Home / GSTV શતરંગ : Isn't it necessary for a person to be a companion in happiness and a sharer in sorrow?

શતરંગ / માણસે સુખમાં બીજાના સાથીદાર અને દુઃખમાં ભાગીદાર બનવું શું જરૂરી નથી?

શતરંગ / માણસે સુખમાં બીજાના સાથીદાર અને દુઃખમાં ભાગીદાર બનવું શું જરૂરી નથી?

- માણસે ભગવાને આપેલી જિંદગીનું પાત્ર એવી રીતે ભજવવું જોઈએ કે આપણી ભૂમિકા જોઈ પરમાત્મા ખુશખુશાલ થઈ જાય

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચાર યુગ પૈકી સતયુગ સર્વશ્રેષ્ઠ ત્રેતાયુગ મધ્યમ અને દ્વાપર યુગ કલ્પી ન શકાય તેવા માનવીઓનો યુગ છે.

યુગ બદલાય છે તેમ માનવીઓની વૃત્તિ અને પ્રવૃત્તિ બદલાય છે. માણસ દરેક વસ્તુને ઘડે છે પણ પોતાની જાતને ઘડતો નથી. સુખમાં માણસે એકલપેટા બનવું ન જોઈએ કારણ કે તેનું જીવન સુંદર અને સુવિધાજનક બનાવવામાં અનેક લોકોનો ફાળો હોય છે માણસને માથે સામાજિક ઋણ છે. એ અદા કરવા બીજાને પોતાનો ઉષ્માભર્યો સહકાર આપવો જોઈએ.

શું તમારા બૂટ કે ચંપ્પલ તમે જાતે બનાવ્યા છે ?

પહેરવાનાં વસ્ત્રોનું વણાટ તમે જાતે કર્યું છે ?

અન્નનો દાણો ઉગાડવા તમે ખેતરમાં કદી ગયા છો ?

જે ફળ-ફળાદિ તમે આરોગો છો, તેનો બગીચો તમે જાતે તૈયાર કર્યો છે ? તમને ઘડવામાં શિક્ષણ સંસ્થાઓ સમાજ, તમારાં માતા-પિતા અને ઈશ્વર કૃપાનું વરદાન છે.

એટલે સુખમાં તમને ભાગીદાર બનાવવાં જોઈએ. સુખમાં ભાગીદાર બનાવવા માટે માત્ર 'થેંક યુ' કહી પલાયનવાદી ન જ બનાય. બીજાને સુખમાં ભાગીદાર બનાવવા માટે દુઃખને નિર્મૂળ કરવા તેમનાં આંસુ લૂછો. સારા પ્રસંગો એ તેમને સન્માનપૂર્વક આવકારો. જો તેઓ પીડામાં હોય તો તન-મન-ધનથી તેમને સહકાર આપો. આમ કરીને બીજાનું નહીં પણ પોતાનું જ ભલું કરી રહ્યા છો. માણસોના પ્રકાર વર્ણવવામાં આવ્યા છે તે મુજબ આવા માણસો સ્વાર્થ ત્યજી દઈ પારકાનું કામ કરે છે. સામાન્ય માણસો તે છે જેઓ પોતાના સ્વાર્થને વાંધો ન આવે એ રીતે પારકાનું હિત સાચવવા ઉદારતા દાખવે છે પણ કેટલાક નીચ લોકો સ્વાર્થ માટે બીજાનું હિત બગાડે છે, તેઓ રાક્ષસ તુલ્ય છે. પરંતુ જેઓ વિના કારણ જ બીજાનું હિત બગાડે છે, તેઓ કોણ છે તે અમે જાણતા નથી એમ ભતૃહરિ કહે છે.

સમાજમાં રહેનાર માણસે સ્થિતપ્રજ્ઞા બનવું ન જોઈએ. શુભ કામમાં આસક્તિ, પરોપકારમાં આનંદ અને સામાજિક ઋણ અદા કરવામાં પ્રસન્નતા એ જીવનની મહેક છે જેને કારણે આખો સમાજ મહેકી ઉઠે છે.

