
GSTનું A to Z
GSTને લગતી ટ્રિબ્યુનલની દિલ્હી ખાતેની પ્રિન્સીપલ બેંચ કે સ્ટેટ બેંચોની કામગીરી હજી શરુ થયેલ ન હોઈ હાલ વેપારીઓ સીધા હાઈકોર્ટમાં રીટ દાખલ કરે છે.
આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં જીએસટીનું અમલીકરણ તારીખ ૧.૭.૨૦૧૭થી શરૂ થયેલ છે. કોઈપણ વ્યક્તિ (urd સહિત) વિરુદ્ધ પસાર થયેલ આદેશની સામે તેને વાંધો હોય તો તેવા આદેશ સામે તે કલમ ૧૦૭ની જોગવાઈઓ મુજબ અપીલ અધિકારી (ખાતાના) સમક્ષ પ્રથમ અપીલ કરી શકે છે અને પ્રથમ અપીલનો આદેશ સ્વીકાર્ય ના હોય તો તેના માટે કલમ ૧૧૨ મુજબ જીએસટી ટ્રિબ્યુનલ (પંચ) સમક્ષ બીજી અપીલ થઈ શકે છે. ત્યારબાદ કાયદાકીય તકરારો માટે કલમ ૧૧૭ મુજબ હાઇકોર્ટમાં તેમજ કલમ ૧૧૮ અનુસાર સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ અપીલ/રીટ (writ of Certiorari fu writ of Mandamus) થઈ શકે છે. ટ્રિબ્યુનલની રચના માટે સીજીએસટી કાયદાની કલમ ૧૦૯માં વિગતવાર જોગવાઈ કરવામાં આવેલ છે. તે ઉપરાંત અપીલ તબક્કે પ્રાથમિક ભરણા અંગે નામદાર સુપ્રિમ કોર્ટનો સીમા-ચિન્હ રૂપ ચુકાદો યશા ઇન્ડ. વિ. UoI SLP (Civil) Diary No. ૧૭૫૪૭ના કેસમાં તા ૧૯.૫.૨૦૨૫ના રોજ આવેલ છે જે મુજબ પ્રાથમિક ભરણા માટે ITC વાપરીને પેમેન્ટ કરી શકાશે. આપણે અપીલની જોગવાઈઓ અને કેટલાક કોર્ટ કેસોની માહિતી એન્ડ-ટુ-એન્ડ સમજીએ. તારીખ ૨૬.૧૧.૨૦૨૪ના જાહેરનામા દ્વારા સરકારે અગાઉના તારીખ ૩૧.૭.૨૦૨૪ના જાહેરનામામાં કેટલાક સુધારા કરીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જે સ્થળો પર ટ્રિબ્યુનલની સ્થાપના થશે તે ઠરાવેલ છે.
GST ટ્રિબ્યુનલની મુખ્ય ખંડપીઠ (પ્રિન્સીપલ બેંચ) દિલ્હી ખાતે રહેશે. દેશમાંની કુલ ૩૧ બેંચ પૈકી ગુજરાત રાજ્યમાં અમદાવાદ અને સુરત(Union Territory of Dadra and Nagar Haveli and Daman and Diuના કેસો સહિત) ખાતે એમ જીએસટી ટ્રિબ્યુનલની બે સ્ટેટ બેંચ કાર્યરત થશે અને રાજકોટ ખાતે કેસોની સંખ્યા મુજબ ટ્રિબ્યુનલના અધ્યક્ષ નક્કી કરે તે રીતે બેંચ કામ કરશે.
ઓનલાઈન કામગીરી :
ટ્રિબ્યુનલની તમામ ઓન-લાઈન કામગીરી માટે એક અલગ વેબ્સાઈટ (gstat.gov.in) શરુ થયેલ છે. જજો, સભ્યો અને અન્ય સ્ટાફની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. કલમ ૧૧૧(૧) મુજબ GST ટ્રિબ્યુનલ, Code of Civil Procedure, ૧૯૦૮થી બંધાવવાને બદલે કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ કાર્ય કરે તેવી અપેક્ષા છે. ટ્રિબ્યુનલને પોતાની કાર્ય-પ્રણાલી નક્કી કરવાની સત્તા રહેશે. હવે તારીખ ૨૪.૯.૨૦૨૪ ના રોજ 'ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ટ્રિબ્યુનલ પ્રોસિજર રૂલ્સ-૨૦૨૫' જાહેર કરવામાં આવેલ છે. જીએસટી ટ્રિબ્યુનલને કાર્યરત કરવા તરફનું આ એક મોટું પગલું ગણાય છે. અહી આપણે જીએસટી કર પ્રણાલી હેઠળ પ્રથમ અપીલ (ખાતામાં) તેમજ દ્વિતીય અપીલ (Tribunal માં) અંગે ક્રમાનુસાર વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ.
