Home / GSTV શતરંગ : GSTV શતરંગ / How did man whose cremation he attended come alive?

GSTV શતરંગ / પોતે જેના અગ્નિસંસ્કારમાં ગયેલો એ માણસ જીવતો ક્યાંથી થઈ ગયો?

GSTV શતરંગ /  પોતે જેના અગ્નિસંસ્કારમાં ગયેલો એ માણસ જીવતો ક્યાંથી થઈ ગયો?

- ક્રાઈમવૉચ

- ડૉક્ટરે જણાવ્યું કે મૃતકની પત્નીએ એમને કરગરીને કહેલું કે મરેલા પતિનું મોઢું મારાથી નહીં જોવાય,એટલે એમના મોઢા ઉપર શક્ય એટલી વધારે બેન્ડેજની પટ્ટીઓ લગાવી દેજો!

ત્રણેક વર્ષ અગાઉ આ કોલમમાં કેરળની એક ઘટના લખેલી.સુકુમાર કુરૂપ નામના યુવાને પોતાનો ત્રીસ લાખનો જીવનવીમો લીધેલો.તારીખ ૨૧-૧-૧૯૮૪ના દિવસે એણે પોતાના જેવા દેખાતા એન.જે.ચાકોની હત્યા કરીને એની લાશને પોતાની કારમાં મૂકીને કારને સળગાવી દીધેલી અને વીમાની રકમ એની પત્નીને ચૂકવાઈ ગયેલી. એ પછી ભોપાળું ખૂલ્યું,ત્યારે કુરૂપના બે સાથી પકડાયેલા ને એમને જન્મટીપની સજા થયેલી,પરંતુ આજ સુધી કુરૂપનો કોઈ પત્તો નથી!આ ઘટનાના આધારે 'કુરૂપ' નામની મલયાલમ ફિલ્મ પણ હીટ ગયેલી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આજે કર્ણાટકની આવી જ ઘટનાની વાતમાં એક એવી વ્યક્તિ પણ છે કે જે માને છે કે સિદ્ધાંતના ભોગે સંબંધો જાળવવાની પરવા ના કરાય.

બેંગલોરથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા હોસ્કોટ શહેરમાં રહેતા મુનિસ્વામી ગૌડા (૪૯ વર્ષ) મૂળ તો ખેડૂત, પણ એમને બિઝનેસમેન બનવાની ઈચ્છા થઈ અને એમણે હોસ્કોટના એમ.કે.એક્સટેન્શનમાં ટાયરની આલિશાન દુકાન બનાવી.શરૂઆતમાં તો નસીબે સાથ આપ્યો અને દુકાન સારી ચાલી પણ કોરોના કાળ પછી એ આર્થિક સંકડામણમાં આવી ગયા.મિત્રો-સંબંધીઓ પાસેથી અને જુદી જુદી બૅન્કોમાંથી લોન લઈને ગાડુ ગબડાવ્યે તો રાખ્યું,પણ એક સમય એવો આવ્યો કે એ દેવાના ડુંગરમાં દબાઈ ગયા.કોઈ પણ રીતે દોઢ કરોડના દેવાનો બોજ હળવો થાય એવો નહોતો.એના ઉચાટમાં એમની ઊંઘ ઊડી ગઈ.હવે શું કરવું? પૈસા ક્યાંથી લાવવા?

ઘરનું ઘર હતું.મોભો જાળવી રાખવા કાર અને ડ્રાઈવર પણ રાખ્યો હતો. એકની એક દીકરીને મેંગલોરની કૉલેજમાં ભણવા મૂકી હતી.એ હોસ્ટેલમાં રહેતી હતી.આ બધીય સાહ્યબી અકબંધ રહે અને દોઢ કરોડનું દેવું પણ ચૂકવાઈ જાય,એ માટે એમણે એક ખતરનાક પ્લાન વિચાર્યો અને પોતાની પત્ની શિલ્પારાણીને સમજાવ્યો. શિલ્પારાણી પણ ચાલાક હતી.ઘરની આર્થિક પરિસ્થિતિથી એ પૂરેપૂરી વાકેફ હતી એટલે પતિના પ્લાનમાં સહભાગી બનવા એ તૈયાર થઈ ગઈ.