ગીતા પ્રવચનોમાં બીજા અધ્યાયમાં વિનોબા ભાવેએ જણાવ્યું છે કે જીવનના ત્રણ સિદ્ધાંતો છે. આત્માની અમરતા, ને અખંડતા. દેહની ક્ષુદ્રતા અને સ્વધર્મની અધ્યાત્મતા. આપણો જન્મ થયો તે પહેલાં સમાજ અસ્તિત્વમાં હતો. આપણાં મા-બાપ પણ હતાં અને પડોશી પણ માણસે યાદ રાખવું જોઈએ કે જે મા-બાપની કૃપાથી આવું સુંદર જગત જાણવાનો અને માણવાનો મોકો મળ્યો તેમનો અનહદ ઉપકાર છે. જન્મનો કોઈ હેતુ પાર પાડવા માટે ઈશ્વરે માણસને ધરતી પર મોકલ્યો છે એટલે આત્મકેન્દ્રી બની એકલા-એકલા સુખ ભોગવવું એ પરમાત્માનું પણ અપમાન છે. મૂળ વાત સ્વાર્થ અને છીછરી બુદ્ધિની છે. માણસ દેવબુદ્ધિને બદલે દેહબુદ્ધિનો દાસ બની જીવનના ખાબોચિયામાં મગ્ન રહે છે. કોઈ કુટુંબના અભિમાનમાં મગ્ન રહી બીજાના હિતને લેશમાત્ર મહત્વ આપતો નથી. આ જીવનનો એક પ્રકારનો દ્રોહ છે. સમાજમાં આપણે હિન્દુ-મુસલમાન કે અન્ય ધર્મોના ઉત્તમ વિચારો અપનાવી સુખી થઈ શકીએ અને બીજાના જીવનને સુખી કરી શકીએ. બ્રહ્માંડ એ સુંદર વણેલું લૂગડું છે નાનું છોકરું લૂગડાના કટકા કરે તે પ્રમાણે આ દેહ જેવડી કાતર લઈ આ વિશ્વાત્માના કકડા ફાડવા જેવી બીજી કોઈ નાદાની નથી. ફળ ત્યાગનો આનંદ લેવા માટે ભક્ત પુંડરિક બનવું પડે. પુંડરિહ મા-બાપની સેવા કરતો હતો. એની સેવાથી એને મળવા ભગવાન સામેથી દોડી આવ્યા પણ પુંડરિકે સેવા પડતી ન મૂકી અને ભગવાનને ઉભા રહેવા ઈંટ આપી. આને સાચી ભક્તિ કહેવાય. આપણે કુટુંબ અને સમાજભક્તિમાં વહેંચાએલા રહી સંપૂર્ણપણે વ્યક્તિને ન્યાય આપી શકતા નથી. કુંદનિકા કાપડીઆની લોકપ્રિય કૃતિ પરસસમીપેમાં એકએકથી ચઢિયાતી પ્રાર્થનાઓ પ્રસ્તુત છે. જેમકે હે નાથ, અમે દુનિયાના કીચડમાં ફસાએલા છીએ. એમાંથી તમે જ અમને બહાર કાઢી શકો તેમ છો. હે પ્રભુ કૃપા કરો. આ પુસ્તકના અંતિમ મુખપૃષ્ઠ પર સ્વ. મકરંદ દવેની વિચારપ્રસાદી પ્રસ્તુત થયેલી છે તદનુસાર

મારી નાની-મોટી ૬ નર્બળતા જોઈ હું હતાશ નહીં બનું અને બીજા કરતાં ચડિયાતી શક્તિ જોઈ ગર્વ નહીં કરું પણ મારી નિર્બળતાને દૂર કરવા પ્રયત્ન કરીશ.

સુખના દિવસોમાં મારી પોતાની જ આસપાસ સ્વાર્થની દીવાલ નહીં જણું અને દુઃખના દિવસોમાં વિશાળ હરિયાળાં મેદાનોને યાદ રાખીશ.

જગત મને જે કાંઈ આપે તે કૃતજ્ઞાભાવે ગ્રહણ કરીશ અને સાંજ ઢળતાં મારી જાતને પૂછીશ : તેં કોઈને આનંદનો કણ આપ્યો છે ખરો ?

મારી આજુબાજુ ભયાનક હત્યાકાંડ ખેલાઈ રહ્યો હોય ત્યારે પણ ઉઘડતા ફૂલને જોવાનું હું ચૂકીશ નહીં.

મારું સઘળું છે - એમ માની જીવનનો સ્વીકાર કરીશ અને મારું કાંઈ જ નથી એમ માની મૃત્યુ માટે તૈયાર રહીશ.

ટૂંકમાં માણસે દુઃખમાં બીજાના ભાગીદાર બનવું એ પરમાત્માનો વણલખ્યો આદેશ છે. માણસમાં જિંદગીના રંગમંચ પર પાત્ર ભજવવા માટે ખુમારી જોઈએ. જીવનના પ્રેક્ષકો પ્રત્યે આદરભાવ રાખવો જોઈએ અને પોતાની ભૂમિકા અદા કરવામાં લેશમાત્ર કચાશ ન રહે એની સંપૂર્ણ કાળજી રાખવી જોઈએ. કબીરે કહ્યું છે જિંદગીની ચાદરરૂપી આપણું જીવન બેદાગ રહે પરમાત્મા ખુશ રહે તે રીતે જીવી તેને ભગવાનને સમર્પિત કરવી જોઈએ.

- ગુફતેગો

- ડો.ચંદ્રકાન્ત મહેતા

Related News

Icon