી ખૂટી ગયું હતું. તેમજ ઘોર અંધારામાં ગાર્ડ તરીકે મારે વોચમેન ટ્રોર્ચ લઈને આંટો મારવો પડતો. એ સમયે સખત હિમ્મતની જરૂર હોય, ડરને કોઈ સ્થાન જ ના હોય. મેં આ કસોટી પણ દૃઢમનોબળ અને આત્મવિશ્વાસથી પાર પાડી. ઘોર અંધારામાં પહેલું પગલું માંડતા સહેજ ડર લાગે પરંતુ તમારી ધીરજ અને હિમ્મતના હથિયાર વડે તમે એ ક્ષણોમાંથી પસાર થઈ જાવ ને હું થઈ ગઈ.
આ ગુડઝની સફળ કામગીરી પછી વંદના ચર્તુવેદીને, પેસેંજર ટ્રેન અને મેલટ્રેનની જવાબદારી સોંપવામાં આવી. આ ટ્રેનોમાં ગાર્ડને, ટ્રેનની સફર ચાલુ થાય તે પહેલા આખા ટ્રેનની બધા જ ડબ્બાની સીટો, દરવાજાઓ, બાથરૂમ્સ, કોરીડોર્સ વગેરેની ચકાસણી કરવાની હોય છે. ટ્રેન શરૂ થાય તે ટાઈમ, આખી ટ્રેનની મુસાફરી અને ટ્રેન સ્થળ પર પહોંચે તેનો ચાર્ટ બનાવવાનો હોય છે. સફર દરમ્યાન કોઈ સાંકળ ખેંચે, ટ્રેન ઉભી રહે કે તરત જ ગાર્ડ ઉતરી ને કારણ જાણી મુશ્કેલીનો હલ લાવવાનો હોય છે સતત લોકો પાયલોટ(Loco Pilot)ના સંપર્કમાં રહેવું પડે છે. જરાપણ ગાફેલીયત મોટો અકસ્માત પણ નોતરી શકે છે. આ બધી જવાબદારી પણ વંદના ચર્તુવેદીએ સરસ રીતે નીભાવી.
આ પછી વંદના ચર્તુવેદીને શતાબ્દીટ્રેન અને રાજધાની ટ્રેનના મહિલાગાર્ડ બનાવવામાં આવ્યા. છેલ્લા દીલ્હી-ભોપાલ શતાબદી એકપ્રેસમાં મહિલા ગાર્ડ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા.
એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, 'જનતાનો મહિલા ગાર્ડ તરીકે તેમની તરફનો મીક્સ રીસપોન્સ હતો. કેટલાક લોકો નવાઈ પામતા. તો કેટલાક તેમને બીરદાવતા પણ ખરા.'
પણ બન્ને વસ્તુઓ તેમણે હસતા હસતા લીધી.
મારા કુટુંબનો સપોર્ટ ઘણો રહ્યો. મારા સંતાનો-એક દીકરો અને દીકરીની ઉમર મેં નોકરી સ્વીકારી ત્યારે ઘણી નાની હતી. તેમની વધારાની ઉછેરવાનીને અન્ય જવાબદારી મારા પતિએ ઉપાડી લીધી હતી. તેમના ઉછેર માટે મારા પતિએ વહેલી નિવૃત્તિ લઈ લીધી અને મને તેમનો સાથ સારો રહ્યો માટે હું નિર્વિઘ્ને ૩૩ વર્ષ પૂરા કરી શકી.
મહિલાઓને સંદેશ આપે છે કે : કોઈ પણ કામ, પરિસ્થિતિ કે વસ્તુથી ડરો નહિ, હિમ્મત અને દૃઢમનોબળના હથિયાર વડે જીવનમાં આગળ વધો. ભારતીય સમાજે આધુનિક મહિલા પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો જ પડશે.
- અનુરાધા દેરાસરી