તારીખ ૧૨-૮-૨૦૨૪ની રાત્રે બેંગલોરથી ૧૭૭ કિલોમીટર દૂર ગોલ્લરહલ્લીમાં હાઈવે પર ભયાનક અકસ્માત થયો.એ વિસ્તાર હાસન જિલ્લાના ગંડાસી પોલીસસ્ટેશનની હદમાં આવેલો છે.સવારે શિલ્પારાણી રડતી રડતી ગંડાસી પોલીસસ્ટેશને પહોંચી. એણે પોલીસને જણાવ્યું કે હાઈવે પર અકસ્માત થયો છે. હું અને મારા પતિ મુનિસ્વામી ગૌડા અમારી દીકરીને મળવા માટે મેંગલોર ગયા હતા.ત્યાંથી પાછા વળતી વખતે અમારા ડ્રાઈવર સોમેશે કહ્યું કે કારના ટાયરમાં પંચર પડયું લાગે છે. આટલું કહીને કાર ઊભી રાખીને સોમેશ હવા ચેક કરવા માટે નીચે ઊતર્યો.એ ટાયર ચેક કરતો હતો ત્યારે એને મદદ કરવા માટે મારા પતિ પણ સ્ટેફની લઈને એની પાછળ ઊભા રહ્યા.એ જ વખતે એક ટ્રક ભયાનક સ્પીડમાં આવી અને એણે મારા પતિને કચડી નાખ્યા!

પોલીસની ટીમ ઘટના સ્થળે આવી.ઈન્ડિયન મોટર વ્હીકલ એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ શિલ્પારાણીની ફરિયાદ નોંધી. લાશ પાસેથી જે પાકિટ મળ્યું એમાં મુનિસ્વામી ગૌડાનું આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ પણ પોલીસને મળ્યું.લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને નાસી છૂટેલી ટ્રકને પકડવા માટેની કવાયત શરૂ કરી.પોસ્ટમોર્ટમ પછી મુનિસ્વામી ગૌડાની લાશ શિલ્પાને સોંપવામાં આવી.શિલ્પાએ બધા સગા-સંબંધીઓને જાણ કરીને અહીં જ બોલાવી લીધા અને લાશને હોસ્કોટ લઈ જવાને બદલે ત્યાં ગંડાસીના સ્મશાનગૃહમાં જ એના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા.પતિ આ રીતે અકસ્માતમાં અવસાન પામ્યો હોય,ત્યારે તાત્કાલિક એની પત્નીની વિગતવાર પૂછપરછ ના કરાય એટલું સૌજન્ય દાખવીને ઈન્વેસ્ટિગેશન અધિકારી રાઘવેન્દ્ર પ્રકાશે શિલ્પારાણીની પૂછપરછ થોડા દિવસ પછી કરવાનું નક્કી કરેલું.અલબત્ત,એમની રીતે એમની તપાસ અને ટ્રકની શોધખોળ તો ચાલુ જ હતી.

ગંડાસી હોસ્પિટલના ડૉક્ટરે જે કહ્યું એ સાંભળીને રાઘવેન્દ્રનું મગજ ચકરાઈ ગયું હતું.ડૉક્ટરે જણાવ્યું કે મૃતકની પત્નીએ એમને કરગરીને કહેલું કે મરેલા પતિનું મોઢું મારાથી નહીં જોવાય,એટલે એમના મોઢા ઉપર શક્ય એટલી વધારે બેન્ડેજની પટ્ટીઓ લગાવી દેજો! તાજી વિધવા થયેલી એ સ્ત્રીની વિનંતિ સ્વીકારીને ડૉક્ટરે લગભગ આખો ચહેરો બેન્ડેજની પટ્ટીઓથી ઢાંકી દીધો હતો!આ સાંભળીને રાઘવેન્દ્રના મગજમાં શંકા સળવળી.કોઈ પત્ની આવી પાગલ જેવી માગણી શા માટે કરે? 

એમની આછીપાતળી શંકા પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી પાકી ખાતરીમાં બદલાઈ ગઈ. રિપોર્ટમાં જણાવાયું હતું કે ટ્રક નીચે કચડાવા અગાઉ આ માણસનું મૃત્યુ તો ગળે ફાંસો આપવાથી થઈ ચૂક્યું હતું! એમણે તાત્કાલિક હોસ્કોટના ઈન્સ્પેક્ટર મિત્રને ફોન કરીને તાકીદ કરી કે તમારા ખબરીઓ દ્વારા શિલ્પારાણીની બધી જાણકારી મેળવો. હોસ્કોટના ઈન્સ્પેક્ટરે બીજા દિવસે માહિતી આપી કે મરનાર મુનિસ્વામીએ જુદી જુદી વીમા કંપનીઓ પાસેથી કુલ ચાર કરોડનો વીમો લીધો હતો, અને એમાં નોમિની તરીકે શિલ્પારાણીનું નામ છે,એટલે શિલ્પારાણી અત્યારે વીમા એજન્ટોને મળીને પૈસા મેળવવા માટેની કાર્યવાહી કરી રહી છે!