ટ્રિબ્યુનલ શબ્દ 'Tribunes' પરથી આવ્યો છે જેનો મતલબ થાય છે : 'Magistrates of the Classical Roman Republic'. ટ્રિબ્યુનલ એટલે એવી કચેરી જે નાગરિકોને અધિકારીઓના મનસ્વી નિર્ણયો સામે રક્ષણ આપે. ભારતના ૧૯૫૦ના મૂળ બંધારણમાં માત્ર એક જ ટ્રિબ્યુનલ (પંચ)ની જોગવાઈ હતી એટલે કે ફક્ત આંતરરાષ્ટ્રીય જળવિવાદ અંગેની ટ્રિબ્યુનલની જોગવાઈ હતી. ત્યારબાદ ૧૯૭૬ના ૪૨મા બંધારણીય સુધારા દ્વારા બંધારણના ભાગ ૧૪-Aમાં અનુચ્છેદ ૩૨૩-A અને ૩૨૩-B ઉમેરવામાં આવ્યા હતા. અનુચ્છેદ ૩૨૩-A સંસદને સત્તા આપે છે કે તે કેન્દ્ર, રાજ્યો અને સત્તા મંડળોમાં જાહેર સેવાઓમાં નિયુક્ત વ્યક્તિઓની ભરતી અને સેવાની શરતો અંગેના વિવાદોના ન્યાયપૂર્વક નિર્ણય માટે વહીવટી ટ્રિબ્યુનલોની રચના કરી શકે. આવી ટ્રિબ્યુનલ અર્ધ-ન્યાયિક એટલે કે quasi-judicial પ્રકારની હોય છે. ટ્રિબ્યુનલો ખાસ વિષયોના કેસો ચલાવીને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનું ભારણ ઘટાડે છે અને નાગરિકોને ઝડપથી ન્યાય મળે છે. અનુચ્છેદ ૩૨૩-B હેઠળ રાજ્ય સરકારને વહીવટી ટ્રિબ્યુનલની રચના કરવાની જોગવાઈ કરવામાં આવેલ છે.
અનુચ્છેદ ૩૨૩-A અને ૩૨૩-B વચ્ચેનો તફાવત જોઈએ તા : અનુચ્છેદ ૩૨૩-A અંતર્ગત માત્ર લોક સેવાઓ સંબંધિત બાબતતોનો જ સમાવેશ કરવામાં આવેલ છે. જ્યારે અનુચ્છેદ ૩૨૩-B માં કર- પ્રણાલી, વિદેશી મુદ્રા, આયાત અને નિકાસ, ઔદ્યોગિક અને શ્રમ, ભુમી સુધારા, શહેરી સંપતિની મહત્તમ સીમા, સંસદ અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી, ખાદ્ય સામગ્રી અને ભાડા તથા ભાડુઆતના હકકો, વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે. અનુચ્છેદ ૩૨૩-A પ્રમાણે ટ્રિબ્યુનલનું ગઠન ફક્ત સંસદ કરી શકે છે જ્યારે અનુચ્છેદ ૩૨૩-B હેઠળ સંસદ અને રાજ્ય વિધાનસભાઓને પોતાના અધિકાર ક્ષેત્ર સંબંધિત ટ્રિબ્યુનલોનું ગઠન કરવાની સત્તા મળે છે.
ઓગસ્ટ ૨૦૨૧માં સંસદ દ્વારા ટ્રિબ્યુનલ સુધારા અધિનિયમ, ૨૦૨૧ પસાર કરવામાં આવ્યો હતો જેની મુખ્ય બાબતો આ પ્રમાણે છે :
આ અધિનિયમ હેઠળ પસંદગી સમિતિ નિમવામાં આવશે જે ટ્રીબ્યુનલોના અધ્યક્ષ અને સદસ્યોની નિમણૂક માટે કેન્દ્ર સરકારને ભલામણ કરશે. અધ્યક્ષ માટેનો કાર્યકાળ ચાર વર્ષનો અથવા ૭૦ વર્ષની ઉંમર જે વહેલા પૂર્ણ થાય ત્યાં સુધીનો રહેશે. જ્યારે સદસ્યો માટે ચાર વર્ષનો કાર્યકાળ અથવા ૬૭ વર્ષની ઉંમર જે પહેલા પૂર્ણ થતા હોય ત્યાં સુધીનો સમય ગાળો રહેશે. અધ્યક્ષ તથા સદસ્યોની નિમણૂક માટેની ન્યૂનતમ ઉંમર ૫૦ વર્ષ નિર્ધારિત કરવામાં આવેલ છે. પસંદગી સમિતિની ભલામણના આધારે કોઈ પણ અધ્યક્ષ અથવા સદસ્યને પદ ઉપરથી હટાવી શકવાની જોગવાઈ પણ આમાં મુકેલ છે.
