વડોદરાના પાદરા તાલુકામાં આવેલા મહી નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ પણ તંત્ર દ્વારા હજી પણ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બ્રિજ તૂટવાની ઘટનામાં 20ના મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવાનનો પત્તો હજી પણ નથી. આ દરમિયાન રવિવારે ગાંધીનગરથી માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીની સૂચના આવતા વડોદરા સર્કલના અધિક્ષક ઈજનેરે ગંભીરા બ્રિજ ઉપર તાત્કાલિક દિવાલ બનાવવાની સૂચના આપી દીધી હતી. જેના પગલે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને દિવાલ બનાવવા માટે રાતોરાત વ્યવસ્થા ઉભી કરી હતી.