મોઢા પર બેન્ડેજના પટ્ટાની શિલ્પારાણીની વિનંતિ, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અકસ્માત અગાઉ ગળેફાંસો આપીને થયેલી હત્યા અને વીમાની રકમ રૂપિયા ચાર કરોડ! આટલી વિગત જાણીને હાસન જિલ્લાના પોલીસ વડા એમ. સુજીતાએ તપાસ વધુ સંગીન બનાવવા આદેશ આપ્યો.

ત્રીજા દિવસે પોલીસને પહેલી સફળતા મળી.અકસ્માત કરીને નાસી છૂટનાર ટ્રક ડ્રાઈવરને ટ્રક સાથે ઝડપી લેવાયો.પોલીસની પ્રસાદી મળી એટલે દેવેન્દ્ર નાયકા (૩૬ વર્ષ) નામનો એ ટ્રક ડ્રાઈવર ભાંગી પડયો.એણે વટાણા વેરી નાખ્યા.એની વાત સાંભળીને પોલીસ ચોંકી ઉઠી. દેવેન્દ્રે કબૂલાત કરી કે આ કામ માટે મુનિસ્વામીએ મને નવી ટ્રક અને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા.ટ્રક નીચે કચડાઈને જે મરી ગયો એ માણસ મુનિસ્વામી ગૌડા નહોતો,એક ભિખારી હતો!

ટ્રક ડ્રાઈવરની ધરપકડના સમાચાર અખબારો-ટીવી પર આવ્યા,અલબત્ત એમાં મુનિસ્વામીના કાવતરાની વાત પોલીસે ઉઘાડી નહોતી કરી. એ છતાં,આ સમાચાર જાણીને મુનિસ્વામી ગભરાયો.પોતે વ્યવસ્થિત કાવતરું કરીને ખેલ પાડયો હતો, આ ટ્રક ડ્રાઈવર કબૂલાત કરીને એના ઉપર પાણી ફેરવી દેશે એવું એને લાગ્યું. બચવા માટે હવે શું કરવું? એનો એક પિતરાઈ શ્રીનિવાસ સિડલઘટ્ટા પોલીસસ્ટેશનમાં સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતો હતો. કુટુંબી પિતરાઈ તરીકે એ કોઈ રસ્તો બતાવીને મને બચાવી લેશે,એવી આશા સાથે મુનિસ્વામી શ્રીનિવાસ પાસે પહોંચી ગયો. 

મુનિસ્વામી ગૌડા પોલીસસ્ટેશને શ્રીનિવાસ પાસે પહોંચ્યો,એટલે શ્રીનિવાસ તો ચમકીને ખુરસીમાંથી ઊભો થઈ ગયો. મુનિસ્વામીના જ્યારે ગંડાસીમાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા, ત્યારે પિતરાઈ તરીકે શ્રીનિવાસે તો એમાં હાજરી પણ આપી હતી! પોતે જેના અગ્નિસંસ્કાર સગી આંખે જોયેલા એ મરેલો માણસ અત્યારે જીવતો કઈ રીતે થઈ ગયો? મુનિસ્વામી ગૌડાએ રડમસ અવાજે પોતાના ગુનાની કબૂલાત કરીને શ્રીનિવાસ સામે હાથ જોડીને કહ્યું કે ભાઈ, મને બચાવી લો. 

ખાખી વર્દીમાં શ્રીનિવાસનું ખમીર જાગ્રત હતું.સંબંધને બદલે સિદ્ધાંતને વધુ મહત્વ આપીને એણે તરત જ ઈન્વેસ્ટિગેશન અધિકારી રાઘવેન્દ્રને ફોન કર્યો કે વીમાના ચાર કરોડ મેળવવા માટે નિર્દોષ ગરીબની હત્યા કરનાર મુનિસ્વામી ગૌડા તો જીવતો છે! અત્યારે એ મારી હિરાસતમાં છે, તું આવીને એને લઈ જા.

રાઘવેન્દ્રે આવીને મુનિસ્વામીની ધરપકડ કરી. એની કારના ડ્રાઈવર સોમેશને પણ ઝડપી લેવાયો.ચાલાકી વાપરીને શિલ્પારાણી ક્યાંક છટકી ગઈ હતી, એટલે એ પોલીસના હાથમાં ના આવી.મુનિસ્વામી ગૌડાએ ગુનાની કબૂલાત કરી લીધી. 