GSTને લગતી ટ્રિબ્યુનલની દિલ્હી ખાતેની પ્રિન્સીપલ બેંચ કે સ્ટેટ બેંચોની કામગીરી હજી શરુ થયેલ ન હોઈ હાલ વેપારીઓ સીધા હાઈકોર્ટમાં રીટ દાખલ કરે છે. જયારે ટ્રિબ્યુનલની કામગીરી શરુ થશે ત્યારે અધૂરા કેસો હાઈકોર્ટમાંથી ટ્રિબ્યુનલને સોંપી શકાશે. એ માટે બંધારણમાં નીચે મુજબની જનરલ જોગવાઈ બંધારણમાં છે :
Article: ‘323B. (e) provide for the transfer to each such tribunal of any cases pending before any court or any other authority immediately before the establishment of such tribunal as would have been within the jurisdiction of such tribunal if the causes of action on which such suits or proceedings are based had arisen after such establishment,'
GST હેઠળ કરદાતા માટે ઉપલબ્ધ અપીલ મિકેનિઝમ અને અન્ય ઉપાયને વિગતવાર સમજવા માટે આપણે શરૂઆત પ્રથમ અપીલની જોગવાઈઓથી કરીએ.
GST કાયદામાં આપવામાં આવેલ અગત્યની વ્યાખ્યાઓ :
* એડજુડીકેટીંગ ઓથોરીટીની વ્યાખ્યા : કલમ ૨(૪)
* એપેલેટ ઓથોરીટીની વ્યાખ્યાઃ કલમ ૨(૮)
* રીવીઝનલ ઓથોરીટીની વ્યાખ્યાઃ કલમ ૨(૯૯)
* એપેલેટ ટ્રિબ્યુનલની વ્યાખ્યાથ કલમ ૨(૯)
GST હેઠળ થતા આદેશોની નમૂનારૂપ યાદી :
૧. નોંધણી દાખલો રદ કરતો આદેશ
૨. કલમ ૭૩/૭૪/૭૪-એ હેઠળનો આદેશ
૩. રિફંડનો આદેશ-નામંજૂર કે અંશતઃ મંજૂર કરતો આદેશ
૪. LUT રિજેક્ટ કરતો આદેશ
૫. કામચલાઉ આકારણી આદેશ, ફેર-આકારણી, સમરી આકારણી
૬. ડિમાન્ડ ઓર્ડરનું રેકટીફિકેશન
૭. કલમ ૧૨૫ હેઠળ કરેલ દંડનો આદેશ
૮. પત્રક કસૂરદાર વિરુદ્ધ થયેલ આદેશ
અપીલ ન થઇ શકે તેવા આદેશ : કલમ ૧૨૧માં ક્યા કિસ્સામાં અપીલ ન કરાય તેની વિગતો આપેલ છે.
૧. એક અધિકારીથી બીજા અધિકારીને કમિશનર દ્વારા કરાતાં ટ્રાન્સફર ઓફ કેસ પ્રોસીડીંગ
૨. જપ્ત સાહિત્ય અથવા ચોપડા, રજીસ્ટરો અને અન્ય દસ્તાવેજો રિટેન કરવાનો આદેશ
૩. પોલીસ ફરિયાદની મંજૂરીનો આદેશ
૪. કલમ ૮૦ હેઠળ વેરો અને વ્યાજ હપ્તેથી ભરવાનો આદેશ
૫. નોટીસ, સમન અને ઓડિટ મેમો આદેશ નથી
પ્રથમ અપીલ-કલમ ૧૦૭
* એડજુડીકેટીંગ ઓથોરીટીના આદેશથી નારાજ વ્યક્તિ (RTP કે URD) દ્વારા અપીલ-કલમ ૧૦૭(૧)
* એપેલેટ ઓથોરીટી સામે કમિશનર દ્વારા GSTના અધિકૃત અધિકારી અપીલ કરે-કલમ ૧૦૭(૨)-રિવ્યુ અપીલ-૬ મહિનાની અંદર
* અપીલ કરવામાં વાજબી કારણો ધ્યાને લઈને એક મહિનાનું ડીલે માન્ય રાખવાની સત્તાથ કલમ-૧૦૭(૪)
* પ્રિ-ડિપોઝીટની રકમ માટે કલમ ૧૦૭(૬)..રીફંડના કિસ્સામાં પ્રિ-ડિપોઝીટની જરૂર નથી-નિયમ ૮૯(૨).
* પ્રિ-ડિપોઝીટની રકમ ITC લેજર થકી પણ ભરી શકાય
* વસુલાત સામે ડીમ્ડ સ્ટેની કલમ-૧૦૭(૭)
* ત્રણથી વધુ મુદ્દત ન આપવી-કલમ ૧૦૭(૯)
* શક્ય હોય તો એક વર્ષની અંદર અપીલનો નિકાલ કરવો
* અપીલ કરનારને વધારાના ગ્રાઉન્ડ રજુ કરવાની પરવાનગી-કલમ ૧૦૭(૧૦)
* પ્રથમ અપીલ અધિકારી કેસ એડજુડીકેટીંગ ઓથોરીટીને રિમાન્ડ ન કરી શકે.
- હર્ષ કિશોર