હાસનમાં જીઁ એમ.સુજીતાએ પ્રેસ કોન્ફરન્સમાં મુનિસ્વામીને રજૂ કરીને એની કબૂલાતના આધારે વિગતવાર જાણકારી આપી.દોઢ કરોડનું દેવુ ચૂકવવા માટે કોઈ જ ઉપાય નહોતો એટલે મુનિસ્વામી ગૌડાએ પોતાની પત્ની શિલ્પારાણીને સહભાગી બનાવીને આ ખતરનાક પ્લાન બનાવેલો.જુદી જુદી કંપનીઓમાંથી કુલ ચાર કરોડના વીમા લીધા,પછી એનું પ્રીમિયમ ભરતી વખતે એ આ રકમને એક જાતનું રોકાણ જ માનતો હતો.દરેક વીમા પોલિસીમાં નોમિની તરીકે શિલ્પારાણીનું નામ હતું.જૂન, ૨૦૨૪ પછી મુનિસ્વામીએ પોતાના જેવા કદ-કાઠી ધરાવતા માણસની શોધ શરૂ કરેલી.પ્લાસ્ટિકનો કચરો વીણીને કોથળામાં ભરીને લઈ જનાર એક ભિખારી એની દુકાન પાસેથી રોજ પસાર થતો હતો.મુનિસ્વામીએ એના ઉપર પસંદગી ઊતારી.એ માણસને રોજ ખાવાનું આપીને અને પૈસા આપીને એની સાથે સંબંધ ઘનિષ્ટ બનાવ્યો.મામલો ચાર કરોડનો હતો એટલે કોઈ છેડો ઢીલો ના રહી જાય એ માટે એ ભિખારીનું બ્લડ ગૃપ પણ ચેક કરાવીને ખાતરી કરી લીધી કે એનું બ્લડ ગૃપ પણ પોતાના જેવું ઓ-પોઝિટિવ જ છે! તારીખ ૧૨-૮-૨૦૨૪ના દિવસે પોતાના કપડાં એને પહેરવા આપીને કહ્યું કે અમારી સાથે એક ફંકશનમાં આવવાનું છે. દેવેન્દ્ર નાયકા એક જૂની ટ્રકનો માલિક હતો. એને નવી ટ્રક અને પાંચ લાખ રૂપિયા આપીને કામ સમજાવ્યું. ડ્રાઈવર સોમેશે કાર સ્ટાર્ટ કરી. શિલ્પારાણી એની પાસે બેઠી. પાછળની સીટ પર મુનિસ્વામી અને ભિખારી બેઠા. સૂમસામ હાઈવે પર ગયા પછી મુનિસ્વામીએ પ્લાસ્ટિકની રસ્સીથી ભિખારીને ફાંસો આપીને એની હત્યા કરી. એ પછી બેંગલોરથી ૧૭૭ કિલોમીટર દૂર ગોલ્લરહલ્લીના નિર્જન હાઈવે પર પહોંચ્યા. નક્કી કર્યા મુજબ દેવેન્દ્ર ટ્રક લઈને ત્યાં હાજર હતો. મુનિસ્વામીએ લાશને નીચે ફેંકી. દેવેન્દ્રે એના પર ટ્રક ચડાવી અને શિલ્પારાણીએ ગંડાસી પોલીસસ્ટેશનમાં જઈને કહ્યું કે મારા પતિનું અકસ્માતમાં મોત થયું છે. એ સ્ત્રીએ અંતિમવિધિ પણ પતાવી! હાથમાં ચાર કરોડ આવી જાય એ પછી દેવામુક્ત થઈને કાયમ માટે નેપાળ ભાગી જવાનો આ પતિ-પત્નીનો પ્લાન હતો. ઈન્સ્પેક્ટર શ્રીનિવાસની ફરજપરસ્તીની પણ હું કદર કરું છું. ખરેખર જે મૃત્યુ પામ્યો એ કોણ હતો, એની કોઈ જાણકારી મળી નથી. 

નિર્દોષની હત્યા કરીને વીમાના ચાર કરોડ મેળવવાની લાલસામાં મુનિસ્વામી ગૌડા અત્યારે જેલમાં છે.છેલ્લા સમાચાર મુજબ તારીખ ૨૯-૩-૨૦૨૫ ના દિવસે પોલીસે શિલ્પારાણીને પણ પકડી લીધી છે!

- મહેશ યાજ્ઞિક

 

 

Related News

Icon